તમે અમને 1 કરોડ વોટ આપો અમે તમને 50 રૂપિયામાં દારૂ આપીશુ: આંધ્ર પ્રદેશના બીજેપી અધ્યક્ષ
બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સોમુ વીરરાજુએ વચન આપ્યું છે કે જો પાર્ટીને 2024ની આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં એક કરોડ વોટ મળે તો રાજ્યમાં દારૂની કિંમતમાં ઘટાડો કરવામાં આવશે. સોમુ વીરરાજે મંગળવારે વિજયવાડામાં એક રેલીને સંબોધતા કહ્યું કે ભારતીય જનતા પાર્ટીને એક કરોડ વોટ આપો અને અમે માત્ર 70 રૂપિયામાં દારૂ આપીશું.
આ સાથે કહ્યું કે જો અમારી પાસે વધુ આવક બાકી હશે તો અમે ફક્ત 50 રૂપિયામાં જ દારૂ આપીશું. દરમિયાન, વીરરાજુએ દાવો કર્યો હતો કે ભ્રષ્ટ જગન સરકારને તોડી પાડવા માટે ભાજપ જ સક્ષમ છે. તેમણે કહ્યું કે અમને રાજ્યમાં આગામી સરકાર બનાવવાનો વિશ્વાસ છે.
ભાજપ આગામી વિધાનસભા ચૂંટણીમાં જગન મોહન રેડ્ડીની આગેવાની હેઠળની વાયએસઆર કોંગ્રેસ પાર્ટી (વાયએસઆરસીપી) સરકારને તોડી પાડવાનું લક્ષ્ય ધરાવે છે. વિજયવાડામાં આંધ્ર પ્રદેશ ભાજપ દ્વારા "પ્રજા આગ્રહ સભા" નું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ ભાજપના નેતા પ્રકાશ જાવડેકરે રાજ્યના લોકોને "ભ્રષ્ટ અને વિનાશક શાસનનો અંત લાવવા" વિનંતી કરી હતી.
વાયએસઆરસીપીએ રાજ્યમાં 2019ની વિધાનસભા ચૂંટણીમાં 175માંથી 151 બેઠકો જીતી હતી. ટીડીપી માત્ર 23 સીટો જીતી શકી હતી, જ્યારે ભાજપને એક પણ સીટ મળી શકી નથી. 2014માં ચંદ્રબાબુ નાયડુની આગેવાની હેઠળની ટીડીપી 102 બેઠકો જીતીને વિજયી બની હતી. જગન મોહન રેડ્ડીની પાર્ટી બીજા ક્રમે આવી અને 67 સીટો જીતી હતી.
મુખ્યપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદથી જગને અગાઉની TDP સરકારના અનેક નીતિવિષયક નિર્ણયોને પલટાવ્યા છે. તેણે અનેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ રદ કર્યા, કંપનીઓને ફાળવવામાં આવેલી જમીન પાછી લીધી અને જાન્યુઆરી 2020 માં, ત્રણ રાજધાનીઓ - વિશાખાપટ્ટનમ (એક્ઝિક્યુટિવ), અમરાવતી (લેજિસ્લેટિવ) અને કુર્નૂલ (ન્યાયિક) માટેના પ્રસ્તાવને મંજૂરી આપી.