
કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા મૃતકો માટે દ્વારકામાં ભાગવત કથા યોજાશે
દ્વારકા : કોરોના મહામારીમાં અસંખ્ય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કોરોનાની બીજી લહેરની કલ્પના માત્રથી આજે ઘણા પરિવારો કમકમી જાય છે. બીજી લહેર વખતે ગુજરાતમાં મોટી સંખ્યામાં લોકો મોતને ભેટ્યા હતા. ઘણા લોકો એવા છે જેમના પરિવાર આ મહામારીમાં વિખેરાઈ ગયા છે. આ ઉપરાંત અનેક લોકોના મોત એવી હાલતમાં થયા છે કે તેમની પાછળ અંતિમ વિધિ કરવા વાળુ પણ કોઈ રહ્યું નથી. ત્યારે હવે આવા મૃતકોના આત્માની શાંતિ માટે દ્વારકામાં શ્રી ભાગવત સપ્તાહ પારાયણનું આયોજન કરવામાં આવનારા છે.
દ્વારકા ખાતે કોરોનામાં મોતને ભેટેલા લોકોના આત્માની શાંતિ માટે શ્રી ભાગવત સપ્તાહ પારાયણનું આયોજન કરવામાં આવશે. આ પારાયણમાં કોરોનામાં મોતને ભેટેલા મૃતકો માટે મોક્ષ માટે પ્રાથના કરવામાં આવશે. આ કથાનું આયોજન આવા આત્માઓની શાંતિ અને પિતૃઓના મોક્ષ માટે કરવામાં આવ્યુ છે. આ કથાનું આયોજન જાન્યુઆરી મહિનામાં કરવામાં આવશે.
આ કથાના આયોજન માટે આજે દ્વારકા ખાતે સાધુ સંતોની બેઠક યોજાઈ હતી. દ્વારકાના શારદા મઠ ખાતે યોજાયેલી આ બેઠકમાં આગામી આયોજન માટેની ચર્ચા કરવામાં આવી હતી. આ કથામાં પિતૃઓના મોક્ષ માટે પરિવારના સભ્યો જોડાઈ શકે છે. તેના માટેના તમામ આયોજનની ચર્ચા આજની બેઠકમાં કરવામાં આવી હતી.