સર્જરી માટેની મંજૂરી મુદ્દે જામનગર આયુર્વેદ યુનિવર્સિટીના VCએ કહી મહત્વની વાત
જામનગરઃ જામનગર સહિત દેશભરમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ખાનગી તબીબો દ્વારા મિક્ષોપેથી મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે જામનગરની આયુર્વેદ યુનિવર્સિટી તરીકે રાષ્ટ્રીય માન્યતા મેળવનાર આયુર્વેદ યુનિવર્સટીના વાઈસ ચાન્સેલર સાથે IMAના વિરોધ મામલે પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો. ખાસ કરીને આયુર્વેદના તબીબો દ્વારા કરવામાં આવતી સર્જરીથી દર્દીઓને કોઈ પણ પ્રકારનુ નુકશાન નહિ થાય તેવી સ્પષ્ટતા તબીબો દ્વારા કરવામાં આવી છે અને હાલ જે સર્જરીની વાત કરવામાં આવી રહી છે તે વર્ષો પહેલા એજ આયુર્વેદના તબીબો દ્વારા કરવામાં આવતી હતી ત્યારે ખાનગી તબીબો દ્વારા શા માટે આ મામલે વિરોધ કરવામાં આવે છે તેવા પ્રશ્નો પણ વાઈસ ચાન્સેલર દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે જામનગરમાં પણ IMAના તબીબો દ્વારા એલોપેથી હોસ્પિટલો સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી બંધ રાખીને આયુર્વેદમાં તબીબોને સર્જરીની મંજૂરીનો વિરોધ દર્શાવવામાં આવ્યો. જામનગરમાં હોસ્પિટલોમાં એલોપેથીના 100થી પણ વધુ હોસ્પિટલોએ ઈમરજન્સી સારવાર બંધ રાખી. 550થી પણ વધુ IMAના તબીબો એક દિવસની હડતાળમાં જોડાયા. આયુર્વેદના તબીબોને જે રીતે સર્જીરીની મંજૂરી આપવામાં આવી તેનો ભારે આક્રોશ સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો.
IMAના ડૉ. અતુલભાઈએ જણાવ્યુ કે સરકારે આયુર્વેદિક ડૉક્ટરોને ઑપરેશન કરવા માટેની મંજૂરી આપતો એક ખરડો પાસ કર્યો છે જેના વિરોધમાં સમગ્ર દેશમાં અને ગુજરાતના જામનગરમાં આઈએમએના ડૉક્ટરો હડતાળ પર ઉતર્યા છે. ઑપરેશન કરવા માટેનુ ભણતર આયુર્વેદમાં હોતુ નથી. આયુર્વેદ અને એલોપેથી બંને અલગ વિજ્ઞાન છે જે બંનેને ભેગુ કરવુ એ પ્રજાના હિત માટે ખરાબ છે. ઑપરેશન માટેનુ બેઝિક જ્ઞાન આયુર્વેદમાં અલગ રીતે ભણાવાય છે. આયુર્વેદની અમુક લિમિટ છે જે આપણે સ્વીકારવી જોઈએ. નોલેજ વિના થયેલા ઑપરેશન દર્દીના હિતમાં નથી.
વાઈસ ચાન્સેલર અનુપ ઠાકરે જણાવ્યુ કે જે સર્જરી સિલેબસમાં છે તેના માટે જ તેમને મંજૂરી આપવામાં આવી છે જે તેઓ 2016થી શીખી રહ્યા છે. આ પહેલા પણ સર્જરીઓ થતી હતી. બધી સર્જરી કરવાની આમાં વાત નથી. અમુક પ્રકારની સર્જરીને જ મંજૂરી આપવામાં આવી છે. આમાં મને કંઈ સમજાતુ નથી કે આનો વિરોધ કેમ થવો જોઈએ. આયુર્વેદના ફાધર શુશ્રુતે સર્જરીનુ વર્ણન કરેલુ છે માટે આયુર્વેદમાં સર્જરી કોઈ નવી વાત નથી.
ઈન્ટર્ન ડૉક્ટરોની સ્ટાઈપેન્ડ વધારાની માંગ માટે ABVP મેદાને