ટૂંક સમયમાં શરૂ થશે ઈ સાયકલ સબસિડી, જાણો દિલ્હી સરકારનો પ્લાન
નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં ઈ સાયકલ ખરીદનારાઓ માટે સારા સમાચાર છે. દિલ્હી સરકાર હવે ઈ સાયકલ ખરીદનારાઓને ઈન્સેન્ટિવ મની (સબસિડી) આપવા જઈ રહી છે. દિલ્હી સરકાર આગામી થોડા દિવસોમાં સબસિડીની ચૂકવણી માટે માર્ગદર્શિકા જાહેર કરી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત મહિને આમ આદમી પાર્ટીની સરકારે રાજધાની દિલ્હીમાં વેચાયેલી પ્રથમ 10,000 ઈ સાયકલ માટે 5,500 રૂપિયાની સબસિડીની જાહેરાત કરી હતી. હવે દિલ્હી સરકારે તેને લાગુ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે.
આ સંદર્ભમાં, દિલ્હી સરકાર સાથે જોડાયેલા એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, ઇ સાયકલની ખરીદી પર સબસિડીની ચૂકવણી માટે ઓપરેશનલ માર્ગદર્શિકા આવતા સપ્તાહમાં જાહેર કરવામાં આવશે. માર્ગદર્શિકામાં સબસિડી યોજના હેઠળ આવરી લેવામાં આવેલી બ્રાન્ડ્સ અને પ્રોત્સાહનો મેળવવા માટેની પદ્ધતિઓ સહિતની માહિતી હશે.
આ અગાઉ દિલ્હીના પરિવહન પ્રધાન કૈલાશ ગહલોતે જણાવ્યું હતું કે, ઇ સાયકલના પ્રથમ 1,000 ખરીદદારોને પણ દિલ્હી ઇલેક્ટ્રિક વ્હિકલ (EV) નીતિ હેઠળ રૂપિયા 2,000 ની વધારાની સબસિડી આપવામાં આવશે. સરકારે કોમર્શિયલ ઉપયોગ માટે કાર્ગો ઈ સાયકલ અને ઈ કાર્ટના પ્રથમ 5,000 ખરીદદારો માટે રૂપિયા 15,000ની સબસિડીને પણ મંજૂરી આપી છે.
અધિકારીઓએ જણાવ્યું કે, આ અગાઉ ઈ કાર્ટના વ્યક્તિગત ખરીદદારોને સબસિડી આપવામાં આવતી હતી, પરંતુ હવે આ વાહનો ખરીદનાર કંપની અથવા કોર્પોરેટ હાઉસને પણ 30,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. આ સાથે દિલ્હી સરકારે તેમના કર્મચારીઓને સરળ માસિક હપ્તા પર ઇ ટુ વ્હીલર આપવાની યોજના બનાવી છે.
દિલ્હી સરકારે ઈ સાયકલને આગળ ધપાવવા માટે એક મોટી યોજના જાહેર કરી છે, જેમાં પ્રથમ 10,000 ઈલેક્ટ્રિક સાયકલ ખરીદનારાઓને 25 ટકા (રૂપિયા 10,000 સુધી)નું ડિસ્કાઉન્ટ મળશે, જ્યારે પ્રથમ 1,000 ગ્રાહકોને રૂપિયા 2,000નું વધારાનું પ્રોત્સાહન મળશે.