
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળ
વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને છેલ્લા દોઢ મહિનાથી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમનું કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન આજે સફળ રહ્યું છે. એમ્સના કાર્ડિયો-થોરૈકિક સેન્ટરમાં આ ઓપરેશન કરવામાં આવ્યું હતું, આ ઓપરેશન લગભગ 5 કલાક ચાલ્યા બાદ હવે ડોક્ટરોએ ઓપરેશન સફળ થયું હોવાની જાણકારી આપી છે.
16 નવેમ્બરના રોજ સુષ્મા સ્વરાજને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે તેમણે જાતે જ ટ્વીટર પર આ જાણકારી પોસ્ટ કરી હતી, તેમણે લખ્યું હતું, 'કિડની ફેલ થવાને કારણે મને એમ્સમાં દાખલ કરવામાં આવી છે. હાલ ડાયાલિસિસ પર છું. કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. ભગવાન શ્રી કૃષ્ણ બધું સારું કરશે.'
છેલ્લા દોઢ મહિનાથી હોસ્પિટલમાં દાખલ હોવા છતાં પણ સુષ્મા સ્વરાજ ટ્વીટરના માધ્યમથી લોકો સાથે જોડાયેલાં હતા.
દુનિયાભરના લોકોએ કિડની ડોનેટ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી
છેલ્લા દોઢ મહિનામાં અનેક લોકોએ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને પોતાની કિડની ડોનેટ કરવાની ઇચ્છા જાહેર કરી હતી, જેના કેટલાક ટ્વીટ ખૂબ ચર્ચાસ્પદ પણ બન્યા હતા. પરંતુ છેલ્લે કોણે એમને કિડની આપી એ હજુ ખબર પડી નથી. ઉત્તરપ્રદેશના મુજીબ અંસારીએ ટ્વીટ કર્યું હતું કે, હું એક મુસલમાન છું અને બહુજન સમાજ પાર્ટીનો સમર્થક છું. હું તમને મારી કિડની ડોનેટ કરવા માંગુ છું, કારણ કે તમે મારા માટે માં સમાન છો.
તો બીજી બાજુ તેલુગુ દેશમ પાર્ટી (તેદેપા)ના સાંસદ રાયપતિ સંબાશિવા રાવે પણ પત્ર લખીને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને પોતાની કિડની દાન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ ઉપરાંત ઘણા લોકોએ વિદેશમંત્રી સમક્ષ આવો પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં બલૂચિસ્તાનના કેટલાક લોકોનો પણ સમાવેશ થાય છે.