
કાશ્મીરી પંડિતોની દુકાનોને મફત વીજ જોડાણ આપશે દિલ્હી સરકાર
નવી દિલ્હી : દિલ્હી સરકાર INA માર્કેટમાં સ્થિત વિસ્થાપિત કાશ્મીરી પંડિતોની દુકાનોને મફત વીજળી કનેક્શન આપશે. મંગળવારના રોજ મળેલી બેઠકમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ અધિકારીઓને બજારમાં ટ્રાન્સફોર્મર લગાવવા માટે પસંદ કરેલી જગ્યાનું તાત્કાલિક નિરીક્ષણ કરવા અને એક મહિનાની અંદર કાશ્મીરી પંડિતોની તમામ દુકાનોમાં વીજળી જોડાણ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો.
તાજેતરમાં કાશ્મીરી પંડિતોનું એક પ્રતિનિધિમંડળ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને મળ્યું હતું અને વીજળી કનેક્શનનો મુદ્દો ધ્યાને મૂક્યો હતો. તેઓએ એમ પણ કહ્યું કે, આઈએનએ માર્કેટમાં કાશ્મીરી પંડિતોની 100 થી વધુ દુકાનો છે, જે છેલ્લા વર્ષોમાં વિવિધ સત્તાવાળાઓ દ્વારા આ વિસ્તારમાં વિવિધ બાંધકામ પ્રવૃત્તિઓને કારણે ઘણી વખત સ્થળાંતર કરવામાં આવી છે, જેના કારણે દુકાનદારોને વીજળી કનેક્શન સહિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.