For Quick Alerts
For Daily Alerts

ગાંધીનગરમાં ઇ- વેસ્ટ મેનેજમેન્ટ માટે તૈયાર કરાશે પ્લાન્ટ
રાજ્યના પાટનગર ગાંધીનગરમાંથી નીકળનારા ઈ - વેસ્ટના યોગ્ય નિકાલ માટે મહાનગરપાલિકા દ્વારા આગવું આયોજન ધરવામાં આવ્યું છે. જેમાં દરેક પ્રકારની ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો ઇકો ફ્રેન્ડલી રીતે નિકાલ કરવામાં આવશે.
ગાંધીનગરમાં પ્રદૂષણનો અત્યંત વધારો થવા જઈ રહ્યો છે ત્યારે માનવ જાતિ માટે ખતરા રૂપ બની રહેનારા પ્રદૂષણ સામે માનવીએ જાગૃત થવાની અત્યંત આવશ્યકતા છે. પ્રદૂષિત પાણી, પ્રદૂષિત હવા અને હવે જમીન પણ પ્રદૂષિત થઈ રહી હોવાથી હાલના તબક્કે માનવ જાતે જાગૃત થવાની જરૂરિયાત ઊભી થવા પામી છે. બીજી બાજુ એકવીસમી સદીમાં વધી રહેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ભંગાર પણ ભવિષ્ય માટે ખતરા રૂપ બની રહે એવી દહેશત પ્રવર્તી રહી છે. એર કન્ડિશનર, રેફ્રિજરેટર, માઇક્રોવેવ ઓવન, ઘરઘંટી, વોશિંગ મશીન ઉપરાંત લેપટોપ, કોમ્પ્યુટર કે મોબાઈલ જેવા ઉપકરણો આજના યુગમાં જરૂરિયાતનું સાધન બની રહ્યા છે.

આ અર્વાચીન યુગમાં આવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો લાંબા સમયે ખરાબ થઈ જતા હોવાને કારણે તે બિન વપરાશી પડી રહેવા પામે છે યા તો ભંગારમાં આપી દેવા પડે છે. જેના પરિણામે આવા ઉપકરણોનો યોગ્ય નિકાલ નહીં થતા પર્યાવરણ સામે ખતરારૂપ બની રહે છે. પર્યાવરણ સામે મંડરાઈ રહેલા આ ખતરાને નિવારવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા બીડુ ઝડપવામાં આવ્યું છે. આ માટે ECS એન્વાયરમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ ને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. હિતેશભાઈ મકવાણાએ પોતાની વાત આગળ વધારતા જણાવ્યું હતું કે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઈ - વેસ્ટના નિકાલ માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવે છે. એટલું જ નહીં મહાનગરપાલિકાનું વેબ પેજ પણ શરૂ કરવામાં આવી રહ્યું છે. આ ટોલ ફ્રી નંબર ૮૯૮૦૦૦૪૦૦૦ ઉપર વોટ્સ એપ મેસેજ મોકલવાથી કંપનીની વાન આવીને તમારે ઘરેથી ઈ - વેસ્ટ લઈ જશે. ECS ને કરવામાં આવેલા મેસેજમાં વસાહતીએ જે વસ્તુ ઈ - વેસ્ટ માં આપવાની હોય તેનો ફોટો પાડીને મોકલવાનો રહેશે. ત્યારબાદ કંપની દ્વારા વસાહતીના ફોન ઉપર તારીખ અને સમય આપવામાં આવશે. એ તારીખે કંપનીની વાન વસાહતીના બતાવેલા સ્થળ ઉપર પહોંચી જઈને ઈ - વેસ્ટની ચકાસણી કરી તેની કિંમત નક્કી કરશે. નક્કી કરાયેલી આ કિંમત સ્થળ ઉપર જ જે તે વસાહતીને ચૂકવી દેવામાં આવશે. આમ તમારો બગડી ગયેલો મોબાઈલ ફોન, વોશિંગ મશીન, ફ્રીજ, ઘરઘંટી કે કોમ્પ્યુટર પણ યોગ્ય કિંમતે ઈ - વેસ્ટ માં આપી શકાશે. આ ઈ - વેસ્ટ લઈ જનારી કંપની દ્વારા ઈ - વેસ્ટના બદલામાં ગ્રીન સર્ટિફિકેટ આપવામાં આવશે. જેમાં ભારત સરકારના ધારા ધોરણ મુજબ આ ઈ - વેસ્ટ નો ઈકો ફ્રેન્ડલી પદ્ધતીથી યોગ્ય નિકાલ કરવાની પણ બાહેંધરી આપવામા આવનાર હોવાનું, ECS નાં પ્રતિનિધિ વિજય મંડોરાએ જણાવ્યું હતું.
ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાએ જણાવ્યું હતું કે, વેસ્ટ એકત્રીકરણ માટે શહેરના વિવિધ સ્થળો ઉપર ઈ - વેસ્ટ કલેક્શન સેન્ટર પણ ઉભા કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
Comments
English summary
Plant to be set up for e-waste management in Gandhinagar