
જામનગર કોર્ટમાં નોકરીની ખોટી જાહેરાત પોસ્ટ કરનારા 4 ઝડપાયા
રાજકોટ : જામનગર જિલ્લા કોર્ટની વેબસાઈટ પર નકલી નોકરીની જાહેરાતો પોસ્ટ કરવા બદલ રાજસ્થાનના ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
29 એપ્રીલના રોજ, જામનગર કોર્ટના રજિસ્ટ્રારે સાયબર સેલને ફરિયાદ કરી કે, નકલી નોકરી સાથેની લિંક ચલણમાં છે. કોર્ટમાં કામ કરતી એક મહિલા ક્લાર્કને તેના સંબંધી પાસેથી આ અંગેની માહિતી મળી હતી, જેણે ઇન્ટરનેટ પર નોકરીની શોધ કરતી વખતે આ જાહેરાત જોઈ હતી.
એક મહિનાથી વધુ સમયની તપાસ અને ડેટા પ્રાપ્ત કર્યા પછી, પોલીસે રજનીકાંત કઠાનિયા, કૃષ્ણ કુમાર દહિયા, રાકેશ માહિયા અને અજય લાંબા ની ધરપકડ કરી હતી. તમામ ઝુનઝુનુ જિલ્લાના રહેવાસી છે.
તેઓએ સિક્યોરિટી ગાર્ડ, ચોકીદાર, ડ્રાઈવર અને પટાવાળા માટે ફેક નોકરીની જાહેરાત બનાવી હતી અને જણાવ્યું હતું કે, જે લોકો ધોરણ 8, 10 અને 12 પાસ કરેલું છે, તેઓ અરજી કરી શકે છે.
સાયબર સેલના નિરીક્ષક પી. પી. ઝાએ જણાવ્યું હતું કે, આ ચારેય પાસે એક વેબસાઈટ હતી, જેના પર તેઓએ જામનગરની કોર્ટમાં નોકરી માટેની નકલી જાહેરાતો બનાવી હતી. જોકે, અત્યાર સુધી કોઈની સાથે છેતરપિંડી થઈ નથી.