
આકર્ષક વળતરની લાલચ આપીને 7 લોકોએ કરી 640 સાથે 2 કરોડની છેતરપિંડી
રાજકોટ : આકર્ષક વળતરનું વચન આપતી બે સ્કીમની લાલચ આપીને સાત શખ્સોએ ઓછામાં ઓછા 640 લોકોને રૂપિયા 1.95 કરોડની છેતરપિંડી કરી હતી. રાજકોટ શહેરના નવયુગપરા વિસ્તારમાં રહેતા એક પીડિત કમલેશ ભટ્ટીએ આ અંગે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદમાં આસ્મા કાસમાની, તેના ભાઈ રઝાક, ભાઈ સાહિદ, રંજન રાઠોડ, તેના ભાઈ વિક્રમ, ભૂપત વાઘેર અને કેતન ભાટીના નામ આપ્યા હતા.
રાજકોટ પોલીસે જણાવ્યું હતું કે, આસ્મા અને તેની મિત્ર દેવી ઉર્ફે હર્ષા રાઠોડે 20 મહિનાના સમયગાળા બાદ 1 લાખ રૂપિયાના રોકાણ પર સભ્યોને 20 લાખ રૂપિયાનું વચન આપીને 2019માં ભાગીદારીમાં એક સ્કીમ શરૂ કરી હતી. તેઓએ સ્કીમને સ્ટાર ગ્રુપ ઈનામી ધમાકા નામ આપ્યું અને 140 સભ્યો બનાવ્યા હતા.
18 માર્ચ, 2021 નારોજ, તેઓએ લોકોને 40 હપ્તાઓ પછી રૂપિયા 1 લાખ આપવાના વચન સાથે દર મહિને રૂપિયા 3,600 ચૂકવવા આમંત્રણ આપતી બીજી યોજના શરૂ કરી હતી.
આ દરમિયાન 1 જૂનના રોજ દેવીએ કોઈ કારણસર આત્મહત્યા કરી લીધી હતી. તેની માતા રંજન, ભાઈ વિક્રમ, બહેનના પતિ ભૂપત, રઝાક, સાહિદ અને કેતને કથિત રીતે એકઠી કરેલી રકમ એકબીજામાં વહેંચી દીધી હતી અને રોકાણકારોને પરત કરવાને બદલે મિલકતો ખરીદી હતી.