અમદાવાદના તબીબ સામે રાજકોટના તબીબે નોંધાવ્યો બળાત્કારનો ગુનો
રાજકોટ શહેરમાં મહિલા ડૉક્ટર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના પગલે અમદાવાદના એક ડૉક્ટર સામે બળાત્કારનો ગુનો નોંધવામાં આવ્યો છે. ડૉક્ટરે આરોપ મૂક્યો હતો કે, ડૉ. પાર્થ મકવાણાએ 25 નવેમ્બર, 2020 અને ઑક્ટોબર 5, 2021 દરમિયાન તેની સાથે ઘણી વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા.
લગ્નની લાલચ આપીને કર્યો બળાત્કાર
અમદાવાદના ડૉક્ટર દ્વારા રાજકોટની મહિલા ડૉક્ટરને લગ્નની લાલચ આપવામાં આવી હતી અને આ લાલચ આપી તેની સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા, પરંતુ બાદમાં તેનું વચન પાળ્યું ન હતું, એમ જ્યાં ફરિયાદ નોંધાઈ છે તે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સૂત્રોએ જણાવ્યું હતું.
રાજ્યમાં થયેલા બળાત્કારની વિગતો
ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં બળાત્કારના ઓછામાં ઓછા 3,796 કેસ અને સામૂહિક બળાત્કારના 61 ગુના નોંધાયા છે, રાજ્ય સરકારે વિધાનસભામાં આ અંગે માહિતી આપી હતી. ડિસેમ્બર 2021 સુધીમાં, આ એફઆઈઆરમાં આરોપી તરીકે દર્શાવવામાં આવેલા 203 લોકોની પોલીસે ધરપકડ કરવાની બાકી છે, એમ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ચાલુ બજેટ સત્રના પ્રશ્નકાળ દરમિયાન તેમના લેખિત જવાબોમાં જણાવ્યું હતું.
રાજ્યમાં સૌથી વધુ 729 કેસ અમદાવાદમાં નોંધાયા છે, ત્યારબાદ સુરત (508), વડોદરા (183), છોટાઉદેપુર (175) અને કચ્છ (166) છે. એ જ રીતે છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાં સામૂહિક બળાત્કારના 16 કેસ નોંધાયા હતા, ત્યારબાદ રાજકોટમાં સાત, સુરતમાં પાંચ અને વડોદરા અને અમરેલીમાં ચાર-ચાર કેસ નોંધાયા હતા.
2020 માં ગુજરાતમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધના 8,028 કેસ નોંધાયા હતા
સંબંધિત પ્રશ્નના જવાબમાં, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, 2020 માં ગુજરાતમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધના 8,028 કેસ નોંધાયા હતા. વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધના આ 8,000 જેટલા કેસો સામે પક્ષ દ્વારા શાસિત મહારાષ્ટ્રમાં 31,954 અને રાજસ્થાનમાં 34,535 કેસ સામે આવ્યા છે. સંઘવીને જવાબ આપતા કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું કે, સંઘવીએ ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જ્યાં રોજ સરેરાશ પાંચ બળાત્કાર થાય છે.
જ્યારે સંઘવીએ રાજસ્થાન એસેમ્બલીમાં બળાત્કારના કિસ્સાઓ વિશેની તાજેતરની ચર્ચા વિશે કેટલીક ટિપ્પણીઓ કરી, ત્યારે સ્પીકર નીમાબેન આચાર્યએ મંત્રીને એમ કહીને રોક્યા કે, તેમની ટિપ્પણી "અયોગ્ય" અને "એસેમ્બલીના નિયમો મુજબ નથી. જે બાદમાં સ્પીકરે તે ટિપ્પણીઓને વિધાનસભાના રેકોર્ડમાંથી હટાવી દીધી હતી.