ભાજપના ગઢ રાજકોટમાં આજે કેજરીવાલનુ શક્તિ પ્રદર્શન, 7 વાગે શાસ્ત્રી મેદાન ખાતે જાહેરસભા
રાજકોટઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને AAP હવે એક્શન મોડમાં આવી ગઈ છે. ભાજપના ગઢ રાજકોટમાં આમ આદમી પાર્ટીએ જોરદાર ટક્કર આપવાની તૈયારી કરી લીધી છે. દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે પહેલી વાર રાજકોટ આવી રહ્યા છે. બપોરે 2.45 વાગે રાજકોટ એરપોર્ટ પર કેજરીવાલનુ આગમન થશે. એરપોર્ટથી અરવિંદ કેજરીવાલ હોટલ ધ ઈમ્પીરિયલ પહોંચશે. જ્યાં સામાજિક અને રાજકીય આગેવાનો સાથે મહત્વની બેઠક યોજાશે. તેમજ રાજકીય આગેવાનો એને પક્ષના પદાધિકારીઓ સાથે પણ મુલાકાત કરશે.
રાજકોટમાં અરવિંદ કેજરીવાલનો રોડ શો યોજાશે ત્યારબાદ સાંજે 7 વાગે શાસ્ત્રી મેદાન ખાતે જાહેર સભાને સંબોધશે. ત્યારબાદ રાજકોટમાં રાત્રિ રોકાણ કર્યા બાદ આવતીકાલે 12 મેના રોજ વહેલી સવારે તેઓ દિલ્લી જવા રવાના થશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વર્ષના અંતે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ પ્રચાર-પ્રસાર શરુ કરી દીધો છે.
અરવિંદ કેજરીવાલની રાજકોટ મુલાકાતને લઈને રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યુ છે. રાજકોટ શહેર પ્રમુખે જણાવ્યુ હતુ કે અરવિંદ કેજરીવાલ રાજકોટ આવી રહ્યા છે ત્યારે રાજકોટ આપ દ્વારા રોડ શો અને જાહેરસભાની મંજૂરી કલેક્ટર પાસે માંગવામાં આવી છે. અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્રમાં રાજકોટથી ચૂંટણીના પ્રચારના શ્રીગણેશ કરશે. અરવિંદ કેજરીવાલના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે અને શાસ્ત્રી મેદાનમાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાશે.
ઉલ્લેખનીય છે કે દિલ્લીના સીએમ અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતના પ્રવાસ દરમિયાન ગુજરાતના સ્થાપના દિવસે ભરુચમાં આપ અને બીટીપી વચ્ચે ગઠબંધન બાદ કહ્યુ હતુ તે આ વખતે આપ-બીટીપીની સરકાર બનશે. આમ આદમી પાર્ટીને સમય ન મળે તે માટે ગુજરાતમાં વહેલી ચૂંટણી કરાવવાની તૈયારી છે પરંતુ અમારી પાસે જનતાનો પ્રેમ છે. તમે ગુજરાતમાં આજે ચૂંટણી કરાવી લો. જેમ દિલ્લીમાં ફ્રીમાં વિજળી મળી રહી છે તેમ અમારી સરકાર આવશે તો અહીં પણ ફ્રીમાં વિજળી મળશે. હું ઈમાનદાર છુ એટલે બધુ ફ્રી કરી રહ્યો છુ.