રાજકોટે જીતી ચોથી વખત પ્લેનેટ સિટી ચેલેન્જ
રાજકોટ : કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જન ઘટાડવા અને આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટેના પ્રયાસો બદલ વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર (WWF) દ્વારા આયોજિત વન પ્લેનેટ સિટી ચેલેન્જ (OPCC)માં રાજકોટ શહેર ફરી એકવાર રાષ્ટ્રીય વિજેતા તરીકે ઉભરી આવ્યું છે. આ ચોથી વખત છે કે, રાજકોટે તેનું પ્રખ્યાત ટાઈટલ જીત્યું છે, આ અગાઉ 2016, 2018 અને 2020માં રાજકોટે આ ટાઇટલ જીત્યું હતું.
WWF, આંતરરાષ્ટ્રીય સંસ્થા કે જે પર્યાવરણ પર માનવીય પ્રભાવને ઘટાડવાના હેતુ માટે ચેમ્પિયન છે, તેણે અંતિમ રાઉન્ડમાં રાજકોટ, સુરત અને કોચીને પસંદ કર્યા હતા, જેમાં શહેરને વિજેતા તરીકે પસંદ કરવામાં આવ્યું હતું.
વર્ષ 2019-20માં, રાજકોટે પરંપરાગત ઉર્જા વપરાશમાં 17.26 મિલિયન કિલોવોટ કલાક (KWH)નો ઘટાડો કર્યો છે અને મોટા પાયે સૌર અને અન્ય ગ્રીન પ્રોજેક્ટ્સ દ્વારા ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં 14,000 ટનનો ઘટાડો કર્યો છે.
રાજકોટના મેયર પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના કેટલાક પ્રોજેક્ટ જેમ કે એલઇડી આધારિત સ્ટ્રીટ લાઇટ, સોલાર પાવર, ગટરના પાણીની સફાઇ, નોન-મોટરાઇઝ્ડ ટ્રાન્સપોર્ટેશનને પ્રોત્સાહિત કરવા માટે આ બિરુદ મેળવવામાં શહેરમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
OPCC એ વૈશ્વિક ઓપન કોમ્પિટિશન છે, જેમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે અત્યાર સુધીમાં વિશ્વના 400 શહેરોએ ભાગ લીધો છે. 2021-22માં 50 દેશોના કુલ 280 શહેરોએ ભાગ લીધો હતો. વૈશ્વિક જ્યુરીએ દરેક દેશમાંથી એક શહેરને રાષ્ટ્રીય વિજેતા તરીકે પસંદ કર્યું છે.