રાજકોટમાં સામૂહિક આત્મહત્યાની ચોંકાવનારી ઘટના, પોલિસે શરૂ કરી તપાસ
રાજકોટના નાકરાવાડીમાં સામૂહિક આત્મહત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક મહિલાએ બે માસુમ પુત્રો સાથે સળગીને આત્મહત્યા કરી છે. માનવામાં આવી રહ્યુ છે કે મહિલાએ ગૃહકલેશના કારણે આત્મહત્યા કરી છે. સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવતા પરિવાર અને સમગ્ર ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
બનાવની વિગત મુજબ 28 વર્ષના દયાબેન વિજયભાઈ ડેડાણીયાએ 7 વર્ષના પુત્ર મોહિત અને 4 વર્ષના પુત્ર ધવલ સાથે સળગીને આત્મહત્યા કરી લીધી છે. કુવાડવા રોડના નવા ગામ સોખડા પાસે નાકરાવાડીમાં આ ઘટના બની છે. કુવાડવા પોલિસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. પોલિસની પ્રાથમિક તપાસમાં ગૃહ કલેશના કારણે પગલુ ભર્યાની પ્રાથમિક વિગતો બહાર આવી છે.
અન્ય એક બનાવમાં રાજકોટના હડમતિયા બેડી ગામમાં રહેતા ધોરણ 12ના વિદ્યાર્થીએ પણ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. અભ્યાસમાં મન ન લાગતુ હોવાથી તરુણે આ પગલુ ભર્યુ હોવાનુ પોલિસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ હતુ. કૌશિક સીંધવ નામના 17 વર્ષના તરુણની આત્મહત્યાની જાણ તથા કુવાડવા પોલિસ દોડી ગઈ હતા અને મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો હતો. કૌશિક તેના માતાપિતાનુ એકનુ એક સંતાન હતો. તેના પિતા ખેતી કરે છે. તે ઑનલાઈન અભ્યાસ કરતો હતો.