
સુરતમાં માતા-પુત્રીની બળાત્કાર બાદ હત્યાના કેસમાં 2 આરોપી દોષિત!
સુરત : પાંડેસરા વિસ્તારમાં એક મહિલા અને તેની પુત્રી પર બળાત્કાર કર્યા પછી તેની હત્યા કરી અને મૃતદેહોને ઝાડીઓમાં ફેંકી દીધા પછી સેશન્સ કોર્ટે શુક્રવારે આરોપી હર્ષ સહાય ગુર્જર અને તેના સાથી હરિઓમ ગુર્જરને દોષિત ઠેરવ્યા હતા. શનિવારે બંનેની સજા પર કોર્ટ ચુકાદો સંભળાવશે.
વર્ષ 2018 ના આ કેસમાં પોલીસે આરોપી હર્ષસહાય રામરાજ ગુર્જર અને હરિઓમ ગુર્જરની ધરપકડ કરી હતી અને બંને હત્યાના કેસમાં બે અલગ-અલગ ચાર્જશીટ રજૂ કરી હતી પરંતુ મૃતક માતા-પુત્રી હોવાના કારણે અને બંનેની હત્યાનો એક જ આરોપી હોવાથી કોર્ટે એક જ કેસ ગણી સૂનાવણી શરૂ કરી હતો. સરકાર વતી સુનાવણી માટે ખાસ સરકારી વકીલ તરીકે ભરૂચના સરકારી વકીલ પી.એન.પરમારની નિમણૂક કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન ફરિયાદ પક્ષે 43 સાક્ષીઓને રજૂ કર્યા હતા. 120 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. શુક્રવારે અંતિમ સુનાવણી બાદ કોર્ટે બંને આરોપીઓને બળાત્કાર અને હત્યાના દોષી ઠેરવ્યા હતા. જોકે, સજા અંગેનો નિર્ણય શનિવાર સુધી અનામત રાખવામાં આવ્યો છે.
6 એપ્રિલ, 2018ના રોજ પાંડેસરાના સાંઈ ફકીરા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસેની ઝાડીઓમાંથી 11 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકી પર બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. તે જ દિવસે પાંડેસરા પોલીસને સચિન મગદલ્લા હાઈવે રોડ પરથી એક મહિલાની લાશ મળી આવી હતી. મહિલાની હત્યા કોઈએ કરી હોવાનું પણ બહાર આવ્યું હતું. બંને બનાવમાં પોલીસે અલગ-અલગ કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. બંને કેસ એકબીજા સાથે સંકળાયેલા હોવાની આશંકાથી પોલીસે મૃતદેહોના ડીએનએ કરાવ્યા બાદ તેમના ડીએનએ મેચ થતા મૃતકના સંબંધમાં માતા-પુત્રીનો સંબંધ હોવાનું બહાર આવ્યું હતું. આ પછી આરોપીઓ સુધી પહોંચવું પોલીસ માટે મોટો પડકાર હતો. આખરે પોલીસ આરોપી સુધી પહોંચવામાં સફળ રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી હર્ષ સહાય ગુર્જર માતા-પુત્રીને રાજસ્થાનથી દૂર લઈ આવ્યો હતો. અગાઉ તેણે બંનેને પરવત પાટિયા વિસ્તારમાં રાખ્યા હતા. બાદમાં તેને કામરેજ વિસ્તારમાં એક નિર્માણાધીન બિલ્ડીંગના ફ્લેટમાં રાખવામાં આવ્યા હતા. ત્યારપછી તેણે મહિલાને બેરહેમીથી માર માર્યો, આ પછી હર્ષ સહાયે માતા-પુત્રીને કારમાં મૂકીને રસ્તાની વચ્ચે જ કારમાં મહિલાની હત્યા કરી લાશને હાઈવેની બાજુમાં ફેંકી દીધી હતી. ત્યારપછી તેણે બાળકીને દસ દિવસ સુધી પોતાની પાસે રાખી અને તેની સાથે અત્યાચાર ગુજાર્યો અને તેની સાથે દુષ્કર્મ પણ કર્યું. ત્રાસને કારણે બાળકીનું મૃત્યુ થયું ત્યારે તેની લાશ પણ પાંડેસરા વિસ્તારમાં ઝાડીઓમાં ફેંકી ફરાર થઈ ગયો હતો.
મા-દીકરીના મૃતદેહ મળ્યા બાદ પોલીસ માટે આ બ્લાઈન્ડ કેસ હતો. સુરત શહેર પોલીસની સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. જુદી જુદી ટીમો બનાવીને શરૂ કરાયેલી તપાસમાં પોલીસને સીસીટીવી ફૂટેજ મળ્યા હતા, જેમાં બાળકીની લાશ જ્યાંથી મળી હતી ત્યાંથી એક કાળા રંગની કાર પસાર થઈ રહી હતી. આ ફૂટેજના આધારે પોલીસે કારને ટ્રેસ કરી અને બાદમાં આરોપી હર્ષ સહાય ગુર્જર અને સાથી હરિઓમ ગુર્જર સુધી પહોંચી અને બંનેની ધરપકડ કરી હતી.