અમદાવાદ બાદ સુરતમાં પણ કોરોના બેકાબૂ, એક દિવસમાં 3974 કેસ નોંધાયા!
સુરત : ગુજરાતમાં હાલ કોરોના રોકેટ સ્પીડમાં આગળ વધી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે અમદાવાદ બાદ સૌથી વધુ કેસ સુરત શહેરમાંથી આવી રહ્યા છે. સુરતમાં જે રીતે કેસ વધી રહ્યા છે તેને જોતા આગામી દિવસોમાં ત્યાં પણ હવે અમદાવાદ જેવી જ સ્થિતી સર્જાઈ શકે છે.
સુરતના આંકડા પર નજર કરીએ તો, સુરતમાં છેલ્લા 24 કલાકમાં 3974 નવા કોરોના કેસ નોંધાયા છે અને 1 વ્યક્તિનું મોત થયુ છે. આ આંકડા સાથે કોરોનાના નવા કુલ કેસ 182175 પર પહોંચ્યો છે. અને અત્યારસુધીમાં કુલ 2138 લોકોના સત્તાવાર મોત થયા છે. બીજી તરફ આજે સુરત શહેરમાંથી 2232 દર્દીઓએ કોરોનાને માત આપી અને સાજા થઈને પરત કર્યા છે. એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો સુરતમાં કુલ 24330 એક્ટિવ કેસ છે.
કોરોનાના વધતા કેસ સાથે સુરતનું રાંદેર ઝોન હોટ સ્પોડ બની રહ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં રાંદેર ઝોનમાં અધધ 5093 કેસ નોંધાયા છે. જેને લઈને સુરત કોર્પોરેશન દ્વારા રાંદેર ઝોનને હાઈરિક્સ ઝોન જાહેર કરવામાં આવ્યુ છે. આ ઝોનમાં કોર્પોરેશન દ્વારા ચેતવણીના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે.
સુરતમાં કોરોના વિદ્યાર્થીઓને પણ સતત ઝપેટમાં લઈ રહ્યો છે. આજે સુરત શહેરમાં 40 નવા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ આવ્યા છે. કોરોનાના કેસ આવતા રાયન ઇન્ટર નેશનલ સ્કૃલ, એલ પી સવાણી, ડી પી એસ શાળા, કેન્દ્રિય શાળા, સુમન શાળા, ડી આર બી કોલેજ, મહેશ્વરી શાલાલ, વનિતા વિશ્રામ શાળા, હિલ્સ હાઇસ્કૂલ શાળા સહિતની શાળાઓમાં વર્ગો બંધ કરવામાં આવ્યા છે.