
બજેટમાં સુરતને મોટી ભેટ, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ માટે અધધ આટલા રૂપિયા ફાળવાયા!
સુરત : ગુજરાત રાજ્યનું વર્ષ 2022-23 માટે 2 લાખ 43 હજાર 965 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું. જેમાં સુરતના પાંચ પ્રોજેક્ટની પણ જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના બજેટમાં સુરતના લિંબાયત અને વરાછા વિસ્તારમાં નવી સરકારી કોલેજોની જાહેરાત કરવામાં આવી છે. સુરત જિલ્લા કછોલમાં આવેલી સાયન્સ કોલેજની સાથે તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટનો 1991 કરોડનો પ્રોજેક્ટ પણ મંજૂર કરવામાં આવ્યો છે. સુરત સિવિલ હોસ્પિટલમાં નવી ઓપીડી માટે 23 કરોડ, ભીમરાડમાં ગાંધી સ્મારક માટે 10 કરોડ ફાળવાયા છે.
નાણાપ્રધાન કનુ દેસાઈએ રજૂ કરેલા ગુજરાતના બજેટની સૌથી મોટી ખાસિયત એ છે કે રાજ્યમાં કોઈ નવા કર લાદવામાં આવ્યા નથી. મધ્યમ વર્ગના કરદાતાઓને રાહત આપતું આ બજેટ છે. નાણામંત્રી કનુ દેસાઈએ રાજ્યના ઈતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું છે. લોકોના કલ્યાણ માટે સૌથી વધુ ફાળવણી કૃષિ, આરોગ્ય અને પાણી વિભાગ માટે કરવામાં આવી છે. ખેડૂતોને વ્યાજમાં રાહત આપવા માટે નવી યોજના જાહેર કરવામાં આવી છે.
સુરતના આદિવાસી વિસ્તાર કછોલમાં કોલેજ વિજ્ઞાન પ્રવાહમાં એવી કોઈ વ્યવસ્થા નહોતી, જ્યાં બાળકો અભ્યાસ કરી શકે. જેના કારણે વિદ્યાર્થીઓને શહેરી વિસ્તારોમાં અભ્યાસ કરવાની ફરજ પડી હતી. જો કે આજે બજેટમાં કોલેજમાં વિજ્ઞાન પ્રવાહના વર્ગો શરૂ કરવા પણ મંજુરી આપવામાં આવી છે. છેવાડાના ગામડાના વિદ્યાર્થીઓ પણ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી શકે અને વિજ્ઞાન પ્રવાહમાં બાળકોની સંખ્યા વધે તે માટેનો પ્રયાસ છે.
આરોગ્યને ધ્યાનમાં રાખીને બજેટમાં સુરત સિવિલ હોસ્પિટલમાં નવી ઓપીડી માટે 23 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જે રીતે શહેરની વસ્તી વધી રહી છે તેના કારણે સુરત સિવિલ હોસ્પિટલની અંદર કામનું ભારણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વધવાની ફરજ પડી રહી છે.
શહેરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા તેમજ બ્યુટીફિકેશન માટે સરકારે બજેટમાં જાહેરાત કરી છે. જેમાં તાપી નદીના રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ માટે 1991 કરોડ રૂપિયા ખાસ ફાળવવામાં આવ્યા છે. અમદાવાદમાં જે રીતે રિવરફ્રન્ટનો વિકાસ થયો છે તેમ તાપી રિવરફ્રન્ટને પણ શાસકો દ્વારા સમયાંતરે વિકાસ માટે ઓફર કરવામાં આવી રહી છે. ભીમરડીના ઐતિહાસિક સ્થળ ગાંધી સ્મારકના નિર્માણ માટે 10 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે તાપી રિવરફ્રન્ટ મહત્વકાંક્ષી પ્રોજોક્ટ છે.