કોરોના જાગૃતિ માટે ભાજપે સુરતમાં 25 લાખ પતંગોનું વિતરણ કર્યુ!
સુરત : ભાજપ સુરત મહાનગર એકમે ગુરુવારે મકરસંક્રાંતિના અવસર પર પતંગ દ્વારા કોરોના બચાવની માહિતી આપી છે. અંબાનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલના જનસંપર્ક કાર્યાલયમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પાટીલે સમગ્ર ગુજરાતમાં પાર્ટી યુનિટ દ્વારા બૂથ સ્તરે 25 લાખ પતંગોનું વિતરણ કરીને કોરોના રસીકરણ સહિતની કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.
સુરત મહાનગરમાં ભાજપના કાર્યકરો દ્વારા દરેક બૂથ વિસ્તારમાં આવી બે લાખ પતંગોનું વિતરણ કરવામાં આવ્યું છે. મકરસંક્રાંતિના અવસર પર લોકો આ પતંગો ઉડાવશે અને કોરોના રસીકરણ અને કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓ વિશે પણ વિગતવાર જાણશે. આ કાર્યક્રમ દરમિયાન ભાજપના અનેક અધિકારીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા
ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ સ્થિતીમાં ભાજપનું સંંગઠન અત્યારથી જ કામે લાગી ગયુ છે. એક તરફ ગુજરાતમાં સરકાર વિરૂદ્ધ લોકોની નારાજગી અને બીજી તરફ આમ આદમી પાર્ટીના પગ પેસારાએ ભાજપની નીંદ ઉડાડી છે. આ સ્થિતીમાં હવે ભાજપ સંગઠન આગામી સમયમાં પોતાની રણનીતિ તેજ કરશે. આ તમામ કામગીરીના ભાગરૂપે ભાજપે 25 લાખ પતંગોનું વિતરણ કર્યુ છે.