
સુરતની સારોલી કુબેરજી માર્કેટના વેપારી સામે 3.17 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ!
સુરતના સારોલી કુબેરજી માર્કેટમાં દુકાન શરૂ કરીને એક સપ્તાહમાં ચૂકવણી કરવાનું વચન આપીને કરોડો રૂપિયા ઉઘરાવનાર રાજસ્થાનના વેપારી સામે સુરતની આર્થિક ગુના નિવારણ શાખાએ તપાસ શરૂ કરી છે. રાજસ્થાની વેપારી દ્વારા વધુ લોકો સાથે છેતરપિંડી થઈ હોવાની આશંકા છે.
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરતમાં પાલનપુર જલારામ ઈન્ટરનેશનલ સ્કૂલની બાજુમાં કાસાકિંગ બી/401માં રહેતા 45 વર્ષીય પ્રદીપ ગોવિંદરામ રિંગ રોડ પર ગોલ્ડન પ્લાઝામાં સતનામ ટેક્સટાઈલના નામે ભિવંડી અને માલેગાંવથી ગ્રે કાપડનું વેચાણ કરે છે.
સપ્ટેમ્બર 2021માં ઉદ્યોગપતિ સંજય કનૈયાલાલ ખત્રીએ પાંડેસરામાં એક મિલમાં કામ કરતા જાણીતા ડાઇંગ માસ્ટર સંજય ઠાકોરનો ઉલ્લેખ કરીને કહ્યું હું સવાઈ માધુપુરનો છું. મારા પિતાનો જયપુર નિવાઈમંડીમાં તેલનો જથ્થાબંધ વેપાર છે અને મેં સારોલી કુબેરજી માર્કેટમાં રૂદ્રાક્ષ ટેક્સટાઈલના નામે ધંધો શરૂ કર્યો છે.'
સંજય ખત્રીએ એક સપ્તાહમાં ચુકવણીનું વચન આપતાં પ્રદીપભાઈએ તેમની સાથે વેપાર કરવાનું શરૂ કર્યું અને 20 સપ્ટેમ્બર 2021 થી 22 માર્ચ 2022 વચ્ચે કુલ 1,99,39,047 રૂપિયા મોકલ્યા. તેમાંથી સંજયે ટુકડે ટુડકેમાં 1,36,81,834 ચૂકવ્યા હતા અને 62,57,213ની ચૂકવણી અધુરી છોડી દીધી હતી. પહેલા તો સંજયે બાકી રકમ ભરવાનું વચન આપ્યું હતું, પરંતુ પછી તે પોતાની દુકાન અને મોબાઈલ બંધ કરીને ભાગી ગયો હતો. પ્રદીપભાઈને પાછળથી ખબર પડી કે સંજયે તેમના જેવા અન્ય વેપારીઓ પાસેથી કરોડો વસૂલ્યા હતા અને તેમના જેવા 42 વેપારીઓ, ટાઉટ અને ટ્રાન્સપોર્ટરોને 2,54,36,452 રૂપિયા ચૂકવ્યા ન હતા. તમામ પીડિતો વતી પ્રદીપભાઈએ ક્રાઈમ બ્રાન્ચમાં સંજય વિરૂદ્ધ 3,16,93,665ની છેતરપિંડીની ફરિયાદ આર્થિક ગુના નિવારણ વિંગમાં કરી હતી. એવી આશંકા છે કે વધુ વેપારીઓ સંજયની છેતરપિંડીનો શિકાર બન્યા છે.