પીએમ મોદી આજે સુરતમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટને સંબોધશે, ભાજપ પ્રમુખ પાટિલ સહિત અન્ય નેતાઓ રહેશે હાજર
સુરતઃ આજથી શરુ થનારા ત્રણ દિવસીય વૈશ્વિક પાટીદાર બિઝનેસ સમિટને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે સંબોધન કરશે. જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા હાજરી આપશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટિલ સહિત ઘણા નેતાઓ શામેલ થશે.
તમને જણાવી દઈએ કે ગુજરાતની આવનારી વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદાર મતબેંકને મજબૂત કરવી ખૂબ મહત્વની છે. ત્રણ દિવસીય આ કાર્યક્રમનો હેતુ પાટીદાર સમાજમાં ભાજપની સ્વીકૃતિ અને લોકપ્રિયતા દર્શાવવાનો છે. આ ત્રણ દિવસીય સમિટમાં લગભગ 750 સ્ટોલ લગાવવામાં આવ્યા છે તેમજ 10,000 પાટીદારો અને લગભગ પાંચ લાખ સહભાગીઓ આવવાની અપેક્ષા છે. ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટાના આયોજનમાં 38 ટકા જેટલો સહયોગ કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી અપાશે.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદી એપ્રિલ મહિનામાં જ બીજી વાર પાટીદાર સમાજને સંબોધવાના છે. અગાઉ 10 એપ્રિલના રોજ પીએમ મોદીએ જૂનાગઢ નજીક આવેલા કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીના મંદિર ઉમાધામ ગાંઠીલા ખાતે મહાપાટોત્સવ કાર્યક્રમમાં વીડિયો કૉન્ફરન્સથી હાજરી આપી સંબોધન કર્યુ હતુ. આ પહેલા પણ અમદાવાદમાં પીએમ મોદીએ વિશ્વ પાટીદાર સમાજ દ્વારા 200 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ સરદારધામ બિલ્ડીંગનુ ઉદ્ઘાટન કર્યુ હતુ. જે પાટીદાર સમાજ માટે વન સ્ટોપ બિઝનેસ, સામાજિક અને શૈક્ષણિક હબ તરીકે ઉભરી રહ્યુ છે.