જાહેરમાં ગળુ કાપી હત્યા કરનાર ફેનિલને આજે થઈ શકે છે સજા, ફાંસીની માંગ
સુરતઃ 12 ફેબ્રુઆરીના રોજ સુરતના પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળુ કાપી કરવામાં આવેલી હત્યા કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને કોર્ટે 302 સહિતની અલગ-અલગ કલમો હેઠળ દોષિત ઠેરવ્યો હતો. સતત સવા મહિના સુધી કોર્ટમાં ટ્રાયલ ચાલી બતી. જે ટ્રાયલ દરમિયાન કુલ 105 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. આ અંગે સરકારી વકીલ નયલ સુખડવાલાએ જણાવ્યુ હતુ કે ન્યાયિક પ્રક્રિયા ખૂબ ઝડપથી ચાલી રહી છે. આ કેસમાં આજે 5 મેના રોજ સજાનો ચુકાદો જાહેર કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાનુ જાહેરમાં ગળુ કાપી ક્રૂક હત્યાને અંજામ આપ્યો હતો. ત્યારબાદ તેણે હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનુ નાટક કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતા ફેનિલને ઝડપી લેવાયો હતો અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. 15 ફેબ્રુઆરીએ સારવાર બાદ ફેનિલને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી.
16 ફેબ્રુઆરીએ એસઆઈટીની રચના કરવામાં આવી હતી. 17 ફેબ્રુઆરીએ આરોપી ફેનિલને સાથે રાખીને સમગ્ર ઘટનાનુ રિક્રિએશન કરવામાં આવ્યુ હતુ. 19 ફેબ્રુઆરીએ રિમાન્ડ પૂરા થતા ફેનિલને લાજપોર જેલમાં ધકેલવામાં આવ્યો હતો. કેસની તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે ફેનિલે ગ્રીષ્માની હત્યા કરવા માટે એકે-47 ખરીદવાનો પણ પ્રયત્ન કર્યો હતો. કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ અને પુરાવા ચકાસ્યા બાદ ફેનિલને 21 એપ્રિલે દોષિત જાહેર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે આરોપી ફેનિલને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી રહી છે. સવા મહિના સુધી ચાલેલી ટ્રાયમાં કુલ 105 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. સરકારી વકીલ નયલ સુખડવાલાના જણાવ્યા મુજબ ન્યાયિક પ્રક્રિયા ઝડપથી ચાલી છે જેથી આરોપીના આકરામાં આકરી સજા થાય તેવી માંગ કરવામાં આવી છે. આ કેસમાં 100 ઉપરાંતના દસ્તાવેજી પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. બચાવ પક્ષે સતત ત્રણ દિવસ સુધી અંતિમ દલીલો કરી હતી જેમાં ફેનિલને ફસાવવા ઝડપથી ચાર્જશીટ કરવામાં આવી હોવાની દલીલો કરાઈ હતી.