ક્રિપ્ટોકરન્સીના ચક્કરમાં વેપારીએ 27 લાખ ગુમાવ્યા, બે ઝડપાયા!
સુરત : જલ્દી પૈસા કમાવવાના લોભમાં એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમા પોતાની મોટી મૂડી ગુમાવી દીધી હોય. આવો જ વધુ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. ઇન્ડોનેશિયાની એક કંપનીમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરતી વખતે સુરતના સિટીલાઇટના વેપારીએ 26.63 લાખ ગુમાવવા પડ્યા હતા.
મળતી માહિતી મુજબ સિટીલાઈટ નેમિનાથ એપાર્ટમેન્ટમાં રહેતા અને સચીનમાં બાયો-ફર્ટિલાઈઝર મેન્યુફેક્ચરિંગનું કામ કરતા 39 વર્ષીય રાજ સામ લોખંડવાલાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, કોમંગ સુકી નામના વ્યક્તિએ રાજને ફોન કર્યો અને કહ્યું કે તે ઈન્ડોનેશિયામાં પોતાનો રિસોર્ટ ચલાવે છે અને ભારતમાં પણ રિસોર્ટ ખોલવા માંગે છે. આ સિવાય તે પોતે પેરાગોન ઓપ્શન્સ ટ્રેડિંગમાં ડીલ કરે છે, જ્યાં તેને ખૂબ જ ઊંચું વળતર મળે છે. ઊંચા વળતરની લાલચ સાથે તેણે રાજને ઓપ્શન્સ ટ્રેડિંગમાં રોકાણ કરવા માટે રાજી કર્યા.
વેપારીએ જણાવ્યું કે ટ્રેડિંગના નામે એકાઉન્ટમાં 7 હજાર ડોલર બેલેન્સ રાખવાની સૂચના આપી હતી. જેના કારણે તેણે તે ગેંગના ખાતામાં 34.80 લાખ ટ્રાન્સફર કર્યા હતા. જેમાંથી 8.17 લાખ પરત મળ્યા જ્યારે 26.63 લાખ પરત ન કર્યા. આ કારણે વેપારીએ કોમંગ, લિયોનાર્ડ, સ્ટેફની અને બેંક ખાતાધારકો સામે કેસ દાખલ કર્યો.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે કોલ ઈન્ડોનેશિયાથી નહીં પરંતુ રાજસ્થાનથી આવ્યો હતો. જેમાં રાજસ્થાનના સિદ્ધાર્થ શર્મા અને ગુજરાતના પવન સુથાર દ્વારા ક્રિપ્ટોકરન્સીના નામે આ સમગ્ર કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું હતું. સિદ્ધાર્થ શર્મા બેંગ્લોરમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે, જ્યારે પવન વડોદરામાં ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. બંને ઈન્ટરનેટ કોલ પર વાત કરતા હતા. જેના કારણે લોકોને લાગ્યું કે ફોન વિદેશથી આવી રહ્યો છે. આ પછી તે લોકોને ફસાવીને તેમની પાસેથી પૈસા પડાવતો હતો. હાલ પોલીસે બંનેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.