એવુ તો શું થયુ કે યુવતીએ સુસાઈડ નોટમાં લખ્યું, 'મારો મૃતદેહ ગુનેગાર પ્રેમીના ઘરે લઈ જજો!'
સુરત : સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક યુવતીએ આપઘાત કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આત્મહત્યા કરનાર યુવતીએ મરતા પહેલા સુસાઈડ નોટ પણ મૂકી હતી. જેમાં તેણીના મૃતદેહને તેના ઘરે લઇ જવાને બદલે તેના પ્રેમીના ઘરે લઇ જવા જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક યુવકે તેને લગ્નની લાલચ આપીને તેની સાથે સંબંધ બાંધ્યો હતો. જો કે આ પછી પણ તેણે લગ્ન કર્યા ન હતા. અંતે યુવકથી કંટાળી તેણે આપઘાત કરી લીધો હતો.
મળતી વિગત મુજબ, કાપોદ્રાની ગિરનાર સોસાયટીમાં રહેતા રામસિંગભાઈ વસાવાની પુત્રી સ્મિતા સુરતના વરાછા વિસ્તારમાં તેના ભત્રીજા સાથે રહેતી હતી. તેણી હીરાના કારખાનામાં કામ કરીને તેના પરિવારને આર્થિક મદદ પણ કરતી હતી. રામસિંગભાઈની પુત્રીએ બુધવારે સવારે 10 વાગ્યાની આસપાસ આત્મહત્યા કરી લીધી હતી, જે બાદ તેઓ સુરત આવ્યા હતા. પોલીસે લાશનો કબજો મેળવી તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન તેને સ્મિતાના ઘરેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી.
સ્મિતાના ઘરેથી મળેલી સુસાઈડ નોટમાં કહ્યું છે કે તે અને વિશાલ નામનો યુવક છેલ્લા ચાર વર્ષથી એકબીજા સાથે હતા. વિશાલે તેને લગ્નની લાલચ આપી તેની સાથે અનેક વખત સંબંધો બાંધ્યા હતા. વિશાલ પહેલેથી જ પરિણીત હતો. વિશાલની પત્ની કોમલ પણ તેના અને વિશાલના સંબંધો વિશે જાણતી હતી. જોકે તે વિશાલને જ સપોર્ટ કરે છે. તેઓએ સાથે મળીને મારો ઘણો લાભ લીધો છે. સુસાઈડ નોટ મુજબ વિશાલ અને કોમલ સ્મિતાને ઘણી વખત મારતા હતા અને માનસિક ત્રાસ પણ આપતા હતા. જેના કારણે તેણે આવું પગલું ભર્યું હતું. સ્યુસાઈડ નોટના આધારે પોલીસે વિશાલ પટેલ અને તેની પત્ની કોમલ સામે સ્મિતાને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.