MS યુનિવર્સિટીમાં કોરોનાને કહેર, 36 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ
વડોદરા: રાજ્યભરમાં કોરોનાની ત્રીજી લહેર હાલ પીક પર છે. કોરોનાના કહેરથી હવે શાળાઓ અને યુનિવર્સિટીઓ પણ બાકાત રહી નથી. કોરોનાએ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં પણ પગપેસારો કરી દીધો છે. જેને પગલે એસ.એસ.યુ. ની ગર્લ્સ હોસ્ટેલમાં આજે કોરોના ટેસ્ટીંગ હાથ ધરાયું હતું. છેલ્લા 17 દિવસમાં યુનિવર્સિટીમાં 38 જેટલાં કોરોના કેસ સામે આવ્યા છે.
એમ.એસ. યુનિવર્સિટીમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે. ગર્લ્સ હોસ્ટેલની તમામ 175 વિદ્યાર્થિનીઓનું આજે કોરોના ટેસ્ટિંગ કરાયું હતું. જેમાંથી 36 વિદ્યાર્થિનીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. કોરોના ટેસ્ટિંગ દરમિયાન એક વિદ્યાર્થિની બેભાન થઇને ઢળી પડી હતી. કોરોના પોઝિટિવ આવેલી 36 વિદ્યાર્થિનીઓને યુનિવર્સિટી કેમ્પસમાં બનેલા આઇસોલેશન હોલમાં રાખવામાં આવી છે. આ તમામ વિદ્યાર્થીઓના પરિવારને ફોન કરીને જાણ કરવામાં આવશે. પોઝિટિવ આવેલી વિદ્યાર્થીનીઓને હાલ મેડિકલ ટીમે દવા આપી છે. યુનિવર્સિટીમાં કોરોનાના કેસો વધતા સત્તાધિશો અને પરિવારજનો ચિંતામાં મુકાઇ ગયા છે.
થોડા દિવસ અગાઉ એમ.એસ.યુ.ના બોયઝ હોસ્ટેલમાં પણ આઠ જેટલાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ ઉપરાંત મેસમાં કામ કરતાં રસોઈયા અને હોસ્ટેલના વોર્ડન પણ કોરોના સંક્રમિત થયા છે. જેને પગલે યુનિવર્સિટી દ્વારા આજે ગર્લ્સ હોસ્ટેલમાં સરોજીની દેવી હોલ ખાતે વી.એમ.સી.સી.ના સહયોગથી સાથે રાખીને કોરોના ટેસ્ટીંગ અભિયાન શરૂ કરાયું છે. જેમાં મોટી સંખ્યામાં હોસ્ટેલની વિદ્યાર્થીનીઓનું કોરોનાનું ચેકીગ કરવામાં આવ્યું હતું.
રેપીડ ટેસ્ટ દ્વારા ટેસ્ટીંગ હાથ ધરાયું હતું. આ અંગે યુનિવર્સીટીના ચીફ વોર્ડન વિજય પરમારે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, પ્રિવેન્ટીવ મેઝર્સ તરીકે આજે વડોદરા કોર્પોરેશન અને યુનિવર્સીટીના હેલ્થ વિભાગના સહયોગથી કોરોના ટેસ્ટીંગ કરાવી રહ્યા છે.