કિશન ભરવાડનો છેલ્લો વીડિયો આવ્યો સામે, પુત્રી સાથે રમતા આવ્યા નજર
ધંધૂકામાં કિશન ભરવાડની હત્યાએ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવી મૂકી છે. કિશનની સાસરી વડોદરામાં તેના સસરા, સાળા સહિતના સંબંધીઓ શોકની લાગણીમાં ડૂબી ગયા છે. કિશનના સસરા જેસંગભાઈ તો પોતાના જમાઈની હત્યાના આઘાતથી ભાંગી પડ્યા છે. તેમણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે અમારા જમાઈ કિશનભાઈના ઘેર દીકરીના જન્મના 20 દિવસ બાદ જ તેમની હત્યા કરી દેવાઈ. અમારા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. જમાઇ કિશન દીકરી જન્મતાં ખૂબ ખુશ હતા અને તેને ભણાવી-ગણાવીને ડોક્ટર બનાવવા માગું છું, એમ તેમણે અમને છઠ્ઠીના દિવસે કહ્યું હતું. એ દિવસે અમારી દોહિત્રીનાં કંકુપગલાં પડાવ્યાં હતાં. અમારા જમાઈનું આ સપનું હવે અમે પૂરું કરીશું.
સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ મૂક્યા બાદ પોલીસ કેસ થયો અને જામીન પર છૂટેલા કિશન ભરવાડની ધંધૂકામાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. જ્યારે કિશનની હત્યા કરવામાં આવી ત્યારે તેમના ઘરે દીકરીને જન્મ થયાને માત્ર 20 દિવસ જ થયા હતા. દિવ્ય ભાસ્કર સાથેની વાતમાં કિશનના વડોદરા ખાતે રહેતા સસરા જેસંગભાઇએ જણાવ્યું હતું કે ભાણીનો જન્મ થતાં છઠ્ઠીના દિવસે વસ્ત્રો અને અન્ય વસ્તુઓ લઇને અમે વડોદરાથી ધંધૂકા ગયા હતા. ત્યારે અમને જાણવા મળ્યું કે અમારા જમાઇની ઇચ્છા હતી કે મારા ઘરે લક્ષ્મી (દીકરી)નો જન્મ થાય. દીકરીનો જન્મ થયા પછી જમાઇ કિશન ખૂબ ખુશ હતા અને તેમના હરખની કોઇ સીમા નહોતી.
નામકરણ વખતે તેમણે અમારી બધાની હાજરીમાં જમાઇ કિશને કહ્યું હતું કે મારું સપનું છે કે હું મારી દીકરીને ભણાવી-ગણાવીને ડોક્ટર બનાવીશ. તેમની એ ઇચ્છા રહી ગઇ, પણ હવે તેમની આ ઇચ્છા અમે પૂરી કરીશું. હું તેમના પરિવારના સભ્યોને પણ આ અંગે કહીશ અને અમે બધા મળીને કિશનની ઇચ્છા પૂરી કરીશું.