વડોદરા: ઓફલાઇન શિક્ષણ શરૂ, પ્રથમ દિવસે 75 ટકા વિદ્યાર્થીઓ રહ્યાં હાજર
કોરોનાની ત્રીજી લહેર બાદ હવે ઓફલાઇન શિક્ષણની શરૂઆત થઇ છે, ત્યારે આજે વડોદરામાં વિદ્યાર્થીઓને શાળાએ આવવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મોર્નિંગ સ્કૂલોના કેમ્પસ આજે સવારે વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠયા હતા. ઓફલાઇન સ્કૂલો શરૂ થવાના પ્રથમ દિવસે પોતાના સંતાનોને મુકવા આવેલા વાલીઓના કારણે સ્કૂલ બહાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. તો બીજી તરફ શિક્ષકો પણ વિદ્યાર્થીઓની હાજરી જોઇને ખુશ થયા હતાં. આજે શાળાઓમાં 70થી 75 ટકા વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી છે.
આજથી શહેરની તમામ શાળાઓમાં 100 ટકા કેપેસિટી સાથે શિક્ષણ કાર્ય શરૂ થયું છે, ત્યારે વિદ્યાર્થીઓ પણ બે વર્ષ બાદ ઓફલાઇન શિક્ષણ મેળવવા માટે ઉત્સાહભેર શાળાએ આવ્યા હતાં. શાળામાં વિદ્યાર્થીઓને માસ્ક પહેરીને અભ્યાસ કર્યો હતો. પ્રથમ દિવસ હોવાથી મોટાભાગના બાળકોને તેમના માતા-પિતા સ્કૂલમાં મુકવા અને લેવા માટે આવતા-જતાં જોવા મળ્યા હતાં.
માંજલપુર ખાતે આવેલી શ્રેયસ વિદ્યાલયના પ્રિન્સિપાલ એન. આર. પટેલે જણાવ્યું હતું કે, આજથી ઓફલાઇન સ્કૂલો શરૂ થતાં તમામ વર્ગોમાં 80થી 90 ટકા જેટલી વિદ્યાર્થીઓની હાજરી રહી છે. આગામી દિવસોમાં 100 ટકા હાજરી થઇ જશે તેવી અમને આશા છે. સરકારની ગાઈડલાઈન મુજબ કોરોનાની તમામ તમામ ગાઇડ લાઇનનુ નું પાલન કરવામાં આવી રહ્યું છે. ઓફલાઈન સ્કૂલો શરૂ થવાથી વિદ્યાર્થીઓના અભ્યાસમાં પણ ફરક પડશે.