વડોદરા: પોલીસ કમિશનરે બુટલેગરોને છાવરવા મુદ્દે 5 પોલીસકર્મીઓને કર્યા સસ્પેન્ડ
વડોદરામાં પોલીસ કમિશનર દ્વારા ફરી એકવાર મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના રાવપુરા પોલીસ સ્ટેશનના 5 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. બુટલેગરને છાવરવા મામલે ગુપ્ત તપાસ બાદ 2 ASI અને ત્રણ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે. મહત્વનું છે કે અગાઉ કારેલીબાગ પોલીસ મથકના 3 PSI અને 87 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી હતી.
રાવપુરા પોલીસની બુટલેગરની દુકાનમાં પાડેલા શંકાસ્પદ દરોડા અંગે શહેર પોલીસ કમિશનરે ઝોન-2 ડીસીપીને તપાસ સોંપાઇ હતી. જેમાં દરોડામાં સામેલ 5 પોલીસ કર્મચારીઓ દોષિત જણાયા છે. અને, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
3 ફેબ્રુઆરીએ રાવપુરામાં દારૂના વેચાણની બાતમી મળતા પોલીસે હિરેન ઠક્કર બુટલેગરની ધરપકડ કરી ન હતી. અને, માત્ર 6 દારૂની બોટલો કબ્જે કરવામાં આવી હતી. આ બાદ પીસીબીએ દરોડો પાડી બુટલેગરની ધરપકડ કરીને દારૂની 16 બોટલો કબજે કરી હતી. જે મામલે રાવપુરા ડિસ્ટાફની ફરિયાદ પોલીસ કમિશનર પાસે પહોંચી હતી. જેને પગલે ડીસીપી જયરાજસિંહ વાળાને તપાસ સોંપાઇ હતી. જેમાં 5 પોલીસ કર્મચારી દોષિત જણાયા હતા.
એલઆરડીથી માંડી એએસઆઈ સુધીના આ કર્મચારીઓનાં નામ હેડ કોન્સ્ટેબલ મુખ્તાર અહેમદ શોકતઅલી, લોકરક્ષક વિપુલ દુલાભાઈ, લોકરક્ષક આકાશ ભાનુભાઈ અને એએસઆઈ રાજુ પુંજાભાઈ છે. જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.