વડોદરા: પાથરણાવાળાઓએ મોરચો માંડતા તંત્રએ શુક્રવારી બજાર ભરવા આપી મંજુરી
વડોદરામાં શુક્રવારી બજારના પાથરણાવાળાઓએ મોરચો માંડતા તંત્રએ અંતે ઝુકવુ પડ્યું છે. આજથી જ શુક્રવારી બજાર ભરવા માટે પાલિકાએ મંજૂરી આપી દીધી છે. જોકે, લારીઓ અને પાથરણાવાળા કોરોનાની ગાઈડલાઈન પાલન કરવાનું રહેશે. આજે મોરચો લઇને મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે ગયેલા શુક્રવારી બજારના પાથરણાવાળાઓને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુધીર પટેલે જણાવ્યું હતું કે, તમે વડોદરામાં આજથી જ શુક્રવારે બજાર ભરી શકો છો. તમારે કોરોનાની ગાઇડલાઇન અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે.
આજે સવારે શુક્રવારી બજારના પાથરણાવાળા આજે ફરી એકવાર મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે મોરચો લઈને પહોંચી ગયા હતા. તેઓએ શુક્રવારી બજાર ફરી શરૂ કરો, ન્યાય આપો ન્યાય આપો ગરીબોને ન્યાય આપોના નારા લગાવ્યા હતા. અગાઉ ગત શુક્રવારે પણ પાથરણાવાળા લઈને કોર્પોરેશન ગયા હતા અને આવેદનપત્ર આપ્યું હતું. પાથરણાવાળા મોરચાના પગલે મહિલા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ કોર્પોરેશન ખાતે ગોઠવાઈ ગયા હતા.
સરકાર દ્વારા કોરોનાની ગાઇડલાઇનનો અમલ કરાવી રહેલા તંત્રની બેધારી નીતિ જોવા મળી રહી હતી. વડોદરા શહેરમાં કોરોનાના કેસો વધતા કોર્પોરેશન દ્વારા 3 અઠવાડિયાથી શુક્રવારી બજાર બંધ કરાવવામાં આવતુ હતું. શુક્રવારી બજાર ભરાતા કોર્પોરેશને સામાન જપ્ત કરી બજાર બંધ કરાવતા રોષે ભરાયેલી વેપારી મહિલાઓએ રોડ ઉપર બેસી કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરી હોબાળો મચાવ્યો હતો અને એક સામાજિક કાર્યકરે કોર્પોરેશનની કચેરી બહાર શુક્રવારી બજાર ભરવાની મંજૂરી આપવાની માંગ સાથે ચીમકી ઉચ્ચારી હતી.
કોર્પોરેશન દ્વારા સતત સતત 3 શુક્રવાર સુધી પોલીસ બંદોબસ્ત સાથે શુક્રવારી બજારમાં કાર્યવાહી કરી સામાન જપ્ત કરી બજાર બંધ કરાવતા તંત્રની કોરોનાને લઈ બેધારી અપનાવવામાં આવી રહેલી નીતિ સામે વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. કોરોનાના કેસ વધતા પાલિકા દ્વારા છેલ્લા ત્રણ સપ્તાહથી શુક્રવારી બજાર બંધ કરાવવામાં આવી રહ્યું હતું. જેને પગલે આજે ફરીથી પાથરણાવાળાઓનો મોરચો પોલિકા ખાલી પહોંચ્યો હતો. શુક્રવારી બંધ કરાવવાનો વિરોધ કર્યો હતો. જેને પગલે પાલિકાએ આજથી શુક્રવારી બજાર ખુલ્લુ રાખવાનો નિર્ણય કર્યો છે.