• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અફઘાનિસ્તાન: ’સૂતી વખતે જરૂરી કાગળો, પાસપોર્ટની બૅગ પાસે રાખું છું, ખબર નહીં ક્યારે શું થાય’- 1700 ભારતીયો ભયમાં

By BBC News ગુજરાતી
|
Google Oneindia Gujarati News

"હું રોજ સૂવા જાવ ત્યારે મારી બૅગ બારી પાસે જ રાખું છું. આ બૅગમાં એક જોડી જૂતા, કપડા, પાસપોર્ટ, જરૂરી કાગળો અને રોકડ રાખી છે."

"આ કોઈ જાસૂસી ફિલ્મના સીન જેવું લાગે, પરંતુ અફઘાનિસ્તાનમાં અમે આવી રીતે જ રહીએ છીએ. અહીં ગમે ત્યારે ગમે તે થઈ શકે અને તમારે તમારી બૅગ લઈને ભાગવું પડે તેવું થઈ શકે."

આ શબ્દો એક ભારતીય વ્યક્તિના છે, જે લાંબો સમયથી અફઘાનિસ્તાનમાં રહીને કામ કરે છે.

છેલ્લા થોડા અઠવાડિયાઓથી અફઘાનિસ્તાનમાં સ્થિતિ બદલાવા લાગી છે.

તાલિબાનના લડાયકોએ એક પછી એક બે ડઝનથી વધુ જિલ્લાઓ પર કબજો કરી લીધો છે. અફઘાન સેનાએ ઘણા જિલ્લાઓ ફરી કબજે કર્યાના દાવા કર્યા છે.

આ બધા વચ્ચે સ્થિતિ બગડવા લાગી છે. છેલ્લા થોડા દિવસોમાં જર્મની અને પોલૅન્ડ સહિતના ઘણા દેશોની સેના અફઘાનિસ્તાન છોડીને નીકળી ગઈ છે.

પહેલા એવું મનાતું હતું કે અમેરિકી સેના 11 સપ્ટેમ્બર સુધીમાં અફઘાનિસ્તાન છોડી દેશે. પરંતુ તાજા અહેવાલો અનુસાર અમેરિકી સેના આગામી 'થોડા દિવસોમાં' જ અફઘાનિસ્તાન થોડી દેવાની છે.


ગૃહ યુદ્ધની આશંકા

આ બધા વચ્ચે અમેરિકી-નાટો સેનાના કાબુલ ખાતે ખાલીખમ ભાસતા મુખ્યાલયમાં બેઠેલા અમેરિકી જનરલ ઑસ્ટિન એમ. મિલરે અફઘાનિસ્તાનમાં ગૃહ યુદ્ધની આશંકા વ્યક્ત કરી છે.

તેમણે જણાવ્યું કે, "અત્યારે જે સ્થિતિ છે જો તેવી ને તેવી સ્થિતિ ચાલતી રહી તો ગૃહ યુદ્ધ થવાની સંભાવના નકારી શકાય નહીં." આ દુનિયા માટે ચિંતાનું કારણ હોવું જોઈએ એમ તેમનું કહેવું છે.

અફઘાનિસ્તાન હાઈ કાઉન્સિલ ફૉર નેશનલ રિકન્સિલિએશનના અધ્યક્ષ ડૉ. અબ્દુલ્લાહ અબ્દુલ્લાહ કહે છે કે તેઓ શાંતિ ઈચ્છે છે, પણ ધીમેધીમ યુદ્ધ દરવાજે ટકોરા મારી રહ્યું છે. અફઘાન નેતાઓએ લોકોની સુરક્ષા માટે એક થવું જોઈએ.

એવી સ્થિતિ છે કે સામાન્ય લોકો પણ ઘરમાં હથિયારો જમા કરવા લાગ્યા છે, જેથી હુમલો થાય ત્યારે પરિવારની રક્ષા કરી શકાય.

આ બધા વચ્ચે અફઘાનિસ્તાનમાં ઘણા વર્ષોથી કામ કરી રહેલા વિદેશી નાગરિકો અફઘાનિસ્તાન છોડીને જવા લાગ્યા છે. કાબુલસ્થિત ભારતીય દૂતાવાસે અફઘાનિસ્તાનમાં ભારતીયો માટે સુરક્ષા અંગેની ખાસ સૂચનાઓ જાહેર કરી છે.


કેવી સ્થિતિમાં રહે છે ભારતીય નાગરિકો?

છેલ્લાં થોડાં વર્ષોમાં ભારત સરકારે અફઘાનિસ્તાનમાં પુનર્નિર્માણના ઘણા પ્રૉજેક્ટર્સ હાથમાં લીધા છે. તેના માટે લગભગ 3 અબજ અમેરિકી ડૉલરનું રોકાણ કર્યું છે.

સંસદભવનથી માંડીને સડકો બનાવવાનું કામ અને ડેમ બાંધવાનું કામ ચાલી રહ્યું છે ત્યાં સેંકડો ભારતીય પ્રોફેશનલ્સ કામ કરી રહ્યા છે.

ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનમાં લગભગ 1700 ભારતીયો રહે છે.

ભારતીય દૂતાવાસે 13 મુદ્દાની માર્ગદર્શિકા જાહેર કરી છે -

· અફઘાનિસ્તાનમાં રહેલા ભારતીયોએ જરૂર ના હોય ત્યાં સુધી ઘરની બહાર નીકળવું નહીં

· મુખ્ય શહેરોની બહાર ના જવું અને જવું પડે તેમ હોય તો વિમાનથી જવું, હાઈવે સલામત નથી

· ભારતીય નાગરિકોનું અપહરણ કરવામાં આવે તેવું જોખમ વધ્યું છે

અફઘાનિસ્તાનમાં એક આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે કામ કરતા એક ભારતીય નાગરિકે નામ ના આપવાની શરતે કહ્યું કે છેલ્લા થોડા દિવસોથી સેનાની ગતિવિધિ ઓછી થઈ છે.

સુમિત (બદલેલું નામ) કહે છે, "અત્યારે કાબુલમાં સ્થિતિ બહુ ખરાબ છે. એક એક દિવસ કરીને વિતાવી રહ્યા છીએ. હું હંમેશા મારી સાથે એક બેગ રાખું છું, જેમાં પાસપોર્ટ, જરૂરી કાગળો, રોકડા રૂપિયા, ટોર્ચ, સ્વિસ નાઈફ, જૂતા, આરામદાયક કપડાં વગેરે હોય છે."

"હું સૂવા જાઉં ત્યારે બારી પાસે જ બેગ રાખું છું. આ કોઈ ફિલ્મી સીન લાગશે, પણ પરંતુ અફઘાનિસ્તાનમાં અમે આવી રીતે જ રહીએ છીએ. ગમે ત્યારે ગમે તે થઈ શકે અને તમારે બૅગ લઈને તરત ભાગવું પણ પડે."

"અફઘાનિસ્તાનમાં રહેતા ભારતીયો એવા વિસ્તારમાં પણ નથી રહેતા કે જ્યાં જોરદાર ચોકીપહેરો ગોઠવાયેલો હોય. જોકે ભારતીય દૂતાવાસે ભારતીયોની સુરક્ષા પર નજર રાખે છે. સમયાંતરે માર્ગદર્શિકા જાહેર કરે છે."

અફઘાનિસ્તાનમાં સુરક્ષા સ્થિતિ કેવી છે તેના વિશે અમે નીતિન સોનાવણે સાથે વાતચીત કરી. તેઓ દુનિયાભરમાં મહાત્મા ગાંધીના વિચારોના પ્રચાર કરતાં કરતાં અફઘાનિસ્તાન પહોંચ્યા છે.

નીતિન કહે છે, "અફઘાનિસ્તાનમાં સ્થિતિ રોજેરોજ ખરાબ થવા લાગી છે. મેં ત્રણ દિવસમાં 80 કિલોમિટર જેટલી યાત્રા કરી હશે, પણ લોકો મને જણાવે છે 'આ બાજુ ના જાવ, ત્યાં ખતરો છે. રણમાંથી તાલીબાનો આવી શકે છે. હુમલો કરી શકે છે કે અપહરણ કરી શકે છે."

"હમણાં તાલિબાન બહુ ઝડપથી આગળ વધી રહ્યા છે. કાબુલમાં પણ સ્થિતિ ખરાબ છે. હું ત્યાં હતો ત્યારે એક વાન પર હુમલો થયો હતો, જેમાં મારા એક દોસ્તના સહયોગીનું મોત થયું હતું. તેથી લોકો અહીંથી જતા રહેવા માટેની કોશિશમાં લાગ્યા છે."

નીતિન સોનાવણે કાબુલસ્થિત ભારતીય દૂતાવાસમાં જઈને ભારતીય અધિકારીઓને પણ મળ્યા હતા.

નીતિન કહે છે, "હું હાલમાં જ ઇન્ડિયન એમ્બેસી ગયો હતો. તે બિલકુલ જેલ જેવી બની ગઈ છે. કોઈ અધિકારી બહાર નીકળતા નથી. અસુરક્ષાની લાગણી છે. મને પણ બજારમાં જવાની ના પાડવામાં આવી હતી."


ભારતીયોને ડર છે કે તેમને પાકિસ્તાની સમજી લેવાશે

https://twitter.com/IndianEmbKabul/status/1409858568384352258

સોનાવણેના જણાવ્યા અનુસાર થોડા દિવસો પહેલાં જ એક ભારતીય પ્રોફેસરનું અપહરણ થયું હતું.

અફઘાનિસ્તાનમાં રહેલા ભારતીયોને એક તરફ તાલિબાનનો ડર છે, બીજી બાજુ અફઘાન લોકો તેમને પાકિસ્તાની સમજી લેશે તેનો પણ ડર હોય છે.

નીતિન કહે છે, "અહીં અફઘાન લોકો ભારતીયો સાથે સારું વર્તન કરે છે, પરંતુ હું રસ્તા પર નીકળું અને કોઈને કહું કે ભારતીય છું તો ના પણ માને. તેમને લાગે કે આ માણસ પાકિસ્તાની હશે."

"હું હિન્દીમાં વાત કરું એટલે તેમને થાય કે આ કાંતો પાકિસ્તાની હશે અથવા ભારતનો હશે. મોટા ભાગે લોકો તમને પાકિસ્તાની માની લેશે, કેમ કે પાકિસ્તાની લોકો ઓળખ છુપાવવા માટે કોશિશ કરી છે. અહીં પાકિસ્તાનીઓ પ્રત્યે બહુ નફરત છે."

નીતિને જલાલાબાદથી મઝારેશરીફ સુધીના વિસ્તારોનો પ્રવાસ કર્યો છે, કે જ્યાં ઉદ્દામવાદીઓ સક્રિય હોય છે.

તેઓ કહે છે, "જલાલાબાદમાં ઘણા આતંકી જૂથો છે. અહીં એક 501 વર્ષ જૂનું ગુરુદ્વારા છે, જેની મુલાકાત ગુરુ નાનકે લીધી હતી. હું ત્યાં ગયો હતો, પરંતુ ત્યાંના લોકોએ મારી સાથે વાત પણ ના કરી. તેમને લાગ્યું કે હું પાકિસ્તાની છું."

અફઘાનિસ્તાનના અંતરિયાળ વિસ્તારોમાં કામ કરી ચૂકેલા સુમિત (નામ બદલ્યું છે) પણ માને છે કે ભારતીયોએ અજબ સ્થિતિનો સામનો કરવો પડે છે.

તેઓ કહે છે, "મેં અફઘાનિસ્તાનના દૂરના વિસ્તારોમાં કામ કર્યું છે. અફઘાનિસ્તાનના સરહદી ગામોમાં, તાલિબાનના કબજા નજીકના વિસ્તારમાં અને પહાડીઓમાં જઈને કામ કર્યું છે."

"મારો અનુભવ છે ભારતીયો અમુક વખતે પાકિસ્તાની ગણાય જાય તેનાથી ડરતા હોય છે, અમુક વખતે ભારતીય તરીકે ઓળખ થશે તેનાથી ડરતા હોય છે. એક વાર કેટલાક લોકોએ મારી પૂછપરછ કરી હતી."

"મેં કહ્યું કે ભારતીય છું અને વિકાસ યોજનાના કામે આવ્યો છું ત્યારે તેઓ ખુશ થયા હતા. તેઓએ ઉમળકાથી મારું સ્વાગત કર્યું હતું."

ભારતે અત્યાર સુધીમાં અફઘાનિસ્તાનમાં માળખાકીય સુવિધાના ઘણા કામો પાર પાડ્યા છે. આ યોજનાઓ માટે ઘણા ભારતીય એન્જિનિયરો, ટેક્નિશિયનો અને બીજા લોકો કામ કરી રહ્યા છે. કેટલીક યોજનાઓને પૂરા થતા હજી થોડા વર્ષો લાગે તેમ છે.

આ સાથે જ માનવાધિકારો સાથે કામ કરતી સંસ્થાઓ અફઘાનિસ્તાનના અંતરિયાળ વિસ્તારમાં કામકરે છે. તે સંસ્થાઓ સાથે અને સંયુક્ત રાષ્ટ્રસંઘ સહિતની ઘણી આંતરરાષ્ટ્રીય ચેરિટી સંસ્થાઓ સાથે પણ ભારતીયો કામ કરે છે.

આવી જ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે કામ કરતા એક ભારતીય નાગરિકે નામ ના આપવાની શરતે કહ્યું કે સ્થિતિ ઘણી કપરી બની છે.

રાહુલ (નામ બદલ્યું છે) કહે છે, "અફઘાનિસ્તાનમાં રહેતા ભારતીયો મુખ્યત્વે વિકાસ કાર્યોની સંસ્થાઓ, કંપનીઓ સાથે જોડાયેલા છે અને ટેક્નિકલ કામ કરે છે. ત્રણેય ક્ષેત્રમાં કામ કરનારા ભારતીયો માટે સુરક્ષા વ્યવસ્થા થઈ છે તે અલગ અલગ છે.

દાખલા તરીકે આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે કામ કરનારા લોકોની સુરક્ષા પ્રમાણમાં વધારે સારી રીતે થઈ છે અને તેમના આવાસો સુરક્ષિત હોય છે. સુરક્ષાના કડક નિયમો છે અને સલામતીની બાબતો પર નજર રાખવા એક વિશેષ ટીમ હોય છે, જે સમયાંતરે ચકાસણી કરતી રહે છે.

પરંતુ સર્વિસ સેક્ટરના લોકોની સ્થિતિ કફોડી છે, કેમ કે તેમણે રહેવાની વ્યવસ્થા જાતે કરવી પડે છે. તેથી કોના પર કેટલો વિશ્વાસ કરવો તેની ચિંતા હોય છે. એવી પણ ચિંતા હોય છે કે પોતાના વિશેની જાણકારી કોઈને ના થઈ જાય.

ત્રીજા વર્ગમાં એવા લોકો છે જે ભારત સરકારની હાઈવે તથા ડૅમ વગેરેના બાંધકામની યોજનાઓમાં કામ કરે છે. તે લોકોની સ્થિતિ પણ ખરાબ હોય છે. પણ મને લાગે છે કે છેલ્લા થોડા સમયમાં આ બધા માણસોને સ્થળ પરથી હટાવી લેવાયા છે.

કેટલીક યોજનાઓ દૂર દૂર હોય છે અને ત્યાં ખુલ્લા આકાશ નીચે ટૅન્ટમાં રહેવાનું હોય છે. એ વિસ્તારની જાણકારી પણ હોતી નથી અને પોતાના અફઘાન કૉન્ટ્રેક્ટરના ભરોસે રહેવાનું હોય છે.


ભવિષ્યમાં ભારતીયો અહીં રહી શકશે?

https://www.youtube.com/watch?v=LS81cmYJ8eI

સવાલ એ છે કે આગામી દિવસોમાં ભારતીયો અફઘાનિસ્તાનમાં રહીને કામ કરી શકશે ખરા.

સુમિત કહે છે, "અત્યારે તેનો જવાબ મળતો નથી. તાલિબાને નિવેદન જાહેર કર્યું છે કે વિદેશી નાગરિકોને કોઈ નુકસાન કરવામાં આવશે નહીં. પરંતુ વાસ્તવિકતા એ છે કે તાલીબાન એક કોઈ એક સેનાનું નામ નથી."

" જુદા-જુદા ઉદ્દામવાદી હથિયારધારી ટોળકીઓના જૂથનું નામ તાલિબાન છે. તે પોતાના હિતો, સંબંધોને આધારે કામ કરતા હોય છે."

જાણકારો માને છે કે ઘણા જૂથો પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈના ઇશારે કામ કરે છે. કેટલાક જૂથોને પાકિસ્તાન સાથે પોતાનું નામ જોડાય તેનો વાંધો હોય છે. આ જૂથો પોતપોતાની રીતે હિંસામાં ઉતરતા હોય છે.

સુમિત કહે છે, "આ સિવાય કેટલાક જૂથો એવા છે જે વિદેશી સત્તાઓના ઈશારે હિંસક ઘટનાઓ કરતા હોય છે. તેનું આળ તાલિબાન પર નાખી દેવાય છે."

" કેટલાક છૂટક જૂથો એવા છે જેમને તાલિબાન સાથે સંબંધ નથી. તે બીજાને ઇશારે હિંસાઓ કરતા હોય છે. ટૂંકમાં કહી શકાય કે અફઘાનિસ્તાનમાં તાલિબાન ફરી આવ્યા ચે તેના કારણે સ્થિતિ જટીલ બની છે."

શું ભારત સહિતની તમામ એજન્સીઓ અફઘાનિસ્તાનમાં ફરી જઈ શકે છે ખરી?

આ સવાલના જવાબમાં રાહુલ કહે છે, "એ વાત સાચી કે અહીં કામ કરવું પડકારરૂપ છે, પણ લોકો પાછા આવશે જ નહીં તેવું પણ નથી. આગળ શું થશે તે ઑગસ્ટ સુધીમાં સ્પષ્ટ થઈ જશે. કેમ કે 9/11ના પ્રતીકાત્મક દિવસે અમેરિકી સેના સંપૂર્ણ રીતે અહીંથી જતી રહી હશે. તે પછી આપણને ખબર પડશે અહીં શું થવાનું છે."


કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=R_UTkpkjHz8

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
1700 indian afraiding in afghanistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X