
અફઘાનિસ્તાનના કંધારમાં મસ્જિદમાં બ્લાસ્ટ, 32 ના મોત, 50 ઘાયલ!
કાબુલ : દક્ષિણ અફઘાનિસ્તાનના કંધારમાં શિયા મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટમાં 32 લોકો માર્યા ગયા છે. આ હુમલામાં 50 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ વિસ્ફોટ મસ્જિદમાં શુક્રવારની નમાઝ દરમિયાન થયો હતો. છેલ્લા એક સપ્તાહ દરમિયાન અફઘાનિસ્તાનમાં શિયા મસ્જિદ પર હુમલાની આ બીજી મોટી ઘટના છે.
તાલિબાનના પ્રવક્તા બિલાલ કરીમીએ કહ્યું કે, વિસ્ફોટ કંધારમાં એક મસ્જિદને નિશાન બનાવી છે. આ સપ્તાહની શરૂઆતમાં દેશના ઉત્તરીય ભાગમાં પણ આવો જ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. પ્રવક્તાએ આ મામલાની વધુ વિગતો આપી ન હતી અને કહ્યું હતું કે હાલમાં બ્લાસ્ટની તપાસ ચાલી રહી છે. વિસ્ફોટ પાછળ કોનો હાથ છે તે હજુ સ્પષ્ટ થયું નથી. શુક્રવારે બપોરે નમાઝમાં મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ભાગ લે છે.
મસ્જિદમાં શિયા સમુદાયના લોકો ભેગા થાય છે, જેને ઇસ્લામિક સ્ટેટ (IS) જૂથ નિશાન બનાવી રહ્યા છે. ગયા અઠવાડિયે IS એ ઉત્તરીય કુંદુઝ પ્રાંતમાં શિયા મસ્જિદમાં આત્મઘાતી બોમ્બ ધડાકાની જવાબદારી લીધી હતી, જેમાં 100 લોકો માર્યા ગયા હતા.
ગયા શુક્રવારે પણ કુંદુઝમાં એક મસ્જિદ પર થયેલા આતંકવાદી હુમલામાં 100 થી વધુ લોકો માર્યા ગયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. ભારતે મજબૂત વલણ દર્શાવતા આ આતંકવાદી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી હતી. પછી વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે ભારત આતંકવાદ સામેની લડાઈ માટે પ્રતિબદ્ધ છે.
આ પહેલા પણ 3 ઓક્ટોબરે કાબુલમાં એક મસ્જિદ બહાર વિસ્ફોટ થયો હતો, જેમાં 5 લોકો માર્યા ગયા હતા. તાલિબાન અધિકારીએ કહ્યું કે આ લોકો મસ્જિદમાં સંગઠનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદની માતાના નિધન પર શોક કરવા માટે ભેગા થયા હતા.