અફઘાનિસ્તાન: કાબુલમાં મિલિટ્રી એકેડમી પર હુમલો, 5 સૈનિકોનું મૃત્યુ
કાબુલ ફરી એકવાર આતંકી હુમલાથી હલી ગયું છે. ગત સપ્તાહે 27 જાન્યુઆરીના રોજ દુઃખદ આતંકી હુમલા બાદ કાબુલમાં સોમવારે સવારે માર્શલ ફહિમ નેશનલ ડિફેન્સ યૂનિવર્સિટી પર હુમલો થયો હતો. આ હુમલામાં અફઘાન સેનાના 5 જવાન શહીદ થયા છે અને અન્ય 10 ઘાયલ થયા છે. અફઘાન સરકાર અનુસાર, આ હુમલામાં ત્રણ હુમલાખોરો ઠાર મરાયા છે અને એકની ધરપકડ કરવામાં આવી છે. કાબુલમાં આ મિલિટ્રી યૂનિવર્સિટીમાં ઑસ્ટ્રેલિયન ટ્રૂપ્સ પણ છે, અફઘાન સૈનિકોને ટ્રેનિંગ આપી રહ્યા હતા. બીબીસી અનુસાર, ઇસ્લામિક સ્ટેટ(આઈએસ)એ આ હુમલાની જવાબદારી લીધી છે, જો કે અફઘાનિસ્તાન સરકાર તરફથી આવું કોઇ નિવેદન આપવામાં નથી આવ્યું.
આતંકીઓએ મિલિટ્રી એકેડમી પર સવારે 5 વાગે હુમલો કર્યો હતો. અફઘાન મીડિયા અનુસાર, કેટલાક બંદૂકધારી હુમલાખોરોએ એકેડમીની અંદર ઘુસવામાં સફળ ખયા અને તેમણે ગોળીબાર શરૂ કરી દીધો. લગભગ 7 કલાકની અથડામણ બાદ આખરે ત્રણ હુમલાખોરો ઠાર મરાયા અને એકની ધરપકડ કરવામાં આવી. જો કે, હજુ સુધી એ ખબર નથી પડી કે, જે સૈનિક શહીદ થયા એમાં કોઇ ઑસ્ટ્રેલિયન હતા કે નહીં. અફઘાનિસ્તાનમાં છેલ્લા બે અઠવાડિયામાં આ ત્રીજો મોટો આતંકી હુમલો છે. ગત અઠવાડિયે શનિવારે કાબુલમાં થયેસ આતંકી હુમલામાં 103 લોકોનું મૃત્યુ થયું હતું અને 155થી વધુ ઘાયલ થયા હતા. આની પાછળ હક્કાની નેટવર્કનો હાથ હોવાનું અફઘાનિસ્તાન સરકારે જણાવ્યું હતું, જો તાલિબાને આ હુમલાની જવાબદારી લીધી હતી.