
મોહમ્મદ સાહેબ પર વિવાદિત નિવેદનની હવે અમેરિકાએ પણ કરી નિંદા, આ કારણે કરી ભાજપની પ્રશંસા
વૉશિંગ્ટનઃ પૂર્વ ભાજપ પ્રવકતા નૂપુર શર્માએ જે રીતે મોહમ્મદ સાહેબને લઈને વિવાદિત નિવેદન આપ્યુ હતુ તેની હવે અમેરિકાએ નિંદા કરી છે. જો કે તેનો આનંદ પણ વ્યક્ત કર્યો છે કે શાસક પક્ષે પણ જાહેરમાં આ નિવેદનની ટીકા કરતુ નિવેદન જાહેર કર્યુ છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યુ, 'જ્યારે અમે ભાજપના પદાધિકારીની ભડકાઉ ટિપ્પણીની ટીકા કરીએ છીએ ત્યારે અમને ખુશી છે કે પાર્ટીએ જાહેરમાં નિવેદનની નિંદા કરી છે.' અમે સતત ભારત સરકાર સાથે વાતચીત કરીએ છીએ. અમે માનવ અધિકારો, ધર્મની સ્વતંત્રતા અંગે ટોચના સ્તરે ભારત સરકાર સાથે વાત કરતા રહીએ છીએ તેમજ અમે ભારતને માનવ અધિકારોને અનુસરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.
તમને જણાવી દઈએ કે આ સમગ્ર વિવાદ ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા અને નવીન કુમાર જિંદાલના નિવેદન બાદ શરૂ થયો હતો. જે બંનેએ ટીવી ડિબેટમાં મોહમ્મદ સાહેબ અને મુસ્લિમ ધર્મને લઈને વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. જો કે ભાજપે બંને નેતાઓને સસ્પેન્ડ કરી દીધા હતા. પાર્ટીના મહાસચિવ અરુણ સિંહે એક નિવેદન જાહેર કરીને કહ્યુ હતુ કે ભાજપ કોઈપણ ધર્મ કે ધર્મ સાથે જોડાયેલા વ્યક્તિ વિશે અપમાનજનક નિવેદનની નિંદા કરે છે. ભાજપ એવી વિચારધારાની વિરુદ્ધ છે જે કોઈપણ ધર્મ અથવા સમુદાયનુ અપમાન કરે છે. ભાજપ આ પ્રકારની વિચારસરણીનુ સમર્થન કરતુ નથી. ભારતના હજારો વર્ષના ઈતિહાસમાં દરેક ધર્મનો ખૂબ વિકાસ થયો છે. ભાજપ તમામ ધર્મોનુ સન્માન કરે છે.
તમને જણાવી દઈએ કે અમેરિકા પહેલા ઘણા દેશોએ ભાજપના પૂર્વ નેતાઓના નિવેદનની નિંદા કરી છે. તેમાં મુખ્યત્વે કુવૈત, કતાર, ઈન્ડોનેશિયા, સાઉદી અરેબિયા, માલદીવ, યુએઈ, જોર્ડન, બહરીન, ઓમાન, અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે. આરબ દેશોએ ભાજપના પૂર્વ નેતાઓના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી અને તેની નિંદા કરી. જો કે ભારત વતી એક નિવેદન જાહેર કરવામાં આવ્યુ હતુ જેમાં કહેવામાં આવ્યુ હતુ કે આ ભારત સરકારના કોઈ અધિકારી અથવા ભારત સરકાર સાથે સંબંધિત વ્યક્તિનુ નિવેદન નથી. તે એક ફ્રિન્જ એલિમેન્ટ છે.