અમેરિકાની દાદાગિરી, ભારતને ઈરાન પાસેથી તેલ નહિ ખરીદવા કહ્યુ
અમેરિકાએ ઈરાન પર આર્થિક પ્રતિબંધ લગાવવા સાથે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીનને પણ ઈરાન પાસેથી તેલ નહિ ખરીદવા માટે કહ્યુ છે. અમેરિકાએ આ નવેમ્બરમાં ભારત સરકાર અને ભારતીય તેલ કંપનીઓને કોઈ છૂટ ન આપીને ઈરાન પાસેથી તેલ આયાત ન કરવા માટે કહ્યુ છે. ટ્રમ્પ પ્રશાસને કહ્યુ કે ભારત અને ચીન બંને મોટી માત્રામાં ઈરાન પાસેથી તેલ આયાત કરે છે પરંતુ આ દેશો પર પણ એ જ નિયમો લાગુ થશે જે બીજા દેશો પર થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને ટ્રમ્પે ઈરાન ન્યૂક્લિયર ડીલને કેન્સલ કરીને રુહાની સરકાર પર આર્થિક પ્રતિબંધ લગાવવાના આદેશ આપ્યા હતા.

ઈરાનથી તેલ આયાત શૂન્ય કરો....
ટ્રમ્પ પ્રશાસને મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે ભારત અને ચીન પણ તે જ દેશોમાં શામેલ છે જેમને ઈરાન પાસેથી તેલ ન ખરીદવા માટે કહેવામાં આવ્યુ છે. ભારત અને ચીનને મોટી માત્રામાં તેલની જરૂરિયાત હોય છે અને બંને દેશો ઈરાન માટે સારા વ્યાપારિક ભાગીદાર છે. ટ્રમ્પ પ્રશાસને પોતાના નિવેદનમાં કહ્યુ કે, "તેમની (ભારત-ચીન) કંપનીઓએ પણ દરેક પ્રકારના નિયમોનું પાલન કરવાનું રહેશે અને અમે નિશ્ચિત રૂપે અનુરોધ કરીશુ કે તેમની તેલ આયાત શૂન્ય થઈ જાય." અધિકારીએ કહ્યુ કે આ ઈરાનને અલગ પાડી દેવા માટેના ટ્રમ્પ પ્રશાસનના પ્રયાસોના ભાગ રૂપે છે અને આખા ક્ષેત્રમાં ઈરાનના ઘાતક વ્યવહારને બહાર પાડવા માટેની કોશિશ કરવામાં આવી રહી છે.

આવતા મહિને ભારત-અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વાતચીત
તમને જણાવી દઈએ કે આગલા મહિને જુલાઈના પહેલા સપ્તાહમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ અમેરિકી વિદેશ મંત્રી મીક પોપેયો અને સંરક્ષણ સચિવ જેમ્સ મેટિસ સાથે દ્વિપક્ષીય વાતચીતમાં ભાગ લેશે જ્યાં આ મુદ્દા પર ચર્ચા થવાની પૂરી સંભાવના છે. જો કે, રાજ્ય વિભાગે ભારપૂર્વક કહ્યુ છે કે નવી પ્રતિબંધ વ્યવસ્થા હેઠળ કોઈ છૂટ નહિ મળે.

ભારત માટે ઈરાન ત્રીજા સૌથી મોટા ઓઈલ સપ્લાયર
અમેરિકી અધિકારીઓએ કહ્યુ કે તેમના સહયોગી પણ ઈરાનની ચિંતા પર સંમત છે અને તે પણ અમેરિકા સાથે કામ કરવા ઈચ્છે છે. અધિકારીઓના જણાવ્યા મુજબ મોટાભાગના દેશો પણ અમેરિકાની કોશિશ સાથે ઉભા છે કારણકે તેમણે પણ 2015 થી ઈરાનના વધતા ખતરાને અનુભવ્યો છે. ઓઈલ આયાત મામલે સાઉદી અને ઈરાક બાદ ભારત માટે ઈરાન ત્રીજો સૌથી મોટો દેશ છે. ઓક્ટોબરમાં ઈરાન ભારત માટે સૌથી મોટો ઓઈલ સપ્લાયર હતો.