બીજા 'ગાંધી'એ પણ કહ્યું અલવિદા, નેલ્સન મંડેલાનું નિધન
દક્ષિણ આફ્રીકાના રાષ્ટ્રપતિ જૈકબ જુમાએ મંડેલાના નિધનની જાણકારી આપી. દક્ષિણ આફ્રીકામાં રંગભેદ વિરોધી આંદોલન દરમિયાન તેઓ લગભગ ત્રણ દાયકા સુધી જેલમાં બંધ રહ્યા હતા. તેઓ આફ્રીકન નેશનલ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા હતા. રાષ્ટ્રના નામે પોતાના શોક સંદેશમાં રાષ્ટ્રપતિ જૈકબ જુમાએ દેશવાસીઓને જણાવ્યું કે દક્ષિણ આફ્રીકાના લોકતંત્રના સંરક્ષક અને આપણા સૌના પ્યારા નેલ્સન મંડેલા હવે આપણી વચ્ચે નથી રહ્યા.
આફ્રીકન ગાંધી કહેવાતા હતા
મંડેલાના અહિંસાવાદી વલણ અને ગાંધીવાદી રીતિરીવાજોના કારણે તેમને આફ્રીકન ગાંધી તરીકે ઓળખવામાં આવતા હતા. વર્ષ 1993માં તેમના આ નીતિઓને સન્માન આપતા તેમને નોબેલના શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. દક્ષિણ આફ્રીકાની રાજનીતિમાં મહત્વની ભૂમિકા ભજવનાર પાર્ટી આફ્રિકન નેશનલ કોંગ્રેસના તેઓ અધ્યક્ષ પણ રહી ચૂકેલા છે અને 1994થી 1999 દરમિયાન તેમણે દક્ષિણ આફ્રીકાની કમાન પણ સંભાળી હતી.
ભારતની સાથેનો અતૂટ સંબંધ
ભારતની સાથે મંડેલાના સંબંધો ખૂબ જ મધુર હતા. તેઓ મહાત્મા ગાંધીના સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલવામાં વિશ્વાસ રાખતા હતા. ભારત સરકારે તેમના ગાંધીવાદી વિચારધારાને વધુ અલંકૃત કરીને તેમને 1990માં ભારત રત્નથી વિભૂષિત કર્યા હતા.
દક્ષિણ આફ્રીકાના પૂર્વ રાષ્ટ્રપતિના નિધન બાદ દેશમાં રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી અને રાષ્ટ્રધ્વજને અડધો નમાવી દેવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ જૈકબ જુમાએ પોતાના શોક સંદેશમાં જણાવ્યું કે મંડેલાનું અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. મંડેલાનો જન્મ 18 જુલાઇ 1918માં દક્ષિણ આફ્રિકાના કેપ પ્રાંતમાં થયો હતો. 1999માં સક્રિય રાજનીતિથી લગભગ દૂર રહ્યા બાદ તેઓ પોતાનો મોટાભાગનો સમય સામાજિક કાર્યોમાં વિતાવતા હતા.