ભારત સરકારની ક્લીન ચીટ બાદ મેહુલ ચોક્સીને અપાઈ એન્ટીગુઆની નાગરિકતા
એન્ટીગુઆની સરકારે જણાવ્યુ કે બેંક ગોટાળાના આરોપી મેહુલ ચોક્સીને ભારત સરકાર તરફથી બધા કેસમાં ક્લીન ચીટ અપાયા બાદ જ નાગરિકતા આપવામાં આવી છે. પંજાબ નેશનલ બેંકમાંથી 13 હજાર કરોડથી વધુ રૂપિયાથી ગોટાળો કરનાર ભાગેડુ વેપારી મેહુલ ચોક્સી હાલમાં એન્ટીગુઆમાં છે અને તેને ત્યાંની નાગરિકતા મળી ગઈ છે. મેહુલ ચોક્સીને નાગરિકતા આપવા પર એન્ટીગુઆ સરકારે પોતાની સ્પષ્ટતામાં કહ્યુ છે કે ભારત સરકાર તરફથી જણાવવામાં આવ્યુ કે મેહુલ સામે કોઈ કેસ નથી ત્યારબાદ જ તેમને નાગરિકતા આપવામાં આવી છે.
એન્ટીગુઆએ થોડા સમય પહેલા જણાવ્યુ હતુ કે મેહુલ ચોક્સી તેમના દેશમાં છે અને તેને નાગરિકતા આપી દેવામાં આવી છે. મેહુલ ચોક્સી સામે ભારતમાં ઘણા કેસ હોવા અને હજારો કરોડના ગોટાળામાં તેના કથિત રીતે શામેલ હોવાની વાત પર હવે એન્ટીગુઆ તરફથી સ્પષ્ટતા આપવામાં આવી છે. એન્ટીગુઆ તરફથી જણાવવામાં આવ્યુ છે કે તેમણે ચોક્સીને નાગરિકતા આપતા પહેલા બધી તપાસ કરી, ચોક્સી સામે કોઈ કેસ હતો નહિ. સેબીએ પણ ચોક્સીના નામ પર પોતાની મંજૂરી આપી હતી.
સીબીઆઈએ નેશનલ ક્રાઈમ બ્યૂરો દ્વારા એન્ટીગુઆ સરકારને પત્ર લખ્યો હતો અને મેહુલ ચોક્સીની હાજરી અંગે જાણકારી માંગી હતી ત્યારબાદ એન્ટીગુઆ પ્રશાસને ઈન્ટરપોલ દ્વારા ભારતને જણાવ્યુ હતુ કે મેહુલ ચોક્સી તેમના દેશમાં જ છે અને હવે નાગરિક પણ બની ગયા છે. મેહુલને ગયા વર્ષે નવેમ્બરમાં એન્ટીગુઆની નાગરિકતા મળી છે.