
બલુચિસ્તાનમાં ગાયબ થઇ રહ્યાં છે લોકો? પાકિસ્તાની કોર્ટે કહ્યું- બધાને શોધીને લાવો
પાકિસ્તાનની ઈસ્લામાબાદ કોર્ટે ગુમ થયેલા લોકોને શક્ય તેટલી વહેલી તકે શોધી કાઢવા માટે નિર્દેશ જારી કર્યો છે. કોર્ટે માત્ર વર્તમાન સરકારને જ નહીં પરંતુ અગાઉની સરકારને પણ આ કામમાં સામેલ કરવા કહ્યું છે. ઈસ્લામાબાદની કોર્ટે આ તમામ ગુમ થયેલા લોકો માટે પાકિસ્તાનની સરકારોને જવાબદાર ઠેરવી છે.

બે દાયકાથી ગુમ થવાનો સિલસિલો ચાલુ છે
પાકિસ્તાનમાં પરવેઝ મુશર્રફના શાસનમાં લોકોને ગાયબ કરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી, જે અત્યાર સુધી ચાલી રહી છે. લગભગ બે દાયકામાં 8,000 થી વધુ લોકો ગુમ થયા છે. કોર્ટના મતે આ તમામ લોકો કોઈક રાજકીય કારણોસર ગાયબ થઈ ગયા છે. આવી સ્થિતિમાં કોર્ટે વર્તમાન શાહબાઝ સરકારની સાથે સાથે પરવેઝ મુશર્રફ સુધીની અગાઉની તમામ સરકારોને એકસાથે કઠગરામાં ઉભી કરી દીધી છે.

માનવાધિકાર કાર્યકર્તાએ અરજી દાખલ કરી હતી
માનવાધિકાર કાર્યકર્તા શરીન મજારી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે આ નિર્દેશ આપ્યો છે. કોર્ટના નિર્ણયમાં આ દિશામાં માત્ર સરકારોને સામેલ કરવામાં આવી છે, જ્યારે મજારીએ સરકાર, સેના અને આઈએસઆઈ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. એવું પણ માનવામાં આવે છે કે આમાંથી ઘણા લોકો ક્યુબાના ગુઆન્ટાનામો-બેની જેલમાં છે. આ કેસની અધ્યક્ષતા કરી રહેલા જસ્ટિસ અહતર મિનાલ્લાહે કહ્યું કે જો સરકાર ગુમ થયેલા લોકોને શોધી કાઢવામાં નિષ્ફળ જશે તો વડાપ્રધાન સહિત ભૂતપૂર્વ વડાપ્રધાન અને વચગાળાના મંત્રીઓએ કોર્ટમાં હાજર થવું પડશે.

સૌથી વધુ લોકો બલૂચિસ્તાનમાંથી ગાયબ થયા
એક રિપોર્ટ અનુસાર જે લોકો ગાયબ થયા છે તેમાંથી મોટાભાગના બલૂચિસ્તાનના અલગાવવાદી કાર્યકર્તા છે. આ લોકો તેમના ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરના વિરોધમાં સામેલ હતા. આ લોકોનું માનવું છે કે ચીનના લોકો બલૂચિસ્તાનના સંસાધનોનો દુરુપયોગ કરી રહ્યા છે. સંસાધનોના ઉપયોગના બદલામાં પસંદ કરેલા લોકોને નોકરી આપવામાં આવે છે. જોકે, એમ્નેસ્ટી ઈન્ટરનેશનલના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ગુમ થયેલા લોકોમાંથી 5000 લોકોને શોધી કાઢવામાં આવ્યા છે.

વિશ્વભરમાં વિરોધ
પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓ ખાસ કરીને જાસૂસી સંસ્થા ઈન્ટર-સર્વિસીસ ઈન્ટેલિજન્સ દ્વારા બલૂચિસ્તાનમાં એક્સ્ટ્રા-જ્યુડિશિયલ અપહરણના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. બલુચિત્સાનમાં સતત અપહરણ અને બળજબરીથી ગુમ થવાને લઈને વિશ્વભરમાં ઘણા વિરોધ થયા છે. જોકે ગુમ થવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી.

વિદ્યાર્થીઓ લાંબા સમયથી પ્રદર્શન કરી રહ્યા છે
બલૂચ છાત્ર પરિષદે મંગળવારે ફિરોઝ બલોચની સુરક્ષિત વાપસી માટે વિરોધ પ્રદર્શનનું પણ આયોજન કર્યું છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે હાફિઝને ખોટા આરોપમાં કેદ કરવામાં આવ્યો હતો. બલૂચ છાત્ર પરિષદે બેનરો લગાવ્યા હતા અને બલૂચ વિદ્યાર્થીઓના ગુમ થવાના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે વંશીય પ્રોફાઇલિંગ પર મૌન રહેવા માટે માનવાધિકાર સંસ્થાઓની પણ ટીકા કરી હતી. તમને જણાવી દઈએ કે હાફીઝ બલોચ પર પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ દ્વારા બળજબરીથી ગાયબ કરવાનો આરોપ છે. વિદ્યાર્થીઓ લાંબા સમયથી હાફિઝ બલોચની મુક્તિ માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.