યુકેમાં સામે આવ્યો કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ ડેલ્ટાક્રોન
લંડન, 14 ફેબ્રુઆરી : કોરોના વાયરસનો ખતરો હજૂ સંપૂર્ણ રીતે ટળ્યો નથી. કોરોના વાયરસના એક પછી એક અલગ-અલગ પ્રકાર (વેરિઅન્ટ) બહાર આવી રહ્યા છે, જે એક મોટી સમસ્યા બની રહી છે. વર્તમાન સમયમાં કોરોનાનું નવું વેરિઅન્ટ ડેલ્ટાક્રોન યુનાઇટેડ કિંગડમમાં પણ દેખાયું છે.
દેશની હેલ્થ સિક્યુરિટી એજન્સીને ગયા અઠવાડિયે એક વ્યક્તિમાં કોરોનાનું આ નવું સ્વરૂપ મળ્યું હતું, ત્યારબાદ ડેલ્ટા અને ઓમિક્રોનના આ હાઇબ્રિડ સ્ટ્રેનનું મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર દર્દીમાં ડેલ્ટા અને ઓમિક્રોન બંને વેરિઅન્ટ જોવા મળ્યા છે, તેથી યુકેમાં આરોગ્ય એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું આ પ્રકારનો આ પહેલો કેસ છે.
એક મહિના પહેલા, સાયપ્રસના ચેપી રોગના નિષ્ણાત, લિયોન્ડિઓસ કોસ્ટ્રિકિસે જણાવ્યું હતું કે, તેમણે ડેલ્ટાક્રોનને ઓળખી કાઢ્યું હતું, પરંતુ નિષ્ણાતો દ્વારા તેમના દાવાને નકારી કાઢવામાં આવ્યો હતો, જેમણે કહ્યું હતું કે, તે પ્રયોગશાળાની ભૂલ પણ હોય શકે છે.
યુકેની હેલ્થ સિક્યોરિટી એજન્સી દ્વારા શુક્રવારના રોજ આપવામાં આવેલી માહિતી અનુસાર, અમે હાલમાં ડેલ્ટા એક્સ ઓમિક્રોન પર નજર રાખી રહ્યા છીએ અને તેની તપાસ કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે, ડેલ્ટા અને ઓમિક્રોન બંને વેરિઅન્ટ તદ્દન સંક્રમક છે, પરંતુ હજૂ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, બંને વેરિઅન્ટ મળીને નવા વેરિઅન્ટ દ્વારા કેટલી ઝડપથી સંક્રમણ ફેલાવી શકે છે. સ્વાસ્થ્ય એજન્સી દ્વારા તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે, દેશમાં આ નવા પ્રકારનો માત્ર એક કે વધુ કેસ છે.
યુકેના આરોગ્ય અધિકારીઓ હાલમાં આ પ્રકાર વિશે ખાસ ચિંતિત નથી. કારણ કે, તેના કેસ અત્યંત ઓછા છે. યુનિવર્સિટી ઓફ ઈસ્ટ એન્જેલાના નિષ્ણાત પોલ હન્ટરએ જણાવે છે કે, ડેલ્ટાક્રોન બહુ ખતરનાક ન હોવું જોઈએ. કારણ કે, મોટાભાગની વસ્તીને કોરોના સામે રસી આપવામાં આવી છે, આ સંક્રમણ સામે લડવા માટે તેમની અંદર રોગપ્રતિકારક શક્તિનું સ્તર પણ વિકસિત થયું છે.
પોલ હન્ટર જણાવે છે કે, આ ક્ષણે હું આ પ્રકાર વિશે ખૂબ ચિંતિત નથી. જો ડેલ્ટા અને ઓમિક્રોન બંને માટેના કેસ ઘટી રહ્યા છે, તો આ પ્રકાર માટે લોકોમાં ફેલાવવું મુશ્કેલ બનશે. નોંધનીય છે કે, યુએસ અને યુકે બંનેમાં ગયા મહિને રજાઓ બાદ સંક્રમણના કેસમાં ઘટાડો થયો છે.