• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અમેરિકાની ચૂંટણી 2020 : ડોનાલ્ડ ટ્રમ્પ કે જો બાઇડન, અમેરિકનો કોને બનાવશે રાષ્ટ્રપતિ?

By BBC News ગુજરાતી
|

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે અને નાગરિકો ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડનના ભાવી ફેંસલો કરી રહ્યા છે.

મોટા ભાગના સર્વે જણાવે છે કે ડૅમોક્રેટિક ઉમેદવાર જો બાઇડન આગળ ચાલી રહ્યા છે, જોકે એક સર્વે એ પણ જણાવે છે કે સ્વિંગ સ્ટેટમાં બંને ઉમેદવારો વચ્ચે ટક્કર છે.

અમેરિકામાં સત્તાનું સર્વોચ્ચ કેન્દ્ર વ્હાઇટ હાઉસ ગણાય છે. વ્હાઇટ હાઉસ અમેરિકાના રાષ્ટ્રપતિનું માત્ર કાર્યાલય નથી પરંતુ નિવાસસ્થાન પણ છે.

અમેરિકા જ નહીં પરંતુ દુનિયાને પ્રભાવિત કરનારા કેટલાય નિર્ણયો અહીંથી જ લેવાય છે.

ત્રીજી નવેમ્બરનો દિવસ વ્હાઇટ હાઉસ અને અમેરિકાના લોકો માટે મહત્ત્વનો છે, કારણ કે એ દિવસે નક્કી થશે કે ટ્રમ્પની વ્હાઇટ હાઉસથી વિદાય થશે કે પછી તેમને હજી ચાર વર્ષ અહીં રહેવાની તક મળશે.

અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પહેલાં જ 10 કરોડ જેટલા લોકો મતદાન કરી ચૂક્યા છે.


અમેરિકામાં ચૂંટણીને લઈને સંશયનો માહોલ

અમેરિકામાં ચૂંટણીપરિણામને લઈને શંકાનો માહોલ જોવા મળી રહ્યો છે.

બીબીસી નૉર્થ અમેરિકાના સંપાદક જૉન સોપેલે એક તસવીર રિટ્વીટ કરી છે, જેમાં ચૂંટણીના દિવસે બૅવરલી હિલ્સની રોડિયો ડ્રાઇવ નામની જગ્યા ખાલી દેખાય છે.

તેમણે લખ્યું છે કે 'રાષ્ટ્ર જે પોતાના પર શંકા અનુભવે છે.'

તેમનું કહેવું છે કે 'આજે જાણવા મળશે કે ડોનાલ્ડ ટ્રમ્પ હારી ગયા છે કે નહીં પરંતુ કેટલાક દિવસો સુધી એ નહીં જાણી શકીએ કે તેમનો વિજય થયો છે. ઑહાયો, ટૅક્સાસ અને ફ્લૉરિડાનાં પરિણામ આવવાં જોઈએ. જો આ રાજ્યોમાંથી એકમાં અથવા બધાં રાજ્યોમાં ટ્રમ્પ હારી જશે તો તેમના માટે જીતવું મુશ્કેલ હશે.'

ચૂંટણીપરિણામને લઈને અસંતોષ વ્યાપ્તા હિંસા થવાની આશંકાને જોતાં વૉશિંગટન સહિત અન્ય શહેરોમાં લોકો પોતાની દુકાનોને સુરક્ષિત કરતા જોવા મળ્યા હતા.

એક કાળા અમેરિકન નાગરિક જ્યૉર્જ ફ્લૉઇડની પોલીસના હાથે મૃત્યુ પછી ફાટી નીકળેલી હિંસા અને લૂંટથી અનેક વેપારીઓને નુકસાન વેઠવું પડ્યું હતું.

ચૂંટણીપરિણામને લઈને અસંતોષની લાગણીને જોતા નાણાબજારમાં પણ આશંકાનો માહોલ છે.


'હિંસાને પ્રોત્સાહન ન આપવા ચેતવણી'

અમેરિકામાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, 35 સેનેટર, 435 હાઉસ ઑફ રિપ્રેસન્ટેટિવ્ઝ, 13 રાજ્યોના ગવર્નર તથા સરકારી પદોના અધિકારીઓની ચૂંટણી થઈ રહી છે.

અમેરિકામાં ચૂંટણીપરિણામ વિવાદિત રહેવા ઉપરાંત હિંસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ડોનાલ્ડ ટ્રમ્પ તો એમ પણ કહી ચૂક્યા છે કે ચૂંટણીપરિણામ સુપ્રીમ કોર્ટમાં આવે એવું પણ બની શકે છે.

ત્યારે અમેરિકાના બે પૂર્વ ઍટર્ની જનરલોએ 'ચૂંટણીપરિણામને સ્વીકારવાનો ઇન્કાર કરવા' સામે ચેતવણી આપી છે.

ઍરિક હૉલ્ડર ડેમૉક્રેટિક બરાક ઓબામાના કાર્યકાળમાં ઍટર્ની જનરલ હતા અને માઇકલ મુકેસી રિપલ્બિકન જ્યૉર્જ ડબલ્યૂ બુશના કાર્યકાળમાં ઍટર્ની જનરલ હતા.

'વૉશિંગટન પોસ્ટ' અખબારમાં પોતાનો મત વ્યક્ત કરતાં તેમણે લખ્યું છે કે કાયદા અને નીતીઓની બાબતમાં તેઓ અસહમતી વ્યક્ત કરતા આવ્યા છે અને આવનારા સમયમાં પણ કરશે.

તેમણે લખ્યું, "અમે સંયુક્ત રૂપથી કહીએ છીએ કે જેમ અમેરિકામાં થતું આવ્યું છે એવી જ રીતે આપણે આવનારા સમયમાં પણ અસહમતી માટે જગ્યા રાખવા માગીએ છીએ."

તો ડેમૉક્રેટિક ઉમેદવાર જો બાઇડન ડેલાવેરના એક ચર્ચમાં પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા.

આ ચર્ચ તેમના માટે ખાસ છે, કારણ કે તેમનાં પ્રથમ પત્ની અને નવજાત પુત્રીને અહીં દફનાવવામાં આવ્યાં છે.

1972માં જો બાઇડન સૅનેટરની ચૂંટણી જીત્યા હતા તે સમયે તેમનાં પત્ની અને પુત્રીનું એક માર્ગદુર્ઘટનામાં મૃત્યુ થયું હતું.

બાઇડનના પુત્ર બિયૂ આ દુર્ધટનામાં બચી ગયા હતા, પરંતુ 2015માં એક દુર્લભ પ્રકારના કૅન્સરથી તેમનું મૃત્યુ થયું હતું. તેઓ 46 વર્ષના હતા.


કોરોના વાઇરસ અને ચૂંટણી વચ્ચે 'ચિંતા' દૂર કરવાનો પ્રયાસ

ચિંતા, દબાણ, નર્વસનેસ, ગુસ્સો, ડર. અમેરિકામાં ચૂંટણી અંગેની હૅડલાઇન્સમાં આ શબ્દો જોવા મળી રહ્યા છે.

અમેરિકામાં લોકો ગૂગલ પર 'ઍન્ગઝાઇટી એટલે ચિંતા સાથે કેવી રીતે નિભાવવું?' સર્ચ કરી રહ્યા છે.

કોરોના વાઇરસ અને એક કડવાશ ભરેલા ચૂંટણીપ્રચાર વચ્ચે ચિંતાનો માહોલ હોય એવું લાગી રહ્યું છે.

જોકે અમેરિકાની ચૂંટણીમાં કેટલીક પળો એવી પણ જોવા મળી જે લોકોને હળવાશ અનુભવવામાં મદદ કરી શકે છે.

ક્યાંક મતદારોની ચિંતા દૂર કરવા માટે સંગીત અને નૃત્યનો કાર્યક્રમ થયો તો ક્યાંક લોકો મતદારોને મફત કુકીઝ વહેંચતા દેખાયા.


સૅનિટાઇઝરની સમસ્યા

અમેરિકામાં કોરોના વાઇરસની મહામારીએ પહેલાંથી જ ચૂંટણીમાં મુશ્કેલીઓ સર્જેલી છે પણ હવે તેમાં બૅલેટનો સમાવેશ થઈ ગયો છે.

યુએસ સેન્ટર્સ ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન (સીડીસી)એ ચેતવણી આપી છે કે આલ્કોહોલ ધરાવતાં સૅનિટાઇઝરોથી બૅલેટ પેપરને નુકસાન પહોંચી શકે છે.

સીડીસીના જણાવ્યા અનુસાર સૅનિટાઇઝરથી ભીનાં થયેલા બૅલેટ વોટિંગ મશીનમાં ખરાબી સર્જી શકે છે.

અમેરિકાનાં મતદાનમથકો પર મતદારોની સુરક્ષા માટે સૅનિટાઇઝર રાખવામાં આવ્યાં છે. જોકે, સીડીસીએ મતદારો અને ચૂંટણીઅધિકારીઓને બૅલેટને સૂકા હાથે જ અડવાની ભલામણ કરી છે.


લેડી ગાગાએ બાઇડનના સમર્થનમાં વોટ માગ્યા

જાણીતાં પૉપ સ્ટાર લેડી ગાગાએ ડેમૉક્રેટિક ઉમેદવાર જો બાઇડનના પક્ષમાં વોટ માગ્યા હતા.

લેડી ગાગા અમેરિકાના જાણીતાં સિંગર અને અભિનેત્રી છે. તેમણે બીજી નવેમ્બરે જો બાઇડનના ચૂંટણીલક્ષી કાર્યક્રમમાં ભાગ લીધો અને તેમના માટે મત માગ્યા.

તેમણે ડોનાલ્ડ ટ્ર્મ્પ પર મહિલાઓની જાતીય સતામણીનો આરોપ લગાવ્યો અને કહ્યું કે જો લોકો પોતાના પરિવારની મહિલાઓને સુરક્ષિત જોવા માગતા હોય તો જો ટ્રમ્પને વોટ ન આપે.

34 વર્ષનાં લેડી ગાગા સંગીતજગતમાં પ્રતિષ્ઠિત ગ્રૅમી ઍવૉર્ડ્સ મેળવી ચૂક્યાં છે.

આની પહેલાં ટ્રમ્પના કમ્યુનિકેશન ડાયરેક્ટરે લેડી ગાગા પર નિશાન સાધ્યું હતું. તેમણે લેડી ગાગાને 'ફ્રૅકિંગ'નો વિરોધ કરનાર કાર્યકર કહ્યાં હતાં.

પ્રાકૃતિક ગૅસ અને ઑઇલ માટે ડ્રિલિંગની પ્રક્રિયાના 'ફ્રૅકિંગ' કહેવાય છે.

ટ્રમ્પના ચૂંટણી પ્રચારમાં પેન્સિલવેનિયામાં 'ફ્રૅકિંગ' એક મહત્ત્વપૂર્ણ મુદ્દો બન્યો હતો.


એશિયન અમેરિકન રિપબ્લિકન ગ્રૂપ બાઇડનનાં સમર્થનમાં

એશિયન અમેરિકન રિપબ્લિકન ગ્રૂપે જો બાઇડનનું સમર્થન કર્યું છે અને પોતાના હજારો સભ્યોને ડેમૉક્રેટ ઉમેદવારને મત આપવા માટે પ્રોત્સાહિત કર્યા છે.

2016માં નેશનલ કમિટી ઑફ એશિયન અમેરિકન રિપબ્લિકન્સે રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ટ્રમ્પનું સમર્થન કર્યું હતું. પરંતુ આ વર્ષે તેઓ ટ્રમ્પને ટેકો નથી આપી રહ્યા.

સમૂહના નિવેદનમાં કહેવાયું છે, "2016માં તમે ટ્રમ્પને મત આપ્યા, મોટા ભાગના કન્ઝર્વેટિવ લોકોએ ટ્રમ્પને જ મત આપ્યા હતા, અમે ઇચ્છતા હતા કે કોઈ બહારની વ્યક્તિ આવીને સિસ્ટમમાં ફેરફાર કરે. પરંતુ તેઓ બધું નષ્ટ કરી રહ્યા છે."

"બાઇડનની નીતિઓ સાથે અસહમત થવું યોગ્ય છે. પરંતુ પ્રશ્ન એ છે કે અમેરિકા 'હવે ખરેખર અમેરિકા રહ્યું છે ખરું?'.અમેરિકાના પરિવારો, સમુદાયો, આ મહાન દેશ અને દુનિયાના ભવિષ્યનો પ્રશ્ન છે."


કમલા હૅરિસ માટે તમિલનાડુમાં પ્રાર્થના

જો બાઇડનનાં રનિંગ મેટ અને ઉપરાષ્ટ્રપતિ પદનાં ડેમૉક્રેટિક ઉમેદવાર કમલા હૅરિસ ભારતીય મૂળનાં છે.

તેમનાં માતા શ્યામલા ગોપાલન ભારતીય હતાં જે અભ્યાસ માટે અમેરિકા ગયાં હતાં અને આફ્રિકન મૂળના ડોનાલ્ડ જે હૅરિસ સાથે લગ્ન કર્યાં હતાં. તેમને બે પુત્રી થયાં જેમાંથી કમલા હૅરિસ મોટાં છે.

કમલા હેરિસ પ્રથમ આફ્રિકન-ભારતીય મૂળનાં મહિલા છે જેઓ ઉપરાષ્ટ્રપિ પદના ઉમેદવાર બન્યા છે.

ચેન્નાઈથી 350 કિલોમિટર દૂર આવેલા તેમના ગામ તુલાસેન્દ્રપુરમમાં કમલા હેરિસની જીત માટે ખાસ પૂજાનું આયોજન ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું.

ગામમાં કમલા હેરિસ માટે બૅનર્સ પણ મૂકવામાં આવ્યા છે.


https://www.youtube.com/watch?v=b2FyDc0e-RY&t=2s

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
donald trump or joe biden, who will be next president of america
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X