• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મેડિસન સ્ક્વેર ખાતે PM નરેન્દ્ર મોદીની પ્રભાવશાળી સ્પીચની ફુલ ટેક્સ્ટ

|

ન્યુ યોર્ક, 28 સપ્ટેમ્બર : અમેરિકાની ચાર દિવસની મુલાકાતમાં 28 સપ્ટેમ્બર, રવિવારે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યુ યોર્ક શહેરના વિખ્યાત મેડિસન સ્ક્વેર ગાર્ડન ઇન્ડોર સ્ટેડિયમમાં ભારતીય મૂળના લોકોને સંબોધન કર્યું હતું. આ સંબોધન અત્યંત પ્રભાવશાળી હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવા કલાક સુધી હિન્દીમાં આપેલા પ્રભાવશાળી ભાષણની ફુલ ટેક્સ્ટ આ મુજબ છે.

ભારત માતા કી જય

અમેરિકામાં વસતા મારા વ્હાલા ભાઇઓ અને બહેનો. આજે આ સમારોહમાં ઉપસ્થિત અમેરિકાના રાજકારણના શ્રેષ્ઠ મહાનુભાવો, ભારતમાં ટીવી અને ઇન્ટરનેટના માધ્યમથી કાર્યક્રમ નીહાળી રહેલા ભાઇઓ અને બહેનો તથા આ સભાગૃહમાં પહોંચી નહીં શકેલા અને બહાર રાહ જોતા ભાઇઓ બહેનોને હું સ્મરણ કરું છું.

આપ સૌને નવરાત્રિની શુભેચ્છાઓ. નવરાત્રિનું પર્વ શક્તિની ઉપાસનાનું પર્વ છે. નવરાત્રિનું પર્વ શુદ્ધિકરણનું પર્વ છે. તે દેશભાવનાને વધારે તીવ્ર બનાવવાનું પર્વ છે. મને આનંદ છે કે મારા દેશવાસીઓએ અહીં હજારો કિલોમીટર દૂર રહીને ભારતની આન બાન શાન વધારી છે. એક સમય હતો જ્યારે અમારા દેશને સાંપ અને મદારીઓનો દેશ કહેવામાં આવતો હતો. જો આપ ના હોત, યુવા પેઢી અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીને કારણે આ સ્તરે આવીને પહોંચ્યા છે.

narendra-modi-speech-madison-square-sept-28-3

અમારા પૂર્વજો સાપ સાથે રમતા હતા, અમે માઉસની સાથે રમીએ છીએ. અમારા યુવાનો માઉસ ફેરવીને સમગ્ર દુનિયાને ફેરવે છે. આપ સૌએ આપના સંસ્કારો, મહેનત અને કુશળતા દ્વારા અમેરિકામાં ઇજ્જત બનાવી છે. આપના કારણે માત્ર અમેરિકા જ નહીં, પરંતુ અમેરિકામાં રહેનારા અન્ય દેશોના લોકોમાં પણ ભારતની એક આગવી ઓળખ બનાવવામાં મહત્વની ભૂમિકા છે.

ભારતમાં તાજેતરમાં ચૂંટણીઓ યોજાઇ. આપમાંથી ઘણાને ચૂંટણીમાં મતદાન કરવાની તક નહીં મળી હોય. પણ જે દિવસે પરિણામ આવવાના હતા ત્યારે આપ ઉંઘ્યા નહીં હોવ. અહીં એક પણ વ્યક્તિ એવી નહીં હોય જે તે રાત્રે ઉંઘ્યા નહીં હોય. જેટલું જશ્ન ભારતમાં મનાવવામાં આવ્યું તેનાથી પણ વધારે જશ્ન દુનિયામાં ફેલાયેલા ભારતીય સમાજે મનાવ્યું.

આપમાંથી ઘણા લોકો ભારતના ચૂંટણી અભિયાનમાં જોડાયા અને સમય આપ્યો હતો. હું તેમને મળીને થેંક્સ કહી શક્યો ન હતો. આજે હું થેંક્સ કહું છું. રૂબરૂ આવીને કહું છું. આપ અનેક દિવસો ભારતના ગામડામાં રહ્યા અને આ વિજય માટે એક પરિબળ બન્યા. 20 વર્ષ બાદ ભારતમાં પૂર્ણ બહુમત સાથે સરકાર બની. આ ચૂંટણી પરિણામો ભારતના કોઇ પણ પોલિટીકલ પંડિતોના ગળે ઉતરતા ન હતા. ઓપિનિય મેકર્સ પણ ઓપિનિયન બનાવવામાં નિષ્ફળ રહ્યા.

ગરીબથી ગરીબ વ્યક્તિ લોકશાહી માટે કેટલી મહત્વની છે તે ભારતની ચૂંટણીઓએ દર્શાવ્યું. ચૂંટણી જીતવી એ માત્ર પદગ્રહણ નથી હોતું. ચૂંટણી જીતવું એ ખુરશી પર બેસવાનું કામ માત્ર નથી. ચૂંટણી જીતવી એ જવાબદારીનું કામ છે.

મેં જ્યારથી આ કાર્યની જવાબદારી સંભાળી છે ત્યારથી 15 મીનિટ માટે વેકેશન નથી માણ્યું. દેશવાસીઓ આપે જે આ જવાબદારી આપી છે, તેના માટે અમે ક્યારેય એવું કશું નહીં કરીએ, જેના કારણે આપે નીચું જોવાનું થાય.

અમારા દેશમાં એવા ઉમંગ અને ઉત્સાહનો માહોલ છે. દેશમાં બદલાવનો માહોલ હતો. વિશ્વ આર્થિક ગતિવિધિઓથી આગળ વધી રહ્યું છે તેમાં ભારતની ગરીબ વ્યક્તિ કહી રહી છે કે ક્યાં સુધી આવી રીતે જીવીશું. મારા વ્હાલા દેશવાસીઓ, હું આપને વિશ્વાસ આપું છું કે ભારતના વ્યક્તિગત જીવન, સામાજીક જીવન અને આર્થિક જીવન માટે આપે જે સરકારને પસંદ કરી છે, તે ક્યારેય નિષ્ફળ નહીં જાય, આપને નિરાશ નહીં કરે.

અહીં ઉપસ્થિત રહેલા લોકોના મનમાં પણ ભારત પાસે ઘણી અપેક્ષા હશે, ભારતના નાગરિકોના મનમાં પણ ભારત સરકાર પાસે અનેક અપેક્ષા હશે. હું વિશ્વાસથી કહી શકું છું કે આ સરકાર પોતાના કાર્યકાળ દરમિયાન લોકોની આશા અપેક્ષા પૂર્ણ કરવામાં 100 ટકા સફળ થશે.

જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો, ત્યારે એક વાર મેં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે જેને ભારત આવવું હોયતે આવી જાય, મોડું ના કરે. ત્યારે મને ખબર ન હતી કે હું આ જવાબદારી નિભાવીશ. પણ આજે વિદેશમાં રહેનારા ભારતીયોને લાગે છે કે એક પગ તો ભારતમાં હોવો જ જોઇએ.

21મી સદી એશિયાની સદી છે. અમેરિકાના અગ્રણી નેતાઓએ જાહેરમાં કહ્યું છે કે 21મી સદી ભારતની સદી છે, કોઇ કહે છે હિન્દુસ્તાનની સદી છે. આ એમજ કહેવામાં આવતું નથી. ભારત પાસે તે માટેનું સામર્થ્ય અને સંભાવના છે. અને હવે સંજોગ પણ છે. આ કારણે જ આજે હિન્દુસ્તાન દુનિયાનો સૌથી યુવાન દેશ છે. દુનિયાની સૌથી પુરાતન સંસ્કૃતિ ધરાવતો દેશ, દુનિયાનો સૌથી યુવાન દેશ છે. આજે ભારતમાં 65 ટકા વસતી 35 વર્ષથી ઓછી વયના લોકોની છે.

જેની પાસે યુવાનો હોય, સામાર્થ્યવાન બાહુ હોય, માઉસ પર ચાલતી આંગળીઓ હોય, તે દેશે પાછળ ફરીને જોવાની જરૂર નથી. નિરાશાનું કોઇ કારણ નથી સાથીઓ. હું અત્યંત વિશ્વાસ સાથે કહું છું કે આ દેશ અત્યંત તેજ ગતિથી આગળ વધવાનો છે. આ નવયુવાનોના સામર્થ્યથી આગળ વધવાનો છે.

આજે ભારત પાસે એવી ત્રણ વસ્તુઓ છે, જે દુનિયાના કોઇ પણ દેશ પાસે નથી. પણ આપણું કર્તવ્ય બને છે કે આપણી આ ત્રણ શક્તિઓને આપણે ઓળખીએ અને વિશ્વ સમક્ષ રજૂ કરીએ. આપણી આ ત્રણ શક્તિઓને એક બીજા સાથે જોડીને મોબીલાઇઝ કરવામાં આવે.સવા સો કરોડ દેશવાસીઓના આશીર્વાદ એ ઇશ્વરના આશીર્વાદ છે. જનતા જનાર્દન ભગવાનનું રૂપ છે.

1 ડેમોક્રસી - લોકશાહી એ આપણી સૌથી મોટી મૂડી છે. ભારતમાં લોકતંત્ર માત્ર વ્યવસ્થા નહીં પણ આસ્થા છે.

2 ડેમોગ્રાફિક ડિવિડન્ડ - જે દેશ પાસે 35 વર્ષથી ઓછી વયના મહત્તમ યુવાનો હોય તેમને બીજું શું જોઇએ.

3 ડિમાન્ડ - ભારત પાસે મોટું બજાર છે, મોટી માગ છે.

આ ત્રણ શક્તિના આધારે, આ સામર્થ્યના આધારે ભારત નવી ઊંચાઇઓ સર કરશે એ મારો વિશ્વાસ છે.

અમેરિકા દુનિયાનું સૌથી જુનું લોકતંત્ર છે. ભારત દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે. સમગ્ર દુનિયાના લોકો અમેરિકામાં આવીને વસ્યા છે. અને ભારતના લોકો સમગ્ર દુનિયામાં જઇને વસ્યા છે. દુનિયાનો કોઇ ખુણો નહીં હોય, જ્યાં ભારતીય ના મળે, અમેરિકાનું કોઇ શહેર એવું નથી જ્યાં અન્ય દેશોના નાગરિકો ના મળે. કેટલી બધી સામ્યતા છે.

સરકારો વિકાસ કરી શકતી નથી. સરકાર વધુમાં વધુ યોજનાઓ લાગુ કરી શકે છે. તેનું એક કારણ છે. વિકાસ ત્યારે થાય છે જ્યારે જનભાગીદારી હોય. બદનસીબે ભારતમાં અત્યાર સુધી સરકારોએ જ વિકાસની જવાબદારી લીધી હતી. અમે સરકાર સાથે નાગરિકોને જોડીને વિકાસ કરવાનો પ્લાન બનાવ્યો છે. પ્રગતિ કરવી છે તો ગુડ ગવર્નન્સ જરૂરી છે. એરપોર્ટ પર ઉતર્યાં તો આવું થયું..., વિઝા લેવા ગયા હતા તો આમ થયું..., હું ભલે આપથી માઇલો દુર રહું પણ આપની પીડાને બરાબર જાણું છું. આ માટે ભાઇઓ બહેનો, અમારો પ્રયાસ છે કે વિકાસને જન આંદોલન બનાવીએ.

ભારતનો ઇતિહાસ જોઇએ તો દરેક સમયે કોઇ ને કોઇ મહાપુરુષ મળ્યા છે, જેમણે દેશ માટે બલિદાન આપ્યું હોય. આપ સીખ પરંપરાના બધા ગુરુઓના નામ લો, એક પછી એક બલિદાન આપ્યા છે. ભગત સિંહે બલિદાન આપ્યું છે. દરેક યુગમાં મહાપુરુષોએ દેશ માટે બલિદાન આપ્યા. પણ તેઓ બલિદાન આપતા હતા, ફાંસીએ ચડતા હતા, ગોળીઓના શિકાર બનતા. તેઓ એક પછી એક શહીદ બનતા હતા.

મહાત્મા ગાંધીજીએ આઝાદીને જન આંદોલન બનાવી દીધું, આઝાદી માટે કોઇ ખાદી પહેરે, કોઇ બાળકોને ભણાવે, કોઇ સફાઇ કરે વગેરે... તેમણે દરેક વ્યક્તિને તેની ક્ષમતા અનુસાર કામ સોંપ્યું. આ મહાત્મા ગાંધીનો સૌથી મોટો ફાળો છે. તેમણે લોકોમાં હું દેશ માટે કરું છું એવો ભાવ જગાવ્યો. જે રી તે આઝાદીનું આંદોલન જન આંદોલન હતું, તેવી રીતે વિકાસ માટે જનઆંદોલનની જરૂર છે.

ડૉક્ટર ગરીબ દર્દીઓ માટે સેવા આપશે. શિક્ષક ગરીબોના બાળકોને ભણાવશે. જેશી વિકાસ થઇ શકે. જે વ્યક્તિ જે પણ કરે તે દેશ માટે કરે છે તેવો ભાવ મારે જગાવવો છે. જેના કારણે દેશને નુકસાન નહીં પહોંચે. આજે મને વિશ્વાસ છે કે ફરી એકવાર એ દિવસ આવશે. દરેક ભારતીય કહેશે કે દેશને આગળ લઇ જવો છે. સવાસો કરોડ દેશવાસીઓની દેશભક્તિને આધારે 21મી સદીમાં હિન્દુસ્તાનને આગળ વધારવાની સંભાવના છે.

આપ ભણતા હશો તો તમને ખ્યાલ હશે કે 21મી સદીમાં દુનિયામાં મોટા વર્ક ફોર્સની જરૂર પડશે. દુનિયા પાસે કામ કરનારા માણસો નહીં હોય. આપણે સમગ્ર દુનિયાને વર્ક ફોર્સ પૂરો પાડીશું. આજે વિશ્વભરમાં નર્સોની ભારે માંગ છે. વિશ્વમાં શિક્ષકોની માંગ છે. ગણિત અને વિજ્ઞાનની શિક્ષકો નથી મળતા. ભારતના યુવાનોની ક્ષમતા વધારીને વિશ્વમાં જેવી જરૂરિયાત હોય તેવી કુશળતા પ્રાપ્ત કરીને વિશ્વમાં પોતાનું સ્થાન બનાવી શકે છે. દુનિયાએ આ વાત માનવી પડશે.

આપે પણ અહીં આવીને કમાલ કરી છે. જે દાણા પાણી પીને આપ અહીં આવ્યા છો, તે દાણા પાણી અમે પણ ખાઇએ છીએ. તો અમે પણ કરી શકીશું. આપ ગુજરાતનું અમદાવાદ જુઓ. જો એક કિલોમીટર ઓટો રિક્ષામાં જાવ તો 10 રૂપિયા ખર્ચો થાય. ભારતની કમાલ જુઓ 65,00,000 કરોડ કિલોમીટર જેટલી યાત્રા કરીને મંગળ પર પહોંચ્યા છીએ. આ ખર્ચો અમને 7 રૂપિયા પ્રતિ કિલોમીટર પડ્યો છે. વિશ્વમાં હિન્દુસ્તાન એવો પ્રથમ દેશ છે જે પ્રથમ પ્રયાસે મંગળ સુધી પહોંચવામાં સફળ થયો છે.

જે દેશ પાસે ટેલેન્ટ હોય, સામર્થ્ય હોય તે દેશ અનેક ઊંચાઇઓ પ્રાપ્ત કરી શકે છે. આ માટે અમે સ્કીલ ડેવલપમેન્ટની દિશામાં પ્રયાસો શરૂ કર્યા છે. નવી સરકાર બન્યા બાદ સ્કીલ ડેવલપમેન્ટ માટે અલગ યુનિટ બનાવ્યું છે. અમે આ માટે વિશ્વના દેશો, શિક્ષણ સંસ્થાઓને આવકારીશું. એક એવું સ્કીલ ડેવલપમેન્ટ જેમાં લોકો તૈયાર થઇને જોબ ક્રિએટર બને. બીજું સ્કીલ એવું કે જે જોબ મેળવવા પ્રથમ પ્રયાસે સફળ બને.

ભારતમાં કેટલાક વર્ષો પહેલા બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. તેનો હેતુ ગરીબોને લાભ આપવાનો હતો. 70ના દાયકાનો ઇતિહાસ જાણનારાને તેનો ખ્યાલ હશે. આજે પણ 50 ટકા ભારતીય નાગરિકોના બેંક ખાતા નથી. શાહુકારો તેમને લુંટે છે.

મારા વોરા સમાજના મિત્રો અહીં બેઠા છે તેમને ખબર છે. સત્તા પર આવતા પ્રધાનમંત્રી જનધન યોજના ખુલ્લી મુકી. સરકારી ભંડારનો ઉપયોગ ગરીબો માટે પણ થવો જોઇએ. સરકાર ચાલે છે તેનું ઉદાહરણ શું છે? બે દિવસમાં બેંક વાળા 4 કરોડ ગરીબોના ઘરે ગયા હતા. અમે ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલવા કહ્યું હતું. પણ નાગરિકોએ 1500 કરોડ રૂપિયા બેંકમાં જમા કરાવ્યા. ગરીબથી ગરીબ વ્યક્તિ દેશના વિકાસમાં પોતાની ભાગીદારી આપે છે. આજ બાબતો પરિવર્તન લાવે છે.

મારું નિમંત્રણ છે 'મેક ઇન ઇન્ડિયા' માટે. આપને કોઇ પણ સેવા જોઇએ તો ભારત સિવાય સારી જગ્યા કોઇ નહી હોય. હું આપને કહું છું કે ભારતમાં ધક્કા ખાવાના દિવસો ગયા. ઓનલાઇન ફાઇલિંગ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. આપ આપની અરજી મોબાઇલ ફોન મારફતે પણ ભારત સરકારને મોકલી શકે છે.

અહીં બેઠેલા જવાનો, વૃદ્ધોને હું કહેવા માંગુ છું કે આપ આપના સૂચનો MyGOV દ્વારા મારી સાથે જોડાઇ શકો છો. ભારતનું ભાગ્ય બદલવાની આપણા સૌની ઇચ્છા છે. આપણે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ભારતને શક્તિશાળી બનાવી શકીશું.

ભારતમાં પહેલા જે સરકારો હતી તે એ વાતનો ગર્વ લેતી હતી કે અમે આ કાયદો બનાવ્યો, પેલો કાયદો બનાવ્યો. મેં બીજું કામ શરૂ કર્યું. મેં જુના અને બેકાર કાયદાઓને દૂર કરવાનું કામ શરૂ કર્યું. આઉટડેટેડ કાયદા દૂર કરવા ખાસ સમિતી રચી છે. જૂના કાયદા એક દિવસમાં એક દૂર કરી શકીશ તો મને સૌથી વધારે આનંદ હશે.

ગવર્નન્સ જન અપેક્ષાઓની પૂર્તિ કરવા માટે હોવી જોઇએ. આપણે ન્યુઝ પેપર્સમાં વાંચ્યું હશે કે દિલ્હીમાં સરકારી અધિકારીઓ સમયસર ઓફિસ પહોંચી રહ્યા છે. આ સમાચારે મને પીડા આપતા હતા. સમય પર જવું એ સારું નથી? પણ સ્થિતિ જ એવી હતી.

મેં તાજેતરમાં એક અભિયાન ચલાવ્યું છે. આપને સૌને તે પ્રિય હશે. લોકોને લાગે છે કે વડાપ્રધાન તો કેવું મોટું કામ કરે? પણ મેં ટોઇલેટ બનાવવાનું કામ કરવાનો નિર્ધાર કર્યો છે. ક્યારેક લોકો એમ પૂછે છે કે આપનું વિઝન શું છે? મેં તેમને કહ્યું, હું ચા વેચતા વેચતા અહીં આવ્યો છું. હું ખૂબ સામાન્ય, મામુલી માણસ છું. બાળપણ આવું જ પસાર થયું. નાનો માણસ છું એટલે નાના કામ સૂજે છે, નાના માણસો માટે કામ કરવાનું સૂઝે છે, પણ નાનો છું એટલે નાના માણસો માટે મોટા કામ કરવાનો ઇરાદો છે.

આપ ગંગાને જોઇ લો. આપને ક્યારેક તો મનમાં થયું હશે કે માતા પિતાને ગંગા સ્નાન માટે લઇ જઇએ. પણ મેલી ગંગાને જોઇને આપ મન મનાવી લેતા હશો. આપ કહો, ગંગા સ્વચ્છ, સાફ હોવી જોઇએ કે નહીં? આપ અને ભારતવાસીઓએ આ કામમાં મને મદદ કરવી જોઇએ કે નહીં. આ માટે હજારો કરોડ રૂપિયાનો ખર્ચો થશે. લોકો કહે છે આપ આવા કામ શા માટે હાથમાં લો છો? તો જણાવું કે લોકોએ મને અઘરા કામ કરવા માટે ચૂંટ્યો છે. ગંગાની સફાઇ માત્ર આસ્થા સાથે નહીં, પર્યાવરણ જાળવણી સાથે જોડાયેલો મુદ્દો છે. આ માટે ગંગા સફાઇ જરૂરી છે.

આ ઉપરાંત ગંગાના કિનારાઓની જે સ્થિતિ છે, 40 ટકા લોકોની ગતિવિધિ ગંગા પર નિર્ભર છે. ગંગા સ્વચ્છ થશે તો તેની આસપાસ રહેલા લોકોની આર્થિક સુગમતા વધશે.

મહાત્મા ગાંધીની જન્મજયંતિને 150 વર્ષ થવાના છે. 2019માં તેમની આ વર્ષગાંઠ છે. મહાત્મા ગાંધીએ આપણને આઝાદી આપી, પણ તેમને આપણે શું આપ્યું? ક્યારેક ગાંધી મળશે તો જવાબ આપી શકીશું? આ કારણે 2019માં મહાત્મા ગાંધીને પ્રિય વસ્તુઓ આઝાદી અને સફાઇની ભેટ આપવાની છે. તેઓ સ્વચ્છતામાં બાંધછોડ કરતા ન હતા. ગાંધીજીએ આપણને આઝાદી અપાવી, હવે તેને ગંદકીમાંથી મુક્ત કરવાની જવાબદારી આપણી છે. તેમના ચરણોમાં સ્વચ્છ અને સાફ હિન્દુસ્તાનની ભેટ ધરીશું. આ જવાબદારી ઉછાવવી જોઇએ. આ માટે લોકોએ ગંદગી નહીં કરવાનું પ્રણ લેવું જોઇએ.

ભારતની આઝાદીને 2022માં 75 વર્ષ થશે. અત્યારથી જ તૈયારી કરવી છે. મેં સપનું જોઇ રાખ્યું છે. 2022માં દેશનો કોઇ પરિવાર એવો ના હોય જેની પાસે રહેવાનું ઘર ના હોય. હું આ નાની નાની વાતો આપને કહું છું પણ આ વાતો જ ભારતનું ભાગ્ય બદલશે.

વર્ષ 2015 અત્યંત મહત્વનું છે. આપ સૌ પ્રવાસી ભારતીય છો. આપની જેમ મોહનલાલ કરમચંદ ગાંધી પણ પ્રવાસી ભારતીય હતા. મહાત્મા ગાંધી 9, જાન્યુઆરી 1915માં ભારત પરત આવ્યા હતા. આવતા વર્ષે ગાંધીને ભારત પરત આવવાને 100 વર્ષ થશે. 8,9 અને 10 જાન્યુઆરીએ ભારતમાં પ્રવાસી ભારતીય દિવસ ઉજવાય છે. આ વખતે પ્રવાસી ભારતીય દિવસ ગુજરાતના અમદાવાદમાં યોજાવાનો છે. હું આપને આગ્રહ કરું છું કે આપ આપની માતૃભૂમિનું કર્જ ચૂકાવવા માટે પોતપોતાની રીતે પ્રયાસ કરો.

વડાપ્રધાન બન્યા બાદ કેટલીક બાબતો મારા ધ્યાનમાં આવી છે તે આપને કહેવા માંગુ છું. PIO કાર્ડ હોલ્ડર્સને વીઝાની સમસ્યા છે. તેમને હવે આજીવન વિઝા આપવામાં આવશે. ખુશ? તેનાથી પણ વધારે, જે લાંબા સમય સુધી ભારત રહે છે તેમણે પોલીસ સ્ટેશન જવું પડે છે. તેમણે હવે પોલીસ સ્ટેશન જવું પડશે નહીં. તેવી જ રીતે મને કહેવામાં આવ્યું કે PIO તથા COIની જોગવાઇઓમાં ફેર હોવાથી ભારતીય મૂળના નાગરિકોને તકલીફ થાય છે. તેમાં પણ ભારતીય મૂળના સ્પાઉસની સમસ્યા વધે છે. મારા સાથીઓ હું આપને ખુશખબરી આપું છું કે આવનારા મહિનાઓમાં અમે PIO તથા COIને ભેળવીને એક બનાવી દઇશું. એક નવી સ્કીમ રજૂ કરવામાં આવશે. અમેરિકામાં ભારતના દૂતાવાસ ભારત પ્રવાસ આવવા ઇચ્છતા અમેરિકન્સ માટે લાંબા ગાળાના વિઝા પ્રદાન કરશે. ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ વિઝા અને વિઝા ઓન અરાઇવલને જલ્દી અમલી બનાવીશું. આઉટસોર્સિંગનો વ્યાપ પણ વધારવામાં આવશે.

આપ આટલી મોટી સંખ્યામાં આવ્યા, નવરાત્રિના પ્રસંગે આવ્યા, હું પણ બોલતો જ જઇ રહ્યો છું, ઘડિયાળ તરફ ધ્યાન નથી આપતો. હું હ્યદયથી આપ સૌનો આભારી છું. આપે મને ખુબ પ્રેમ આપ્યો. કદાચ છેલ્લા 15 વર્ષોમાં આટલો પ્રેમ ભારતના કોઇ રાજનેતાને નથી મળ્યો. હું એક કર્જ ચૂકાવીશ. આપના સપનાનું ભારત બનાવીને કર્જ ચૂકાવીશ. આપણે સાથે મળીને ભારત માતાની સેવા કરીશું. આપણાથી જે થઇ શકે તે આપણા દેશવાસીઓ, આપણા વતન માટે કરીએ. આ જ અપેક્ષા સાથે આપનો ખૂબ ધન્યાવાદ.

ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય.

મુઠ્ઠીઓ જોરથી બંધ કરીને બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય.

English summary
Full text of Indian PM Narendra Modi speech at Madison Square Garden, New York on September 28.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more