પાક. જેલમાંથી નાસી છૂટ્યો ભારતીય માછીમાર
ભારતીય માછીમાર જેલમાંથી ભાગી ગયાના પગલે બે જેલ અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવાયા છે. સિંધના કેદી મંત્રી મંજૂર વાસને આ ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે અને જેલ વિભાગ પાસેથી આ અંગેનો અહેવાલ માંગ્યો છે.
ભારતીય માછીમાર કિશોર એ ગ્રુપનો હતો જેને હાલમાં જ મેરિટાઇમ સિક્યુરિટી એજન્સી દ્વારા પાકિસ્તાનના એક્સક્લૂઝિવ ઇકોનોમિક ઝોનમાં ઘુસી જવાના ગૂનામાં પકડી પાડવામાં આવ્યું હતું. જેલ સુપ્રિન્ટેન્ડેન્ટ નાઝિર શાહે જણાવ્યું કે કિશોરને કેદી તરીકે જેલમાં 29 જાન્યુઆરીના રોજ લાવવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન દ્વારા દરવર્ષે હજારો માછીમારોની ધરપકડ કરવામાં આવે છે. આ માછીમારો માછીમાર કરતા કરતા બીજા દેશની સરહદમાં ઘુસી જાય છે અને ત્યાની આરમી તેને પકડીને જેલમાં નાખી દે છે. જોકે બંને દેશોએ હાલમાં જ બંને દેશોના માછીમારોને ઝડપી મુક્ત કરવાના પગલા હાથ ધર્યા છે.