
કાબુલ એરપોર્ટ બહાર હુમલાની જવાબદારી ISIS એ લીધી!
આતંકવાદી સંગઠન ISIS એ કાબુલ એરપોર્ટની બહાર આત્મઘાતી હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ હુમલામાં ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે બીજા વિસ્ફોટમાં એરપોર્ટ ગેટની બહાર તૈનાત અમેરિકન સૈનિકોને નિશાન બનાવવામાં આવ્યા છે. અમેરિકન અધિકારીઓએ પણ પુષ્ટિ કરી છે કે આ હુમલામાં અમેરિકન સૈનિકો પણ ઘાયલ થયા છે. દરમિયાન, તમામ વિદેશી દૂતાવાસોએ તેમના નાગરિકોને એરપોર્ટથી દૂર રહેવાની સલાહ આપી છે. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાનમાં નવું યુદ્ધ શરૂ થયું છે કે કેમ તે અંગે સવાલો ઉઠી રહ્યા છે.
થોડા દિવસો પહેલા તાલિબાને કાબુલ એરપોર્ટની બહારથી આઈએસઆઈએસના ચાર આતંકવાદીઓને પકડ્યા હતા. આ આતંકવાદીઓ એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં રેકી કરી રહ્યા હતા. આ દરમિયાન અમેરિકાની ગુપ્તચર સંસ્થાઓએ પણ માહિતી આપી હતી કે આઇએસઆઇએસના આતંકવાદીઓ કોઇપણ સમયે એરપોર્ટની બહાર હુમલો કરી શકે છે. વ્હાઈટ હાઉસે એમ પણ કહ્યું હતું કે અમેરિકન સૈનિકો કાબુલ એરપોર્ટ પર જેટલા દિવસો રોકાશે, તેટલા દિવસ તેમના પર હુમલાનું જોખમ વધારે છે.
આ પહેલા તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે દાવો કર્યો હતો કે અફઘાનિસ્તામાંથી ઇસ્લામિક સ્ટેટનો સફાયો થઇ ગયો છે. તાલિબાને સ્પષ્ટપણે કહ્યું છે કે તે ઇસ્લામિક સ્ટેટને તેના દેશમાં પગ જમાવવા દેશે નહીં. આ સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે ISIS એ આજના હુમલા સાથે સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે તે હજુ પણ અફઘાન ભૂમિ પર છે.