• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એ નાનકડો દેશ જેને કબજે કરવા ચીન યુદ્ધ કરી શકે છે

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

આ અઠવાડિયે ચીનનાં પાંચ લડાયક વિમાનોએ ફરી એક વાર તાઇવાનની સરહદમાં ઘૂસણખોરી કરી હતી.

ચીનનાં લડાયક વિમાનોએ ગયા વર્ષે રેકૉર્ડ નોંધાવ્યા બાદ આ વર્ષે માત્ર એક જ પખવાડિયામાં નવ વખત તાઇવાનની હવાઈસીમામાં ઘૂસણખોરી કરી છે.

ઘૂસણખોરીની આ ઘટનાથી ચીન અને તાઇવાન વચ્ચેની તંગદીલી સતત વધી રહી છે. એનું વાસ્તવિક કારણ તાઇવાનને 'ચીનમાં ભેળવી દેવાનું' લક્ષ્ય છે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહેલું કે, "તાઇવાનની સાથે ચીનનું એકીકરણ ફરી એક વાર ચોક્કસ થશે."

આ હેતુ પાર પાડવા માટે એમણે શક્તિનો ઉપયોગ કરવાની સંભાવનાઓને નકારી નથી.


તાઇવાન અંગે વિવાદ કેમ?

તાઇવાનનાં પ્રમુખ ત્સાઈ ઇંગ વેન અને શી જિનપિંગ

ચીન માને છે કે તાઇવાન એનો જ એક પ્રાંત છે, જે છેવટે એક દિવસ ફરીથી ચીનનો ભાગ બની જશે.

બીજી બાજુ, તાઇવાન પોતાને એક સ્વતંત્ર દેશ માને છે.

એનું પોતાનું બંધારણ છે અને ત્યાંના લોકો દ્વારા ચૂંટાયેલી સરકારનું શાસન છે.

તાઇવાન દક્ષિણ-પૂર્વીય ચીની તટથી લગભગ 100 માઈલ દૂર સ્થિત એક ટાપુ છે.

એ "પહેલી દ્વીપશ્રુંખલા"માં છે જ્યાં અમેરિકાના સમર્થક ઘણા દેશ છે.

અમેરિકાની વિદેશનીતિના દૃષ્ટિકોણથી આ બધા જ ટાપુઓ ખૂબ મહત્ત્વના છે.

જો તાઇવાન પર ચીન કબજો કરી લે તો, પશ્ચિમના ઘણા વિશેષજ્ઞોના મત પ્રમાણે, તે પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં પોતાનો દબદબો ઊભો કરવા માટે મુક્ત થઈ જશે.

ત્યાર બાદ ગુઆમ અને હવાઈ ટાપુઓમાં રહેલાં અમેરિકન સૈનિક થાણાઓ માટે પણ જોખમ ઊભું થઈ શકે છે.

જોકે, ચીનનો દાવો છે કે એના ઇરાદા સંપૂર્ણ શાંતિપૂર્ણ છે.


તાઇવાન ચીનથી છૂટું કેમ પડ્યું?

લગભગ બીજા વિશ્વયુદ્ધ પછી બંને વચ્ચે અલગાવની સ્થિતિ ઊભી થઈ હતી.

એ સમયે ચીનની મુખ્ય ભૂમિમાં ચીની કમ્યુનિસ્ટ પાર્ટીની ત્યાંની સત્તાધારી નૅશનલિસ્ટ પાર્ટી (કુઓમિંતાંગ) સાથે લડાઈ ચાલતી હતી.

1949માં માઓત્સે તુંગના નેતૃત્વમાં ચીની કમ્યુનિસ્ટ પાર્ટી જીતી ગઈ અને પાટનગર બીજિંગ પર કબજો કરી લીધો.

ત્યાર બાદ, કુઓમિંતાંગના લોકો મુખ્ય ભૂમિ પરથી ભાગીને દક્ષિણ-પશ્ચિમી ટાપુ તાઇવાન જતા રહ્યા.

આ ઘટના પછીથી અત્યાર સુધી કુઓમિંતાંગ તાઇવાનની સૌથી મહત્ત્વની પાર્ટી ગણાય છે. તાઇવાનના ઇતિહાસમાં મોટા ભાગના સમય સુધી કુઓમિંતાંગ પાર્ટીનું જ શાસન રહ્યું છે.

હાલમાં દુનિયાના માત્ર 13 જ દેશ તાઇવાનને એક અલગ અને સાર્વભૌમ દેશ માને છે.

બીજા દેશો તાઇવાનને માન્યતા ન આપે તે માટે એમના પર ચીનનું ખાસ્સું રાજદ્વારી દબાણ રહે છે.

ચીનની કોશિશ એવી હોય છે કે બીજા દેશ એવું કંઈ ના કરે જેનાથી તાઇવાનને પોતાની ઓળખ મળે.

તાઇવાનના સુરક્ષામંત્રીએ કહ્યું કે ચીન સાથેના એમના સંબંધો છેલ્લાં 40 વર્ષોના સૌથી ખરાબ દોરમાંથી પસાર થઈ રહ્યા છે.


શું તાઇવાન પોતાની સુરક્ષા જાતે કરી શકે એમ છે?

લશ્કરી પગલાં સિવાયનાં પગલાં ભરીને પણ ચીન તાઇવાનનું ફરીથી એકીકરણ કરી શકે છે.

બંને દેશના આર્થિક સંબંધોને મજબૂત કરવાથી આવું થઈ શકે.

પરંતુ, બંને દેશ વચ્ચે જો યુદ્ધ થયું તો ચીનની સામે તાઇવાનની સૈન્યશક્તિ વામણી સાબિત થશે.

અમેરિકાને બાદ કરતાં દુનિયાના કોઈ પણ દેશ કરતાં ચીનનો પોતાના સૈન્ય માટેનો ખર્ચ સૌથી વધારે છે. એની સૈન્યશક્તિ ઘણાં વૈવિધ્યવાળી અને વિશાળ છે.

મિસાઇલ ટેકનૉલૉજી જુઓ કે નૌસેના કે વાયુસેનાને; સાઇબર હુમલા કરવામાં પણ થોડાક જ દેશો ચીનનો મુકાબલો કરવાની ક્ષમતા ધરાવે છે.


સૈન્યશક્તિમાં ચીનની તોલે કોઈ નહીં

ઇન્ટરનૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્ટ્રેટેજિક સ્ટડીઝ (આઇઆઇએસએસ) અનુસાર, ચીનની પાસેના દરેક પ્રકારના સૈનિકો ગણી લઈએ તો એની પાસે 20.35 લાખ સક્રિય સૈનિક છે.

સામે, તાઇવાન પાસે માત્ર 1.63 લાખ સક્રિય સૈનિક છે.

આ રીતે, આ બાબતમાં તાઇવાન કરતાં ચીનની શક્તિ લગભગ 12 ગણી વધુ થઈ.

વાત જો ભૂમિદળ પૂરતી કરીએ તો, ચીનમાં 9.65 લાખ ભૂમિદળના સૈનિકો છે, જ્યારે તાઇવાનમાં એના અગિયારમા ભાગ જેટલા એટલે કે માત્ર 88 હજાર.

તો નૌસેનામાં ચીન પાસે 2.60 લાખ કર્મચારી છે અને તાઇવાન પાસે માત્ર 40 હજાર.

ચીનના હવાઈદળમાં લગભગ 4 લાખ લોકો છે, પરંતુ તાઇવાન પાસે માત્ર 35 હજાર કર્મચારી છે. આ બધા ઉપરાંત, ચીનની પાસે 4.15 લાખ અન્ય સૈનિકો પણ છે, સામે, તાઇવાન પાસે આવું કશું નથી.

પશ્ચિમના ઘણા વિશેષજ્ઞોનું અનુમાન છે કે બંને દેશ વચ્ચે જો સામસામી ટક્કર થાય તો ખૂબ પ્રયાસો કરે ત્યારે તાઇવાન ચીનના હુમલાને થોડોક ધીમો પાડી શકે.

એને અમેરિકાની મદદ મળી શકે એમ છે, જે તાઇવાનને શસ્ત્રસરંજામ વેચે છે. જોકે, અમેરિકાની ઔપચારિક નીતિ 'રાજદ્વારી અસ્પષ્ટતા'ની રહી છે. બીજા શબ્દોમાં કહીએ તો અમેરિકા જાણીબૂઝીને પોતાની નીતિને સ્પષ્ટ નથી કરતું કે હુમલો થાય એવી પરિસ્થિતિમાં એ તાઇવાનની કેવી અને કેટલી મદદ કરશે.

રાજદ્વારી રીતે ચીન હાલ તો "એક ચીનની નીતિ"નું સમર્થન કરે છે. એનો અર્થ એ થયો કે અમેરિકાની સત્તાવાર લાઇન છે કે બીજિંગ સરકાર જ ચીનની ખરી પ્રતિનિધિ છે. એના તાઇવાનના બદલે ચીન સાથે ઔપચારિક સંબંધ છે.


શું પરિસ્થિતિ બગડતી જાય છે?

2021માં, તાઇવાનના ઍર ડિફેન્સ ઝોનમાં પોતાનાં લડાયક વિમાનો મોકલીને ચીન એના પર દબાણ ઊભું કરતું જોવા મળ્યું.

કોઈ પણ દેશનો ઍર ડિફેન્સ ઝોન અર્થાત્ હવાઈ સુરક્ષાક્ષેત્ર એવો વિસ્તાર હોય છે જ્યાં દેશની સુરક્ષા માટે વિદેશી વિમાનોને ઓળખીને એના પર નજર અને નિયંત્રણ રખાય છે.

તાઇવાને 2020માં પોતાની હવાઈ રક્ષાસીમામાં ઘૂસી આવેલાં વિમાનોના આંકડા સાર્વજનિક કર્યા છે. જેમાં ગયા વર્ષના ઑક્ટોબરમાં આ પ્રકારની ઘૂસણખોરીમાં વધારો જોવા મળ્યો છે.

ઑક્ટોબર 2021માં માત્ર એક જ દિવસમાં ચીનનાં 56 વિમાનો તાઇવાનના વિસ્તારોમાં ઘૂસ્યાં હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.


દુનિયા માટે તાઇવાન મહત્ત્વપૂર્ણ શા માટે?

તાઇવાનની અર્થવ્યવસ્થા દુનિયા માટે ઘણી મહત્ત્વપૂર્ણ છે.

દુનિયામાં રોજિંદા ઉપયોગમાં આવતાં ઇલેક્ટ્રોનિક્સ ગૅજેટ જેવાં કે ફોન, લૅપટૉપ, ઘડિયાળ અને ગેમિંગ ઉપકરણોમાં જે ચિપ લાગે છે એનો મોટો ભાગ તાઇવાનમાં બને છે.

હાલ તો ચિપની બાબતમાં તાઇવાન દુનિયાની સૌથી મોટી જરૂરિયાત છે. ઉદાહરણ તરીકે 'વન મેજર' નામની કંપની લઈએ.

એકલી આ કંપની જ દુનિયાની અડધાથી વધુ ચિપનું ઉત્પાદન કરે છે.

2021માં દુનિયાનો ચિપઉદ્યોગ લગભગ 100 અબજ ડૉલરનો હતો અને એના પર તાઇવાનનો દબદબો છે.

જો તાઇવાનને ચીન કબજે કરી લે તો દુનિયાનો ખૂબ મહત્ત્વનો ઉદ્યોગ ચીનના નિયંત્રણમાં આવી જશે.


તાઇવાનના લોકોમાં કેવીક ચિંતા?

ચીન અને તાઇવાન વચ્ચે તણાવ વધ્યો હોવા છતાં તાજેતરનાં સંશોધનો દર્શાવે છે કે ત્યાંના લોકો પર એની વધારે અસર નથી થઈ.

ઑક્ટોબરમાં તાઇવાન પબ્લિક ઓપિનિયન ફાઉન્ડેશને લોકોને પૂછેલું કે શું તેમને લાગે છે કે ચીનની સાથે યુદ્ધ થશે જ. તાઇવાનના લગભગ 64 ટકા લોકોએ આનો જવાબ 'ના'માં આપ્યો.

તો બીજા એક રિસર્ચમાં માહિતી મળી કે તાઇવાનના મોટા ભાગના લોકો પોતાને ચીની લોકોથી અલગ માને છે.

નૅશનલ ચેંગ્ચી યુનિવર્સિટીના એક સરવેમાં જાણવા મળ્યું કે 1990ની તુલનાએ આજના સમયે તાઇવાનમાં આંતરિક રીતે લોકોની તાઇવાની ઓળખ વધતી રહી છે. લોકોની પોતાને ચીની, કે તાઇવાની અને ચીની બંને માનવાની પ્રકૃતિ પહેલાં કરતાં ઘણી ઘટી ગઈ છે.https://www.youtube.com/watch?v=INveKTQb56g&t=35s

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
It is a small country that China can fight to capture
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X
Desktop Bottom Promotion