જૉન્સન ઍન્ડ જૉન્સનની કોરોનાની રસી સુરક્ષિત, ફાઇઝર અને મૉર્ડર્ના બાદ અમેરિકામાં ત્રીજી રસીને મળી શકે છે મંજૂરી
અમેરિકન નિયામક સંસ્થા ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિન્સ્ટ્રેશન (એફડીએ)ને પોતાની તપાસમાં જાણવા મળ્યું છે કે જૉન્સન ઍન્ડ જૉન્સન કંપનીની કોરોનાની રસી સુરક્ષિત અને પ્રભાવી છે.
આ સાથે જ અમેરિકામાં કોરોનાની ત્રીજી રસીને મંજૂરી મળવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.
જૉન્સન ઍન્ડ જૉન્સનની રસી ફાઇઝર અને મૉર્ડર્ના રસીની માફક જ સસ્તો અને શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે, કેમ કે આ રસીને ફ્રિઝરની જગ્યાએ સામાન્ય રૅફ્રિજરેટરમાં રાખી શકાય છે.
આ રસીનો માત્ર એક જ ડોઝ આપવામાં આવશે, જ્યારે ફાઇઝર અને મૉર્ડર્નાની રસીના બે ડોઝ આપવા પડે છે.
જૉન્સન ઍન્ડ જૉન્સને પોતાનાં પરિક્ષણોનાં પરિણામો ગત મહિને જાહેર કર્યાં હતાં. એફડીએના મતે રસીનાં પરીક્ષણો અમેરિકા, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમાં હાથ ધરાયાં હતાં. આંકડા અનુસાર કોરોના મહામારી વિરુદ્ધ આ રસી 85 ટકા અસરકારક જણાઈ હતી.
શુક્રવારે વિશેષજ્ઞોની એક ટીમ એ વાત પર નિર્ણય કરશે કે એફડીએ આ રસીને મંજૂરી આપવી જોઈએ કે નહીં.
વ્હાઇટ હાઉસના અધિકારીઓ અનુસાર જો એફડીએ આ રસીને ઇમર્જન્સી ઉપયોગ માટે પરવાનગી આપી દે છે તો આગામી સપ્તાહ સુધી રસીના 30 લાખ ડોઝ મળી જશે.
કંપનીના જણાવ્યા અનુસાર માર્ચના અંત સુધીમાં તે બે કરોડ ડોઝ સપ્લાય કરશે. કંપનીએ અમેરિકાને જૂનના અંત સુધીમાં 10 કરોડ ડોઝ સપ્લાય કરવાનો કરાર કર્યો છે.
અમેરિકામાં અત્યાર સુધી છ કરોડ 50 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. અહીં દરરોજ લગભગ 13 લાખ લોકોને રસી આપવામાં આવી રહી છે.
રોકવું પડ્યું હતું પરીક્ષણ
https://www.youtube.com/watch?v=XOgsJQFkgMA
ગત વર્ષે અમેરિકાની બહુરાષ્ટ્રીય દવાકંપની જૉન્સન એન્ડ જૉન્સનને કોરોના વાઇરસની રસીનું પરીક્ષણ અટકાવી દેવું પડ્યું હતું.
કંપનીએ કહ્યું હતું કે તેણે કોરોના વાઇરસની એક સંભવિત વૅક્સિનનું પરીક્ષણ અસ્થાયી રીતે રોકી દીધું છે. આ પરીક્ષણમાં 60 હજાર લોકોના સામેલ થવાની વાત કહેવામાં આવી રહી હતી.
કંપનીના જણાવ્યા અનુસાર પરીક્ષણમાં ભાગ લેનાર લોકોમાંથી એક વ્યક્તિ બીમાર થતાં આ નિર્ણય લેવાયો હતો.
કંપનીએ એક નિવેદનમાં કહ્યું હતું કે બીમારી વિશે હાલ સુધી કંઈ ખબર નથી પડી પરંતુ એક સ્વતંત્ર સુરક્ષાસમિતિ અને કંપનીના પોતાના ડૉક્ટરો એ દરદીની દેખરેખ રાખી રહ્યા હતા.
જોકે, આવાં પરીક્ષણોમાં સંબંધિત અવરોધો આવતા રહેતા હોવાનું પણ કંપનીએ જણાવ્યું હતું.
કોવિડ-19ની રસી સુરક્ષિત છે?
મોટા ભાગના નિષ્ણાતોનો અભિપ્રાય છે કે કોરોના સામે લડવા માટે અત્યાર સુધીમાં તે રસીઓ તૈયાર થઈ તે બધાના સુરક્ષા-રિપોર્ટ સારા છે.
શક્ય છે કે રસીકરણ પછી સામાન્ય તાવ આવે અથવા માથામાં દુખાવો થાય કે રસી જ્યાં લીધી હોય તે જગ્યાએ દુખાવો થાય.
ડૉક્ટરોનું કહેવું છે કે કોઈ રસી 50 ટકા સુધી પણ અસરકારક હોય તો તેને સફળ રસીની શ્રેણીમાં મૂકવામાં આવે છે.
ડૉક્ટરો જણાવે છે કે રસી અપાવ્યા પછી વ્યક્તિની તબિયતમાં થતા મામૂલી ફેરફાર પર પણ નજર રાખવી પડશે. કોઈ પણ અસર દેખાય તો તરત ડૉક્ટરને તેની જાણ કરવાની રહેશે.
https://www.youtube.com/watch?v=7_Iw2nWAIfw
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો