
જર્મનીમાં ચાકૂથી હુમલામાં 3 લોકોના મોત, 5 ગંભીર રીતે ઘાયલ
બર્લિનઃ જર્મનીના વુર્જબર્ગમાં શુક્રવારે એક વ્યક્તિએ ચાકૂથી હુમલો કરી દીધો. આ હુમલામાં 3 લોકોના મોત થઈ ગયા જ્યારે 5 ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. માહિતી મુજબ હુમલાખોર 24 વર્ષનો સોમાલિયાઈ મૂળનો વ્યક્તિ છે. પોલિસે આરોપીની ધરપકડ કરી લીધી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આરોપી માનસિક રીતે બિમાર હતો અને તેનો ઈલાજ ચાલી રહ્યો હતો. મીડિયા રિપોર્ટસ મુજબ પોલિસે હુમલાખોરને તેની જાંઘમાં ગોળી મારીને રોક્યો ના હોત તો બીજા પણ લોકોને ઘાયલ કરી શકતો હતો.
ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
પોલિસે જણાવ્યુ છે કે આરોપીને વાગેલી ગોળી માત્ર તેને રોકવા માટે ચલાવવામાં આવી હતી. તેના જીવને કોઈ પ્રકારનુ જોખમ નથી. અધિકારીઓએ જણાવ્યુ છે કે પાંચ લોકો કે જેઓ ગંભીર છે તેમાંથી અમુકની હાલત ખૂબ જ ગંભીર છે તેમને બચાવવા મુશ્કેલ જણાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાના ઘણા વીડિયો સામે આવ્યા છે જેમાં હુમલાખોર પણ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો એ હુમલાખોર સામે ઝઝૂમી રહ્યા છે. આ દરમિયાન પોલિસ સાથે એક ભીડ એ હુમલાખોરને પકડવા માટે ભાગે છે.
માહિતી મુજબ આરોપી 2015થી વુર્જબર્ગમાં રહે છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે જર્મનીએ લાખો શરણાર્થીઓ અને અપ્રવાસીઓ માટે પોતાની બૉર્ડર ખોલી દીધી હતી. આ શરણાર્થી સોમાલિયા અને ઘણા પડોશી દેશોથી ભાગીને જર્મની આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યુ છે કે આરોપીની સ્થિતિ પહેલા ઠીક હતી, તે હાલના દિવસોમાં જ હિંસક પ્રવૃત્તિમાં જોવા મળવા લાગ્યો હતો. થોડા દિવસોથી તેનો મનોરોગ ઉપચાર ચાલી રહ્યો હતો.