'ભારત એટલુ ગમતુ હોય તો ત્યાં જતા રહે ઈમરાન ખાન...' પાક PM પર ભડક્યા મરિયમ નવાઝ
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન દ્વારા પોતાના રાષ્ટ્રીય સંબોધનમાં ભારતની પ્રશંસા કર્યાની થોડી વાર પછી પીએમએલ-એન નેતા મરિયમ નવાઝે તેમના પર નિશાન સાધ્યુ છે. મરિયમ નવાઝે શુક્રવાર(08 એપ્રિલ)ના રોજ ઈમરાન ખાનને ઝાટકી નાખ્યા અને તેમને દેશ છોડીને ભારત જવાનો આગ્રહ કર્યો. પોતાની સરકાર સામે મહત્વપૂર્ણ અવિશ્વાસ મતના એક દિવસ પહેલા, ઈમરાન ખાને કહ્યુ કે કોઈ પણ યુરોપીય રાજદૂતમાં ભારતને એ કહેવાની હિંમત નથી કે રશિયા પ્રત્યે તેમની વિદેશ નીતિ શું હોવી જોઈએ.

'ભારતીય બહુ સ્વાભિમાની લોકો છે..'
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને કહ્યુ, 'ભારતીય બહુ સ્વાભિમાની લોકો છે. કોઈ પણ તેમને હુકમ ન આપી શકે. પરંતુ હું કહુ છે કે કોઈ પણ મહાશક્તિને ભારત સાથે આવુ કરવાનો(ભારતની વિદેશ નીતિમાં દખલ દેવાનો) અધિકાર નથી.'

'ભારત એટલુ ગમતુ હોય તો ત્યાં કેમ નથી જતા રહેતા...'
ઈમરાન ખાન પર નિશાન સાધીને પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની દીકરી મરિયમ નવાઝે ઈમરાન ખાનને કહ્યુ કે જો તેમને ભારત આટલુ ગમતુ હોય તો તે ત્યાં કેમ નથી જતા રહેતા. પાકિસ્તાનમાં પોતાનુ જીવન છોડીને તે ભારત રહેવા માટે કેમ નથી જતા રહેતા.

'સત્તાને જતી જોઈ પાગલ થઈ રહ્યા છે...'
મરિયમ નવાઝે કહ્યુ, 'આ સત્તાને જતી જોઈ પાગલ થઈ રહ્યા છે, તેમને કોઈએ કહેવુ જોઈએ કે તેમને તેમની પાર્ટીએ જ કાઢ્યા છે, બીજા કોઈએ નહિ. જો તમે ભારતને આટલુ પસંદ કરતા હોય તો ત્યાં જઈને રહો, પાકિસ્તાનની જિંદગી છોડી દો.'

'જે લોકો ભારતની આટલી પ્રશંસા કરે છે...'
પોતાના અધિકૃત ટ્વિટ હેન્ડલ પર મરિયમ નવાઝે આગળ કહ્યુ, 'જે લોકો ભારતની આટલી પ્રશંસા કરે છે, તેમને ખબર હોવી જોઈએ કે ભારતના વિવિધ પ્રધાનમંત્રીઓ સામે 27 અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યા છે પરંતુ કોઈએ પણ બંધારણ, લોકતંત્ર અને નૈતિકતા સાથે ખેલ નથી કર્યો. વાજપેયી એક વોટથી હાર્યા, ઘરે ગયા તેમણે તમારી જેમ દેશ, બંધારણ અને રાષ્ટ્રને બંધક નથી બનાવ્યા.'