
અમેરિકામાં યોગ ગુરુઓ માટે લાયસન્સ લેવું ફરજિયાત
અમેરિકામાં યોગ ધીરે ધીરે ધીકતો અને યોગ ગુરુઓને ધી કેળાં કરાવતો વેપાર બની ગયો છે. જેના કારણે બિલાડીના ટોપની જેમ યોગ તાલીમ કેન્દ્રો શરૂ થઇ ગયા છે. આ સાથે યોગ ગુરુઓની વિરુદ્ધ ગંભીર ફરિયાદો પણ વધી ગઇ છે. આ કારણે અમેરિકાના કેટલાક વિસ્તારોમાં યોગ ગુરુઓ એટલે કે યોગ શિક્ષકો માટે લાયસન્સ લેવું ફરજિયાત કરવામાં આવી રહ્યું છે. આ બાબતનો કેટલાક લોકો સરકારી હસ્તક્ષેપ સમજીને વિરોધ પણ કરી રહ્યા છે.
અમેરિકામાં યોગની તાલીમ મેળવવા માટે લોકોનો ધસારો જોઇને કેટલાક યોગ શિક્ષકો કેટલાક મહિનાની તાલીમ લઇને યોગ ગુરુ બની જાય છે. એક અંદાજ છે કે વર્ષ 2001માં 40 લાખ અમેરિકનો યોગ અભ્યાસ કરતા હતા. હવે આ આંકડો વધીને બે કરોડ લોકો સુધી પહોંચી ગયો છે. આ કારણે યોગ શિક્ષક તરીકે સારા એવા પૈસા મળવા લાગ્યા છે.
અમેરિકામાં યોગ 6 અબજ ડોલરનો ઉદ્યોગ
અમેરિકામાં યોગ તાલીમ 6 અબજ ડોલરનો ઉદ્યોગ બની ગયો છે. માત્ર ન્યુયોર્કમાં જ સેંકડો નાના મોટા યોગ તાલીમ કેન્દ્રો છે. આ કેન્દ્રોમાં પ્રતિ કલાક 15થી 30 ડોલરની ફી લઇને યોગની તાલીમ આપવામાં આવે છે. જો કે પૂરતી સાધના કર્યા વિના જ યોગ ગુરુ બની ગયેલા શિક્ષકોની સૂચનાને અનુસરવા જતા અનેક લોકો નાની મોટી ઇજાઓનો ભોગ બન્યા છે. આમ થવાથી યોગ શિક્ષકોની યોગ્યતા પર પ્રશ્નો ઉભા થયા છે. આ સમસ્યાનો હલ અમેરિકાએ લાયસન્સથી કાઢ્યો છે. આજે અમેરિકાના એક ડઝનથી વધારે રાજ્યોમાં યોગની તાલીમ આપવા માટે લાયસન્સ લેવું ફરજિયાત બની ગયું છે.