
ન્યૂયોર્કના બ્રુકલિન મેટ્રો સ્ટેશન ફાયરિંગ, વિસ્ફોટકો મળતા આતંકી હુમલાની આશંકા!
ન્યુયોર્ક, 12 એપ્રિલ : અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં બ્રુકલિન મેટ્રો સ્ટેશન પર અંધાધૂંધ ફાયરિંગની ઘટના સામે આવી છે. આ હુમલામાં 13 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી તરફ મેટ્રો સ્ટેશન પર ફાયરિંગ બાદ ગભરાટનું વાતાવરણ છે. સોશિયલ મીડિયા પર હુમલાના ઘણા વીડિયો અને ફોટા સતત સામે આવી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયો અને ફોટામાં મેટ્રો સ્ટેશન પર લોકો લોહીના ખાબોચિયામાં પડેલા જોવા મળે છે અને ગભરાટનો માહોલ છે. કેટલાક રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ફાયરિંગની સાથે અહીં બ્લાસ્ટ પણ થયો છે. જો કે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તે જ સમયે એ સ્પષ્ટ નથી થયું કે આ હુમલામાં કોઈ આતંકવાદી સંગઠન સામેલ છે કે નહીં.
સ્થાનિક સમય અનુસાર આ હુમલો મંગળવારે સવારે થયો હતો. હંમેશની જેમ બ્રુકલિન સ્ટેશન પર ભીડ હતી. અચાનક હુમલાખોરોએ ગોળીબાર શરૂ કરી દીધો. પોલીસે ઘટના સ્થળે પહોંચી આસપાસના વિસ્તારને સીલ કરી દીધો હતો. પોલીસ દ્વારા એક શકમંદને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે.