આ દેશના નાગરિક સાથે લગ્ન કરવા માટે લેવી પડશે NOC, નિર્ણય પર મચ્યો હોબાળો
કોલંબો : જો તમે શ્રીલંકાના નાગરિક સાથે પ્રેમમાં પડ્યા હો અને લગ્ન કરવાનું વિચારી રહ્યા હો તો તમારે પહેલા શ્રીલંકાના સંરક્ષણ મંત્રાલય પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવવું પડશે. શ્રીલંકા સરકારે સુરક્ષાના કારણોસર NOC લેવું ફરજિયાત બનાવ્યું છે. જો કે, સરકારના આ નિર્ણયની વિપક્ષ અને ઘણા નાગરિક જૂથો દ્વારા ટીકા કરવામાં આવી રહી છે. નવો કાયદો 1 જાન્યુઆરી, 2022થી લાગુ થશે.

જોખમોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે નિર્ણય
રજિસ્ટ્રાર જનરલ વીરાસેકેરાએ 18 ઓક્ટોબરના રોજ જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યું હતું કે, સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરિપત્ર અનુસારસંબંધિત અધિકારીઓએ વિદેશીઓ સાથે શ્રીલંકાના નાગરિકોના લગ્નને કારણે ઉદ્ભવતા સુરક્ષા જોખમો અંગે ચર્ચા કરી હતી.
જે બાદ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે,વિદેશી નાગરિક દ્વારા સુરક્ષા મંજૂરી મેળવ્યા બાદ આવા લગ્નની નોંધણી અધિક જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કરી શકાય છે.

વિપક્ષે પૂછ્યું - 'આ ભેદભાવ શા માટે'?
આ સાથે જ વિપક્ષે આ નિર્ણય સામે મોરચો ખોલ્યો છે. સાંસદ હર્ષા ડી સિલ્વાએ આ નિર્ણય પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, આ કેવો ભેદભાવ છે. નાગરિક સંગઠનોસાથે જોડાયેલા ઘણા લોકોએ પણ સોશિયલ મીડિયા પર આ પગલાનો વિરોધ કર્યો છે.
પરિપત્રમાં જણાવાયું છે કે, સુરક્ષા મંજૂરી એ પ્રમાણિત કરશે કે, વિદેશી પક્ષઅગાઉના છ મહિના દરમિયાન કોઈ ગુના માટે દોષિત ઠર્યો છે કે કેમ.

અધિકારીઓએ બચાવમાં આપી આ દલીલ
બીજી તરફ સરકારી અધિકારીઓનું કહેવું છે કે, સ્થાનિક નાગરિકોને લગ્નના નામે વિદેશીઓ દ્વારા છેતરાતા અટકાવવા તેમજ લગ્નના બહાને દેશમાં ડ્રગ્સની દાણચોરીમાંવધારા પર નજર રાખવા માટે આ નિર્ણય મહત્વપૂર્ણ છે.
તેમણે જણાવ્યું હતું કે, આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, તેમાં કોઈ ભેદભાવનથી. જે ચિંતાઓ અને જોખમો સામે આવ્યા હતા તે મુજબ સરકારે NOC ફરજિયાત બનાવ્યું છે.