• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અમેરિકામાં 70 વર્ષ પછી કોઈ મહિલાને અપાશે મૃત્યુદંડ

By BBC News ગુજરાતી
|

અમેરિકાના ન્યાય વિભાગનું કહેવું છે કે 70 વર્ષમાં પહેલીવાર કોઈ મહિલાને મૃત્યુદંડની સજા આપવામાં આવશે.

ન્યાય વિભાગે કહ્યું કે લીસા મૉન્ટગોમરી નામના મહિલા કેદીને8 ડિસેમ્બરના દિવસે મૃત્યુદંડની સજા આપવામાં આવશે. અદાલતનું કહેવું છે કે લીસાએ એક જઘન્ય અપરાધને અંજામ આપ્યો હતો.

લીસાએ વર્ષ 2004માં અમેરિકાના મિસોરી રાજ્યમાં એક ગર્ભવતીની ગળું દબાવીને હત્યા કરી હતી અને એ પછી એ મૃત મહિલાનું પેટ ચીરીને એના બાળકનું અપહરણ કર્યું હતું.

ન્યાય વિભાગ અનુસાર લીસાને ઝેરના ઇંજેક્ષનની પદ્ધતિથી મૃત્યુ દંડ આપવામાં આવશે.

આ અગાઉ અમેરિકન સરકારે વર્ષ 1953માં આવી સજા આપી હતી.

અમેરિકામાં મૃત્યુદંડની સજાની વિગતો રાખનાર કેન્દ્ર (ડીપીઆઈ સેન્ટર) મુજબ, 1953માં મિસોરી રાજ્યની એક મહિલા બોની હેડીને ગૅસ ચૅમ્બરમાં મોતની સજા આપવામાં આવી હતી.

એક અન્ય શખ્સ બ્રેંડન બનાર્ડને પણ આ વર્ષે ડિસેમ્બરમાં મૃત્યુદંડની સજા આપવામાં આવનાર છે. બ્રેંડને 1999માં પોતાના સાથીદારો સાથે મળીને બે યુવા મંત્રીઓની હત્યા કરી હતી.

અમેરિકાના ઍટર્ની જનરલ વિલિયમ બરએ કહ્યું કે આ અપરાધો 'વિશેષ રીતે જઘન્ય અપરાધ'ની શ્રેણીમાં આવે છે.

ગત વર્ષે જ ટ્રમ્પ સરકારે કહ્યું હતું કે તેઓ સરકાર દ્વારા મોતની સજાની કાર્યવાહી ફરી શરૂ કરાવશે.


કોણ છે લીસા મૉન્ટગોમરી?

ડિસેમ્બર 2004માં લીસા મૉન્ટગોમરીની બૉબી જો સ્ટિન્નેટ સાથે વાત થઈ હતી. લીસા એક ગલૂડિયું ખરીદવા માગતી હતી.

ન્યાય વિભાગની અખબારી નોંધ મુજબ આને માટે લીસા કેન્સસથી મિસોરી ગઈ જ્યાં બૉબી રહેતી હતી. બૉબીનાં ઘરમાં ઘૂસ્યાં પછી લીસાએ એમનાં પર હુમલો કર્યો અને ગળું દબાવીને હત્યા કરી દીધી. જ્યારે આ ઘટના બની ત્યારે બૉબી આઠ માસનાં ગર્ભવતી હતાં.

સરકારી અખબારી નોંધ અનુસાર હત્યા કર્યા પછી લીસાએ બૉબીનાં પેટને છરીથી ચીરી નાંખ્યું અને બૉબીનાં બાળકને શરીરથી અલગ કરી અપહરણ કરી લીધું.

ન્યાય વિભાગે એમ પણ કહ્યું કે લીસાએ એ બાળક એમનું જ છે એવું દર્શાવવાની પણ થોડો સમય કોશિશ કરી હતી.

વર્ષ 2007માં જ્યુરીએ લીસાને હત્યા અને અપહરણ માટે દોષિત માની સર્વાનુમતે મૃત્યુની સજાની ભલામણ કરી.

જોકે, મૉન્ટગોમરીના વકીલ એ દલીલ આપતા રહ્યા કે 'બાળપણમાં લીસા મૉન્ટગોમરીને ખૂબ મારવામાં આવેલા, એમનું ઉત્પીડન કરવામાં આવેલું જેનાંથી એમના મગજને ક્ષતિ પહોંચી અને તેઓ માનસિક રીતે અસ્વસ્થ છે જેથી એમને મોતની સજા ન કરવી જોઈએ.'


અમેરિકામાં સજા આપવાનું અંતર

અમેરિકન ન્યાયપ્રણાલિ મુજબ આરોપી સામે કાં તો રાષ્ટ્રીય સ્તરે સંઘીય અદાલતમાં કેસ ચલાવી શકાય છે અથવા તો ક્ષેત્રિય સ્તરની અદાલતમાં કેસ ચલાવી શકાય છે.

નકલી ચલણ, ઇમેલ ચોરી વગેરે જેવા કેસો સંઘીય અદાલતના કાર્યક્ષેત્રમાં આવે છે જેમાં કાં તો અમેરિકન સરકાર પક્ષકાર હોય છે અથવા તો એ લોકો પક્ષકાર હોય છે જેમના બંધારણીય અધિકારોનું હનન થયું હોય.

આ સિવાય કયો કેસ સંઘીય અદાલતમાં દાખલ થઈ શકે એ અપરાધ કેટલો જઘન્ય છે એના પર આધાર રાખે છે.

1972માં એક નિર્ણય દ્વારા અમેરિકાની સુપ્રીમ કોર્ટે મૃત્યુદંડના તમામ કાયદાઓને રદ કરી દીધા હતા અને તેને પગલે તમામ ગુનેગારોની મોતની સજા રદ થઈ ગઈ હતી.

1976માં અમેરિકાની સુપ્રીમ કોર્ટના એક અન્ય આદેશ પછી રાજ્યોને મોતની સજા કરી શકવાની સત્તા પાછી મળી અને 1988માં અમેરિકન સરકારે એક કાયદો પસાર કર્યો જેના આધારે સંઘીય સરકારોને પણ મોતની સજા આપવાનો અધિકાર પાછો મળ્યો.

ડીપીઆઈ સેન્ટર મુજબ 1998થી 2018 દરમિયાન સંઘીય અદાલતોએ વિવિધ કેસોમાં કુલ 78 લોકોને મૃત્યુદંડની સજા કરી અને તે પૈકી ફક્ત ત્રણ જ અપરાધીઓને એ સજા આપવામાં આવી.

મૉન્ટગોમરી અને બ્રેંડન બનાર્ડ અનુક્રમે આઠમા અને નવમા અપરાધી છે જેમને આ વર્ષે સંઘીય અદાલતના આદેશ પર મૃત્યુદંડ આપવામાં આવશે.

ટ્રમ્પ સરકારે ગત વર્ષે કહ્યું હતું કે લાંબા અંતરાલ પછી એમની સરકાર સંઘીય અદાલતોમાં મૃત્યુદંડની સજા ફરી શરૂ કરાવશે.

એ સમયે ઍટર્ની જનરલે કહ્યું હતું કે "બેઉ પક્ષોની સરકાર સમક્ષ ન્યાય વિભાગ સૌથી ખરાબ અપરાધીઓ માટે મૃત્યુની સજાની માગણી કરતો રહ્યો છે. ન્યાય વિભાગ કાનૂનના શાસનને માને છે અને એ હિસાબે જ ચાલે છે. અમે ઇચ્છીએ છીએ કે દોષિતોને સજા અપાવી શકીએ જેથી પીડિતો અને એમના પરિવારજનોનો વિશ્વાસ આપણી ન્યાય પરંપરામાં જળવાઈ રહે."


https://www.youtube.com/watch?v=MEvzF_JHd5o

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
On December 8, Lisa Montgomery will be executed by injection of poison
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X