કોરોના સામે વધુ એક હથિયાર, બ્રિટનમાં મર્ક ટેબ્લેટને મંજુરી મળી!
બ્રિટને વિશ્વની પ્રથમ એન્ટિવાયરલ ગોળીના શરતી ઉપયોગને મંજૂરી આપી છે, જે કોવિડ-19ની સફળ સારવારમાં મદદરૂપ માનવામાં આવે છે. યુકે પ્રથમ દેશ છે જેને આ ગોળી સાથેની સારવારને યોગ્ય માની છે, જો કે તે સ્પષ્ટ નથી કે આ ગોળી કેટલી જલ્દી ઉપલબ્ધ થશે. 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના એવા કોરોના સંક્રમિત લોકોને આ ગોળીનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે જેમાં ઓછામાં ઓછું એક ગંભીર લક્ષણ જોવા મળે.
આ દવાનું નામ 'મોલ્નુપિરાવિર' છે. કોવિડનો હળવો ચેપ ધરાવતા લોકોએ આ ગોળી દિવસમાં બે વખત લેવી પડશે. આ એન્ટિવાયરલ ગોળી કોરોનાના લક્ષણોને ઘટાડે છે અને ઝડપથી સાજા થવામાં મદદ કરે છે. આ હોસ્પિટલો પરનો બોજ ઘટાડવામાં અને ગરીબ દેશોમાં ચેપને રોકવામાં મદદરૂપ થઈ શકે છે. આ ગોળી રોગચાળા સામે લડવા માટે જરૂરી બે પદ્ધતિઓ દવા અને રોકવામાં મદદરૂપ થશે.
યુએસ, યુરોપ અને કેટલાક અન્ય દેશોના સંબંધિત નિયમનકારો દવાની સમીક્ષા કરી રહ્યા છે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને ગયા મહિને કહ્યું હતું કે તે ગોળીની સલામતી અને અસરકારકતા નક્કી કરવા માટે નવેમ્બરના અંતમાં પેનલ મીટિંગ બોલાવશે. દવા ઉત્પાદક 'મર્ક' એ આ દવા તૈયાર કરી છે.
ઓક્ટોબરમાં બ્રિટિશ અધિકારીઓએ જાહેરાત કરી હતી કે તેમને મોલ્નુપિરાવિરના 480,000 ડોઝ મેળવ્યા છે, તેનાથી આ શિયાળામાં હજારોની સારવાર કરવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે. યુકેના સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવિદે કહ્યું કે, આ આપણા દેશ માટે ઐતિહાસિક દિવસ છે કારણ કે કોવિડની સારવાર માટે ઘરે લઈ શકાય તેવા એન્ટિવાયરસને મંજૂરી આપનાર યુકે વિશ્વનો પહેલો દેશ છે.