ભારતની એર સ્ટ્રાઈક પર બોલ્યું પાકિસ્તાન, અમે પણ જવાબ આપવાનો અધિકાર ધરાવીએ છીએ
ઈસ્લામાબાદઃ પુલવામા આતંકી હુમલાના 13મા દિવસે ભારતે પાકિસ્તાનને ઝડબાતોડ જવાબ આપ્યો છે. ભારતની નિયંત્રણ રેખા પાર કરી હવાઈ હુમલા દ્વારા બાલાકોટ સહિત કેટલાય વિસ્તારો પર આતંકી શિબિરોને નષ્ટ કરી છે. ભારતના હુમલા બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ મંગળવારે એક ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ હુમલા બાદ પાકિસ્તાન તરફથી પહેલી સત્તાવાર પ્રક્રિયા આપતાં મહમૂદ કુરૈશીએ કહ્યું કે, પાકિસ્તાનને જવાબ આપવાનો અધિકાર છે.

પાકિસ્તાને હવાઈ હુમલાને નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન ગણાવ્યું
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે ભારતીય વાયુસેનાના જેટ વિમાનોએ આજે નિયંત્રણ રેખા પાર કરી છે. શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે પાકિસ્તાનને એ વાતનો આભાસ પણ નહોતો કે ભારત આવા પ્રકારે કંઈ કરશે. તેમણે કહ્યું કે, અમે દુનિયાને જણાવ્યું હતું કે ભારત આવું કંઈક કરી શકે છે. આજે ભારત તરફથી એવું જ કંઈક કરવામાં આવ્યું છે. પાકિસ્તાને ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલ હવાઈ હુમલાને નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન ગણાવ્યું.

અમને આત્મરક્ષાનો અધિકાર છેઃ પાકિસ્તાન
ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલ હવાઈ હુમલા બાદ શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું, આ ભારત દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ એક ગંભીર આક્રમકતા હતી. આ એલઓસીનું ઉલ્લંઘન છે અને પાકિસ્તાને જવાબી કાર્યવાહી અને આત્મરક્ષાનો અધિકાર છે, કુરૈશીએ કહ્યું કે અમે શાંતિપ્રેમી રાષ્ટ્રી છીએ અને આતંકવાદ વિરુદ્ધ લડવામાં સફળતા હાંસલ કરી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં શહીદોના બલિદાનના પરિણામસ્વરૂપ શાંતિ યથાવત થઈ છે. આ વચ્ચે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને સ્થિતિ અંગે જાણકારી મેળવવા પોતાના મંત્રિમંડળની એક ઈમરજન્સી બેઠક બોલાવી છે.

જૈશનો કન્ટ્રોલરૂમ તબાહ
જણાવી દઈએ કે વાયુસેનાના સૂત્રોએ કહ્યું કે આ હુમલો સવારે 3.30 વાગ્યે 12 મિરાજ 2000 ફાઈટર જેટ દ્વારા કરવામાં આવ્યો. સૂત્રોએ જણાવ્યું કે એલઓસી પાર બાલાકોટ, ચકોઠી અને મુઝફ્ફરાબાદ આતંકી લૉન્ચ પેડને ભારતીય વાયુસેનાએ પૂરી રીતે નષ્ટ કરી દીધા. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના કંટ્રોલ રૂમને તબાહ કરી દેવામાં આવ્યો છે. સૂત્રો મુજબ ભારતીય વાયુસેનાના મિરાજ 2000 વિમાનના જવાબમાં પાકિસ્તાન તરફથી એફ16 જવાબી કાર્યવાહી માટે આવ્યા હતા, પરંતુ ભારતીય વિમાનોને જોઈ પરત ફરી ગયાં. આ ઓપરેશનને પશ્ચિમી એ કમાંડે અંજામ આપ્યું હતું.